ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ધીરેન્દ્ર મહેતા/ઓળખાણ

ધીરેન્દ્ર મહેતા
Dhirendra Mehta 12.png

ઓળખાણ

ધીરેન્દ્ર મહેતા




ઓળખાણ • ધીરેન્દ્ર મહેતા • ઑડિયો પઠન: દિપ્તી વચ્છરાજાની

કૅશિયરે તો માથું ઊંચું કર્યા વિના જ કહી દીધું, તો સાહેબને મળો.

પરંતુ હું એકદમ ત્યાંથી ખસી ન શક્યો.

સામે એક છેડાથી બીજા છેડા સુધી સળંગ કાઉન્ટર હતું. એની પાછળ બેઠેલો સ્ટાફ મને માનવમહેરામણ જેવો લાગ્યો. ઉપર જોરભેર ફરતા પંખાઓનો ફડફડાટ ત્યાંથી સીધો મારા કાનને ભરી દેવા લાગ્યો. મારી આજુબાજુ એક જબરજસ્ત શૂન્યાવકાશ હતો. કાઉન્ટરની પેલી પારનું જગત પણ જાણે ધીરે ધીરે શૂન્ય બનતું જતું હતું. મને લાગ્યું કે આ પ્રક્રિયા કદાચ ક્રમશઃ મારા સુધી વિસ્તરશે.

એમ બને તો ટકી રહેવા માટે જ કદાચ મેં હાથ લંબાવ્યો. મારો હાથ કાઉન્ટર પર ટેકવાઈ ગયો. એક આટલા આધારથી પણ હું જાણે રાહતનો દમ ખેંચી શક્યો.

ધીમે ધીમે મેં સ્વસ્થતા મેળવવા માંડી. હાથમાં ઝાલી રાખેલી ચેકબુક અને પાસબુક સામે જોયું.

બાજુ પર ફરતાં કૅબિનના દરવાજા પર મારેલી પટ્ટી તરફ ધ્યાન ગયું. લાલ રંગેલી પટ્ટી પર સફેદ અક્ષરે લખ્યું હતુંઃ પોસ્ટ માસ્તર.

હું બારણું ધકેલીને અંદર દાખલ થયો.

સામે ટેબલની પછવાડે ખુરશી પર કાળા રંગની જાડી ફ્રેમનાં ચશ્માં પહેરીને બેઠેલો આધેડ જણાતો માણસ કશુંક લખી રહ્યો હતો. મને એનો ચહેરો નહિ પણ માથું દેખાતું હતું. જેના પર રંગ લગાડેલા થોડા વાળ હતા.

હું છેક ટેબલ સુધી પહોંચી ગયો ત્યાં સુધી એણે મારી સામે જોયું નહિ, પછી જોયું તે પણ ઓળખાણ માટેની કશી જ તૈયારી વગર.

મારે એની સાથે શી વાત કરવી તે હું નક્કી કરી શક્યો નહિ. મેં એની સામે જોયું તો એનો પ્રશ્ન ઉગામેલો ચહેરો મને દેખાયો.

મારે બોલવું પડ્યું, મારે પૈસા લેવાના છે. હાથમાં ઝાલી રાખેલી પાસબુક અને ચેકબુક ઊંચી કરીને મેં એમને દેખાડી.

એણે વિચિત્રતાથી મારી સામે જોઈને નવાઈ દેખાડી. પછી બોલ્યોઃ

‘અજાણ્યા લાગો છો. પૈસા લેવા માટે અહીં નહિ આવવાનું, ત્યાં — બહાર — કાઉન્ટર પર જવાનું.’

અને પછી હું જાઉં એની રાહ જોતો હોય એમ જોઈ રહ્યો.

હું એમ ને એમ ઊભો રહ્યો.

‘પણ એમણે જ મને આપની પાસે મોકલ્યો છે.’

એણે પળ વાર પછી મારી સામે પૂર્વવત્ જોયા કર્યું. પછી પૂછ્યુંઃ

‘તમારે કંઈ પ્રોબ્લેમ છે?’

હું અંદરથી ચોંકી ગયો. કેવી વાત કરે છે આ માણસ! મારે શો પ્રોબ્લેમ હોય? પછી વિચાર આવ્યો, પિતાજી ગુજરી ગયા પછી કેમ આમ બન્યા કરે છે! એવું લાગ્યા કરે છે, જાણે કોઈનો વ્યવહાર નૉર્મલ નથી. બધા પ્રશ્નો કર્યા કરે છે…

છેલ્લા કેટલાક વખતથી આ પ્રક્રિયા ચાલ્યા કરે છે! રૅશનકાર્ડ, ઇલેક્ટ્રિસિટી-કનેક્શન, ગૅસ-કનેક્શન, બૅન્ક-એકાઉન્ટ, બધેથી પિતાજીનું નામ ભૂંસાવવાનું હતું; ક્યાંક એમની જગાએ મારું નામ દાખલ કરવાનું હતું. લોકો ઓળખાણ માગતા હતા, શંકાની નજરે જોતા હતા. વચ્ચે વચ્ચે વિચારો આવી જતા હતા, માણસ કેટકેટલી જગાએથી કેટલી ઝડપથી ભૂંસાઈ જાય છે!

હું કહેતો હતો, હું આ શહેરમાં છેલ્લાં પાંત્રીસ વરસથી રહું છું; અરે, સાહેબ! મારો જન્મ અહીં થયેલો, આ તો મારું વતન!

પછી જાણે વિશ્વાસ બંધાવવાના હેતુથી કહેતો હોઉં એમ શહેર વિશે માહિતી આપતો, આ શહેર ત્યારે બહુ નાનું; શહેર શું, નાનું ગામ જ કહો ને! આ — આ તરફ — ગામની બહાર તો કંઈ વસ્તી જ નહિ, સાવ વગડો!

પરંતુ મારી આ બધી વાતોનો એમને મન કશો અર્થ ન હતો, એમને ઓળખાણ જોઈતી હતી, નક્કર ઓળખાણ! જે ખાતરીપૂર્વક, સોએ સો ટકા ખાતરીપૂર્વક એમ કહી શકે કે હું નિમેષ હરિલાલ પંડ્યા, હરિલાલ મણિલાલ પંડ્યાનો પુત્ર અને એટલે એમનો ઉત્તરાધિકારી છું અને એ મને અમુક વરસથી ઓળખે છે. પાછું એમ કહેનાર અમુક હોદ્દો કે મોભો ધરાવતો હોવો જોઈએ, ગમે તે માણસ ન ચાલે!

એક જગાએ આવો આગ્રહ રાખનાર અધિકારીને મેં પૂછ્યું હતું,

‘સાહેબ, આપ આ શહેરમાં કેટલા વખતથી?’

એમણે પ્રશ્ન સમજ્યા વગર જ ઉત્તર આપી દીધો હતોઃ

‘હું? હું ગયે વરસે અહીં બદલીને આવ્યો.’

મારા કટાક્ષે એમને કશી અસર કરી નહોતી, હું જ છોભીલો પડી ગયો હતો, એમણે તો મારા પરથી નજર ખસેડીને ચુપચાપ પોતાનું કામ સંભાળ્યું હતું.

એક વાર કોઈ વિકલ્પ સૂચવ્યો હતોઃ

‘અથવા તમે ઍફિડેવિટ કરી શકો. અદાલતમાં તમારે સોગંદ ખાઈને કહેવાનું કે તમે—’

આટલું સાંભળીને જ હું તો ડઘાઈ ગયો.

કોઈને એ સમજાતું નહોતું કે આ આખી વાતમાં મુશ્કેલી ક્યાં છે? શી ગૂંચ છે આમાં? આવી સીધીસાદી બાબતમાં હું દ્વિધા કેમ અનુભવું છું? મારા કહેવા મુજબ જો હું પાંત્રીસ પાંત્રીસ વરસથી આ શહેરમાં રહેતો હોઉં તો હું એક એવી વ્યક્તિને લાવી શકતો નથી, જે ખાતરીપૂર્વક એમ કહી શકે કે —

‘કે?’ આ જ મારો પ્રશ્ન હતો.

પણ એમાં સામી વ્યક્તિને કશી મૂંઝવણ ન હતી, એણે સડસડાટ આગળ બોલવા માંડ્યુંઃ

‘કે તમે —’

નામ યાદ ન આવવાથી એને એક ક્ષણ ખંચકાવું પડ્યું પરંતુ એને કશી મુશ્કેલી ન નડી, બીજી જ ક્ષણે એણે પૂરું કર્યું.

‘કે તમે અમુક અમુક છો.’

માણસો અચકાતા નહોતા, મારે જ અચકાવું પડતું હતું. એ જોઈને પળ વાર હું નાસીપાસ થયો અને પછી ઉશ્કેરાઈ ગયોઃ

‘એક શું, એકવીસ માણસને અબઘડી હાજર કરું, જે ખાતરીબંધ એમ કહે કે આ—’

‘તો?’

મને જાણે એકાએક ભાન થયું. હું પોતે ગૂંચવાઈ ગયો, ખરેખર કંઈ મુશ્કેલી છે ખરી?

તો?

મનમાં એ પ્રશ્ન ઊગ્યો અને હું પાછો ઢીલોઢસ થઈ ગયો.

પરંતુ મને સમજાતું નહોતું કે મારે જઈને એ લોકોને કહેવું શું? આ શહેરના કોઈ એક જણની પાસે જઈને હું એમ કહું કે એ મારી સાથે આવીને અમુક જણને મારી ઓળખાણ આપે કે હું —

આ પ્રકારની ગડમથલમાં ઘણોબધો સમય વીતી ગયો હોવો જોઈએ. એ દરમિયાન પોસ્ટ માસ્ટર સાહેબે મને અહીં મોકલનાર કર્મચારીને બોલાવી મંગાવ્યો હતો. એ બે જણ વચ્ચે કંઈક વાતચીત થઈ હોવી જોઈએ.

એ કર્મચારી એમને આમ કહેતો મને સંભળાયો,

‘કશી જ ઓળખાણ વિના, એમને એમ તો — સાહેબ, કેમ બની શકે?’

એના સ્વરમાંથી લાારી પ્રગટ થતી હતી, પોસ્ટ માસ્તર એની સાથે સંમત થતા લાગ્યા.

મારે પછી એમને શું કહેવાનું હતું? મને સમજાયું કે મારે હવે ત્યાંથી નીકળી જવાનું હતું. મેં કૅબિનનું બારણું ઉઘાડ્યું અને જોવા પ્રયત્ન કર્યો કે એ બારણું શામાં ઊઘડે છે?


(‘એટલું બધું સુખ’માંથી)