ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/દલપત ચૌહાણ/બદલો

દલપત ચૌહાણ
Dalpat Chauhan 10.png

બદલો

દલપત ચૌહાણ




બદલો • દલપત ચૌહાણ • ઑડિયો પઠન: ભાનુપ્રસાદ ઉપાધ્યાય

ગામના ઉગમણે ટેકરે આવેલ દસ-બાર કાચાં, માટીનાં ઘરોમાં વણકર-ચમારની વસ્તી હતી. તે મહોલ્લાને લોકો વાસ તરીકે ઓળખતા. નફિકરી સમડી હવામાં તરતી હોય તેવી સૂમસામ બપોર હતી, વાસનાં નાનાંમોટાં લણણીનો સમય હોવાથી દાડિયે-મજૂરીએ ગયાં હતાં. વાસના તોરણ હેઠળ લાલિયો કૂતરો ભીની માટીમાં તરપતી જીભે હાંફતો હતો. એકાએક લાલિયો ઊભો થયો. માથું હલાવ્યું, પટ્ટા પટ્ટ પટાક પટ્ માથા સાથે કાન અથડાવાનો અવાજ આવ્યો. આગળના પગ લાંબા કરી શરીર તંગ કરી, આળસ મરડી, પૂંછડી હલાવી ધીમે ધીમે આકાશ સામે જોયું. તેને ભસવાની તીવ્ર ઇચ્છા થઈ આવી પણ ન ભસ્યો. પછી વાસ તરફ વળ્યો. ધીમે ધીમે ગોકળના ઘર પાસે આવી ઊભો રહ્યો. ચારે તરફ માથું લંબાવી હવા સૂંઘવા લાગ્યો અને માથું નીચું કરી ગોકળના ઘરથી દૂરના ઘર પાસેના ભીંતડા પાસે બેસી નિરાંતે હાંફવા લાગ્યો.

ગોકળ લાંબા સમયથી બીમાર હતો. તે ઘર પાસે ખાટલીમાં ચત્તોપાટ સૂતો હતો. બંડી અને પંચિયામાં હાડકાંનો માળો વીંટાયેલ હોય તેવા તેના દીદાર હતા. બીમાર હોવાને લીધે જ ગોકળ ઘેર હતો. તેની સેવા માટે તેના દીકરાનો દીકરો નાનિયો ઘેર હતો. બાકી વાસનાં બધાં જ ઘર લગભગ બંધ હતાં.

નાનિયો એટલે આઠ વર્ષની ઉંમરનો છોકરો. શરીર પર મેલું કેડિયું. ચડ્ડી પહેરવાનો વિચાર તેને હજી આવ્યો નહોતો. આંખે પિયા, શરીર મેલું પણ અવનવી રમતો રમવામાં એક્કોય ખરો! આમ તો એય બે-પાંચ પૂળા લણવામાં મદદ કરી શક્યો હોત પણ તેને ગોકળની સેવામાં ફરજિયાત રહેવું પડ્યું હતું. તે અત્યારે ડોકાગાડીની રમતમાં મશગૂલ હતો.

ગોકળ થોડુંક ખાંસ્યો. તેની છાતી ખખડી ઊઠી. તેને તમાકુ પીવાની તલબ લાગી. શરીરને ખાટલીમાં માંડ માંડ બેઠું કર્યું. પછી ઊભા થવા માટે પ્રયત્ન કર્યો પણ તે તેમ ન કરી શક્યો; પેશાબ કરવાની ઇચ્છા થઈ આવી પણ તે ઇચ્છા દબાવી બેસી રહ્યો. તમાકુ પીવાની ઇચ્છાએ તેણે નાનિયાને બૂમ મારી, ‘એય… એલ્યા નાનિયા; ચ્યોં જ્યો લ્યા!’

જવાબ ન મળતાં ફરીથી બૂમ મારી; ‘હાહરું આ નઈડુંય ઘેર મલિટવાર ઊભું નહીં રે’તું! લ્યા નોનિયા, હોંભળસ ક નૈ?’

‘હું હ ભા? હૅની બૂમો પાડાં સૉ?’ કહેતો નાનિયો તેના દાદા તરફ ફરીને બોલ્યો.

‘લ્યા ભઈ, જરા હોકલી ભરનં અ…જો આજેણમ છૉણું ભરેલું પડ્યું સ, ઈનં હળગાય.’

‘હોવ્વ ભા’ એમ કહી નાનિયો હોકલી ભરવાના કામમાં લાગી ગયો. હોકલીનું તેણે પાણી બદલ્યું. ચલમમાં રહેલી જૂની રાખ અને કોલસા ચૂલાની આજેણમાં પાછાં નાખ્યાં. શીંગડાંની બનાવેલી ખીંટી પર ભેરવેલી તમાકુન ભાથામાંથી તમાકુ કાઢી ગોળી તૈયાર કરી, આજેણમાંથી ભારેલું સળગતું છાણું કાઢી તેના પર બીજા છાણાના બેત્રણ ટુકડા મૂકી રોજની આદત પ્રમાણે ફૂંકવા લાગ્યો. રાખ ઊડતી હતી તોય છાણા સળગાવ્યા પછી ચલમમાં તમાકુની ગોળી મૂકી ઉપર તવો રાખી છાણાના અંગારા ભરવા માંડ્યો. એ કામ પૂરું થયું એટલે હોકલીના બેચર કસ ખેંચી કાઢ્યા. ગુડ… ગુડ ગુડ… અવાજ સાંભળતાં ગોકળે બૂમ મારી, ‘હું કરસ? લ્યા નોંનિયા?! સૉનોમૉનો હોકલી તોણસ ક હું? ઑમ આય લ્યા બેટી ચો…!! હોકલીના પીનારા જૉયા ના હોય તો, અલ્યા હોભળસ ક નૈં?’

નાનિયો ઉતાવળે ઉતાવળે ગોકળ પાસે આવ્યો. હોકલી ગોકળના હાથમાં પકડાવી દઈ, ડોકાની બનાવેલી ગાલ્લી રમવા લાગ્યો.

ત્યાં જ એકાએક વાસના ઝાંપેથી અવાજ આવ્યોઃ ‘અલ્યા વાહમ કુણ સ?’

વળી થોડી વાર રહી ફરીથી કર્કશ અવાજ આવ્યો, ‘દિયોર કોઈ બોલતુંય નહીં? કોઈ હક નૈ?’

લાલિયો સફાળો ઊઠ્યો ને ઝાંપા તરફ જવા લાગ્યો. તેણે એકાદ વાર ભસીય લીધું, વળી સોટી વીંઝવાનો અને કૂતરાને મારવાનો અવાજ આવ્યો. લાલિયાનો દાંતિયાં કરવાનો અવાજ, ચિત્કાર અને ભસવું સંભળાયાં. ગોકળે લાલિયાને પુચકારી પાછો બોલાવવા માટે અવાજ કર્યો. લાલિયો પાછો આવ્યો. ગોકળના ઘરથી દૂર ઊભો રહી, કાન ખણવા લાગ્યો.

‘નોંનિયા, ઓ નોંનિયા, જરાક જો ન કુણ આયું સ?’

જવાબ ન મળતાં ધીમે ધીમે આડું પડખું ફરી તે હોકલી પીવા લાગ્યો. ખાટલીમાં ખસવા પ્રયત્ન કર્યો પણ ખસી ન શક્યો. નાનિયો હજીય એની ડોકાગાલ્લીની રમતમાં મશગૂલ હતો.

ધીમે ધીમે લથડતાં પગલાંનો અવાજ ગોકળના ઘર તરફ વળ્યો ને દારૂની ગંધ સાથે એક માનવઆકૃતિ ગોકળે જોઈ. ગોકળ તરત જ એ લાલ આંખમાં ડૂબેલા ભાવને કળી ગયો. વળી તુર્ત જ કહ્યું, ‘ઓ… હો… આવો આવો વજેસંગ ભા! રોમ રોમ, ચ્યમ શો?’ ગોકળે બને એટલો વિવેક-વિનય જાળવતાં ને દૂરથી રામ રામ કરતાં કહ્યું, ‘ચ્યોંથી ઓંઈ કણ ભૂલા પડ્યા, ભા!’

વજેસંગ નશામાં ચકચૂર આધેડ વયની વ્યક્તિ હતો. દારૂની અસરમાં એનું આખું શરીર ઘેનમાં હતું. કપડાં મેલાં, ફાટ્યાં-તૂટ્યાં હતાં. માથે સાફો હતો ખૂબ જ ફાટેલો અને મેલો. તેના હાથમાં એક પાતળી લાકડી હતી.

ગોકળને ખાટલીમાં આડો પડેલો જોતાં જ વજેસંગની આંખો ઝીણી થઈ. થોડીક ફરકી. આવકારનો જવાબ ન આપ્યો. પણ ડાબા હાથનો ચાળો કરી બોલ્યો, ‘ઓ હો!’ લ્યા મારું બેટ્ટું ઢેઢું, પાસું ખાટલે બેહી બેઠું બેઠું કે’સ ક ચ્યમ સો ભા? ચ્યોંથી ભૂલા પડ્યા સો… જબરું’લ્યા, ભૈ બૌવ જબરું હૉ…ક?’

ગોકળે ગભરાઈને વજેસંગ સામે જોયું.

‘દિયોર અજીય હોંભળતો નથી?’ હોકો પીવસ? મનં હું જોયા કરસ? અલ્યા મૉણહ જોયા સ ક નૈં?’

ગોકળે ઘણી મહેનત કરી પણ ઊભો થઈ ન શક્યો. મહાપ્રયત્ને હાથ લાંબો કરી હોકલી ભીંતડાને અઢેલીને મૂકી દીધી. તેની પેશાબ કરવાની હાજત તીવ્ર થઈ ગઈ હતી. માંડ માંડ હાથ જોડીને કરગરવા લાગ્યોઃ ‘વજેસંગ ભા, ઘણા દનથી તાવની બળાગર સ, ઊભા થવાતું નહીં એટ્લ પડ્યો સુ. તમે તો મોટા મનવાળા સો ભા!’

વજેસંગ ખિજાયો, ‘મારું બેટ્ટું ખરું સ. એક તો મારી હોંમ જ ખાટલે બેઠું સ ન કે’સ ક તાવ આયો સ. હ અ, લ્યા, ગોંકા, તાવ હૅનો લ્યા. બે તૈણ નઈડાં સ એટ્લ બાલેટન થૈ જ્યા સો, ચ્યમ? હં… વળી પાસું મારી હોંમું ચક ચક કરસ?’

‘ના ભા ઈમ નૈં, આ તો જરા તાવ..’

અને ગોકળ જવાબ પૂરો કરે ત્યાં જ લાકડી વીંઝવાનો અવાજ આવ્યો પછી… સટ્ટાક… સટ્… સટ્ટાક… સટ્… સટ્ટાક… સટ્…

‘ઓ માડી રે… મરી જ્યો.’

સટ્ટાક સટ્…

‘ઓ… ઓ… રે…’

ચામડી પર લાલ-કાળાં ચાઠાં ઊપસવા માંડ્યાં. રમતમાં મશગૂલ નાનિયોય અવાચક જોવા માંડ્યો.

પછી સટ્ટાક… સટ્ટાક…

અને ચિત્કાર બંધ થઈ ગયા. તરફડતો ગોકળ ખાટલીમાંથી નીચે ક્યારે ગબડી પડ્યો એની ખબર વજેસંગનેય ન પડી. ગોકળ સાવ અચેતન શો થઈ ગયો. તેનું પંચિયું પલળી ગયું હતું. લાકડી ખાટલીને અથડાવા લાગી એટલે વજેસંગે લાકડી ફટકારવી બંધ કરી. નીચે પડેલા ગોકળ તરફ જોઈને કહેવા લાગ્યો, ‘સ ન દિયોર આ પડી એટ્લ નૅચ હૂતા, નકર ચેવા ખાટલે હૂતા… હૂતા… ડોડવો હલાવતા’તા? દિયોર ઢેઢા, ઑનેથી જ સીધા.’

હાક્… થુઉ… કરી વજેસંગ થૂંક્યો પછી આજુબાજુ જોઈ, વાસ બહાર નીકળી ગયો. પેલો લાલિયોય બે પગ વચ્ચે પૂંછડી ઘાલી ક્યાંક જતો રહ્યો હતો.

ધીમેથી ધરતી પર પડેલો ગોકળ સળવળ્યો. આંગણાની ધૂળમાં હાથ પસારી કંઈક શોધવા લાગ્યો, તેની આંખોમાં આંસુ હતાં. તેને કંઈ દેખાતું ન હતું. શરીર કળતું હતું. એની સ્મૃતિઓ ઊભરાવા માંડી હતી. આંસુઓને પેલે પાર ચહેરો તેને દેખાવા માંડ્યો. અદ્દલ વજેસંગ જેવો જ, તેણે માથું ધુણાવ્યું. ભૂલવા ફાંફાં માર્યાં… પણ પેલો ચહેરો વારે વારે તેની સ્મૃતિને ખણવા જાણે ઊંડાણમાંથી કોઈ બોલાવતું હતું… ખૂબ દૂરથી… ‘ગોકળ ભૈ, ઓ ગોકળ ભૈ…’

અવાજ કાકલૂદી કરતો હતો… ‘ઑંય બારી બા’ર પર પસ્‌વાડ, અંધારામ મું ઊભો સું.’

ગોકળને અવાજ પરિચિત લાગ્યો. ખૂબ જ જાણીતો, ‘ઓ… હૉ… આ તો વજેસંગનો બા…પો!’

ગોકળ મનોમન બબડ્યો ને છપ્પનિયા દુકાળની એક અંધારી રાત ધસી આવી.

‘ગોકળ ભૈઈ… એ તો મું માધુસંગ… હાહરું ઘણુંય કર્યું કૉ’ય ના મલ્યું. નસીબ વોંકું લ્યાં, ગોકા ભૈ! વજો, ઈની મા, ન મું તૈણ દનથી નકોઈડા થ્યા સ… આખુંય ગોંમ ભેંકાર થૈ જ્યું સ! ચ્યોંય કસું નઈ એટ્‌લ આયો સું…’

ગળે ડૂમો ભરાયેલો અવાજ ગોકળ સાંભળતો ગયો, સાંભળતો રહ્યો… ગોકળ જાણે સ્વગત બોલતો હોય તેમ બબડ્યો, ‘માધુ ભા! આવો, આવો! પણ મારા કનય કસુંય નહીં. અનાજનો દોંણોય નહીં, પણ થોડી કોંકણીઓ સ, એ આલું ભા?’

થોડી વારે જાણે ગોકળે સાંભળ્યું. ‘અસે તાંણ ભૈ, કોંકણીઓ તો કોંકણીઓ… મરેલાંના ય ભોથાંય ખાવાનો વારો ભગવાને મેલ્યો તો ઈમ… જીવતર માટ તો કોંક જુવ ન?’

ને ફાંટ ભરીને કોંકણીઓ આપતી નાનિયાની દાદી દેખાઈ ન દેખાઈ ત્યાં તો માધુસંગના ઘરમાં બફાતી કોંકણીઓની વાસ તેના મનમાં ઊભરાઈ આવી.

‘તમારો ગણ નૈં ભૂલું ગોકા ભૈ!’ શબ્દો ચિત્કાર કરતા તેના શરીરની આજુબાજુ વીંટળાઈ વળ્યા.

‘વજો… વજેસંગ…’ ગોકળે થૂંકવા માટે પ્રયત્ન કર્યો પણ થૂંકી શક્યો નહીં. ખાંસી ઊપડી, શૂળ ઊપડ્યું. ખાંસી શૂળમાં ડૂબી ગઈ. મારની યાદ તાજી થઈ. એ ફરીથી બેહોશ થઈ ગયો, વળી થોડીક ક્ષણો બાદ જાગ્યો, કળતરથી શરીર તૂટતું હતું. તેને પાણી પીવાની ઇચ્છા થઈ. નાનિયો સાંભર્યો.

તેણે નાનિયાને સાદ કર્યો, ‘નોંનિયા, ઓ… ઓ… ચ્યોં… જ્યો? થોડું પાણી આલ…’

અત્યાર સુધી અવાક્ થઈ જોયા કરતો નાનિયો સળવળ્યો. તેની ડોકાગાડી અટકી પડી હતી. તે આમાં કાંઈ સમજી શક્યો ન હતો. તેય હલબલી ગયો હતો. તેને માટે વેદનાની આ પ્રથમ અનુભૂતિ હતી. તે ગાંડાની માફક જોઈ રહ્યો હતો.

તેણે દાદાના શબ્દો સાંભળ્યા… પણ શું કહ્યું તે ન સમજી શક્યો… તે ચમક્યો હોય તેમ ભડક્યો.

‘ભા! મું બાપાન બોલાઈન આવું સું.’ કહી નાનિયો મણકીવાળા ખેતરે લણવા ગયેલા તેના બાપાને બોલાવવા માટે દોડ્યો.

લાલિયે હળવા પગલે દેખા દીધી. ઊંહકારા ભરતા ગોકળ તરફ દયામણી નજર નાખી, ગરદન આઘીપાછી કરી હવા સૂંઘવા લાગ્યો. (‘ગુજરાતી દલિત વાર્તા’માંથી)'