ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/પ્રભુદાસ પટેલ/ખાખી જીવડાં

ખાખી જીવડાં

પ્રભુદાસ પટેલ

ઝેરી જીવડું ચટકી ગયાની લ્હાય લ્હાય બળતરા, અષાઢી મેહનો અકળાટ ને બફારો… ને એ ય ઓછું હોય તેમ, ચોપાડમાંથી ધસી ાવતાં ધીમાંધીમાં કાનફુસિયાં! શનુ અકળાઈ. પરસેવે દદડતા શરીરને સાલ્લાના છેડા વતી લૂછતાં લૂછતાં તે બહાર ધસી આવી. પણ પેલાં તો ગાયબ! શનુ મનોમન બબડી ઊઠીઃ ‘આ હાહુ-હહરોય જીવતે જીવ તળવા બેઠાં સે. હાય રે દઝારા! અ… ને એય ચંદુડા હંગાત્યે બેહીને? એ હત્તાં ય કઈ ઘાણીએ પીલવા બેઠાં સે… ઈજ હમજાતું નથ્થ.’ શનુના મનમાં કેટલાય સવાલો ઊગી નીકળ્યાઃ ‘સેલ્લા તૈણ દા’ડાથી ઈયાંની વચ્ચે શ્યું રંધાઈ રેયું અશે? ને ઈ યે ઈ ગોલરા હંગાત્યે? પોતાનાથી છાનું એવું તે શ્યું અશે વળી? ઈ તૈણે ક્યાંક પોતાના વિશે તો કંઈ…? ને આગળનો વિચાર કરતાં જ તેને હલબલાટી થઈ આવી. ‘આજ તો ઈયાંના મનની વાત પામીને જ રેવું સે’ — એવા નિશ્ચય સાથે શનુ વાડાના ઝાંપા પાસે દોડી આવી. તેણે ઝાંપો ખોલ્યોય ખરો, પણ જેવો મકાઈમાં પેસવા પગ ઉપાડયો ત્યાં તો ખાખી જીવડાંની લ્હાય લ્હાય બળતરાની યાદે તે પાછી ધકેલાઈ પડી. પછી તો તે ચોપાડમાં આવી ત્યારે જ તેને જંપ પડ્યો.

પાં…ણ ઈ તૈણે જણાં…? ઊભી થઈ ગયેલી શનુએ દૂરદૂર… ધારીધારીને જોયું પણ નજર પાછી પડી. દૂર દૂર લીલીછમ્મ મગરીઓમાં ટૂંટિયું વાળીને બેઠેલાં ખોલેરાંય શનુને તો કાતરિયાં કાઢી કાઢીને જોતાં હોય તેવું થઈ આવ્યું. બપોરી વેળામાંય કશીય અવરજવર વર્તાતી નહોતી. હાયઉકાળા, ચિંતા, ઉચાટ, અકળામણ, કૈંક અંશે ગુસ્સો… ને એમાં વળી વરસાદ ગાજ્યો. ને શનુની દાઝ તેના પર ઉતરી આવીઃ

‘આ યે રાંડનો બાફવા જ બેઠો સે. વરહતો યે નથ્થ કે પત્તરે નથ્થ મેલતો.’ કહેતાં પાછી બેસી પડી. પણ જરાય ચેન પડે તો ને? એ ત્રમેય જણાંની, ત્રણેક દહાડાની હરકતોએ એવો કાંકરીચાળો કર્યો હતો કે, શનુના મનમાં તરંગ ઉપર તરંગો… કૂંડાળા પર કૂંડાળાં રચાયે ગયાંઃ ‘પાંણ શ્યું અશે? એ તૈણે જણાં ક્યાં ગરક થેઈ ગ્યાં? ઉં ઇમને નડતી ઓઉં એવું તે શ્યું? પરભુડો જીવતો ઓત તો ઓત કાય ચંત્યા? ઓમ એકલી એખલીને દૂઝવાના દા’ડા તો…! ચંદુડો, વેરી તો પરભુડો જીવતો’તો તઈ હુધી તો કેવો મૂંગોમંતર થેઈને? પાંણ હવે? ધારીધારીને કાતરિયાં… ક્યાંક હાહુ-હહરોય એની લપેટમાં તો ન આઈ જાયને? ને આવા પ્રશ્ન-તરંગોમાં જ બપોરીવેળા તો ક્યાંય પસાર થઈ ગયેલી. ગોયલી પડખે આવીને ક્યારે બેઠી, શનુને તેની યે સરત નહોતી, ‘શનુ, શ્યું વચારમાં ખોવાઈ ગ્યેલી સો?’ ગોમીના ઊંચા અવાજે શનુ ઝબકી ગયેલી. પછી તો હરખ હરખ ગોમલીએ વાતનો છેડો એવો પકડ્યો કે શનુ જાણે ડોળાથી સાંભળતી હોય તેવી મુદ્રામાં તાકી રહી. ને ગોમી, ‘લ્યો શનુ, ઉં જંવ્‌સું ત્યારે’ એમ કહીને ગઈ એનું યે શનુને તો ભાન જ ક્યાં હતું! તે તો પોતાના ખોળિયા સાથે જ મંડી ગઈ’તી. ‘શ્યું કીધું ગોમલીએ? આજે કટમ્બીઓ છેડાગાંઠ કરવા બેઠા સે ઈમ? મારી છેડગાંઠ? નાતરું? ને ઈયે ઈ ગોલરા હંગાત્યે? હંઅ, એટલા હાટૂ જ કાનફુસિયાં! પાં…ણ મને પૂશ્યા વ’ના? જીબ્બાનું તો મારે સે કે ઈયાંએ? શ્યું કોમ દૂબળીને પાટું મેળવા તિયાર થ્યાં અશે? મેં તો એક વારકી છેડાગાંઠ કરી એ કરી. વારે વારે શ્યેની? ઓ ધરતી માઈ.’

—ને સહજપણે જ તેનો હાથ પેટ ઉપર જતાં ભડકી જઈને—‘નઈ…નઈ… જો જો એવું અનરથ વચારી બેહતાં. ઉ પરભુના નોમનું હાવ નાઈ-નચોવીને નથ્થ બેઠી. ઈનો વસ્તાર મારા…’

અને પેટને પંપાળી નાખતાં, ‘ઉ બીજે નઈ જાઉં… ઉં નાતરું નઈ કરું’ કહેતાં પોક મૂકી.

છાની રહી ગયેલી શનુ મથીને સ્વસ્થ થાય તે પહેલાં તો સવાલો ફરી સળવળ્યાઃ

‘શનુ, કટમ્બીઓ તો હત્તેય એવા જ! પેલી હલવીનો જ વચાર કરને! કટમ્બે તો ઈને ઈના જ દેવર હંગાત્યે ગાંગરતા ઊંટની પેઠમ પલાળી દીધેલી. ઈને કટમ્બે ક્યાં પૂશ્યું’તું? તે ઈના પૂંઠેની હવલીને ગત્ય તો તું યે ક્યાં નથ્થ જાણતી? તારું યે એવું થ્યું તો?’

— ને શનુની નજર સામે સવલી રમી આવી.

ઘાતકી કાગડાઓમાં ઘેરાયેલી નિર્દોષ ઊંદરડી! ઊભી મગરીએ આળોટતી… ઠેબાતી… પીટાતી ચીહાચીંહ હવલી… ‘બોલ રંડી, કેના પેટનું પાપ? બોલ, બોલ… લે’

‘શનુ, પાંણ હવે શ્યું?’ ના સવાલે શનુમાં સળવળાટ વ્યાપી ગયો. કશુંય સૂઝતું નહોતું. પણ મનના ખૂણેથી કોઈએ જાણે ઉશ્કેરીઃ ‘શનુ, જોઈ શું રેઈસો? મૂંઢામાં પથરા ભર્યા સે? ઈયાંની વચ્ચે ધહી જા. ને ચોક્કે ચોક્કું હંભળાઈ દે’કે મારે બીજે મનખો નથ્થ માંડવો.’

પણ તેના અવાજને દબાવી દેનારુંય કોક જામે માંહ્ય જ લપાઈ બેઠું’તું. તેણે દલીલ કરીઃ ‘શનુ, તારા આદમીને ખૂટ્યે કેટલા મઈના થ્યા? તૈણ કે વધારે કઈ? ને તું જઈને કટમ્બના આદમીઓમાં બેહીશ, ઈમ? લાજ જેવું કાંય સે કે નઈ? કે પસે ગિરવે મેલી કે શ્યું?’ શનુ પરસેવે લથપથ થઈ ગઈ. પછી તો જાણે ઊંડાં પાણીમાં ડૂબ્યે ગઈ… ડૂબ્યે જ ગઈ. જ્યાં અંધારાં ઉપર અંધારાં છવાયે જાતાં’તાં. ને બધાય અવાજો શમવા માંડ્યા’તા.

કુટુંબનાં બૈરાં આવ્યાં ને શનુની હાલત જોઈ ત્યારે ગભરાયાં. શનુની સાસુએ ઝંઝેરી નાખી. ને ‘અલી કાંય કરો’ કહેતાં સાસુ રોઈ પડી ત્યારે ઝપાટો આવ્યો. કોઈ શેક કરવામાં… કોઈ હાથ-પગ મસળવામાં તો કોઈ પાણી ટોવામાં લાગી પડ્યું. ખાસ્સું મથ્યા પછી શનુ ભાનમાં આવી ત્યારે સૌના જીવમાં જીવ આવ્યો જાણે! પરંતુ શનુને સમજાવવાની તસ્દી તો હતી જ કોને? બૈરાં તો પાછાં ખિખલી કરતાં, તક સાધવામાં લાગી પડ્યાં.

‘બાઈ, આપડો તે કાંય અવતાર સે? ના, ના આપડાથી આદમી પેઠમ કાંય એકલાં જીવાય? કે’જો..’

‘અરે બૂન, બાવળિયાના ઠૂંઠા પેઠમ તો દા’ડા વળતા અશે વળી?’

‘એ તો કટમ્બ હારું સે તે શનુને ઘરમાંને ઘરમાં… કાકાઈ ભઈ તે કાંય ઓછો પારકો કે’ જો…’

‘અરે બૂન, બાવળિયાના ઠૂંઠા પેઠમ તો દા’ડા વળતા અશે વળી?’

‘એ તો કટમ્બ હારું સે તે શનુને ઘરમાંને ઘરમાં… કાકાઈ ભઈ તે કાંય ઓછો પારકો કે’ વાય?’

‘હોવ્વે બૂન, હાવ હાચ્ચું. માઈ બાપ વ’નાના ચંદૂ ભૈ ને ગલાકાકાએ પનારો આલ્યો. દીકરાની પેઠ્યે જ મોટો કર્યો. પરભુ ને એ બેયો હરખા.’

‘પાંણ બચારા બેયોનાં કરમ ફૂટ્યાં! એક તો પોતે જ.. ને બીજાનું બૈરું.’

‘પાંણ કટમ્બીઓએ કેવો હારો મેળ બેહાડ્યો? ચંદુ ભૈ તો ઘહીને ના પાડતા’તા. પાંણ કટમ્બીઓની વાત ઠેલાય? બેયાં હમદખિયાં વસ્તાર માંડે. ઈમાં ખોટું શ્યું?’

શનુનું ચાલ્યું હોત તો આ દોઢગાહીઓની જીભ જ ખેંચી લીધી હોત. પણ કરે શું? ઘવાયેલી વાઘણ કસાઈઓના ટોળાથી ઘેરાઈ પડી હતી. ભય ને લાચારીએ શનુની હિંમતને બે આનીની કરી મૂકી’તી. બાકી મેળામાં એલફેલ બોલીને મશ્કરી કરનાર સિપાઈને છૂટા હાથે ચંપલ ઠોકી દેનારી શનુ એમ જ કંઈ શાંત પડી રહે ખરી? તેનું ગળું સૂકાઈ ગયું’તું. જીભમાં કળ વરતાતી નહોતી. નિરાશ શનુએ ધરતીમાતાના ડુંગર ભણી જોયું. ને તેનું હૈયું બોલી ઊઠ્યુંઃ ‘ઓ ધરતી મા! ઉ તારી માનતાઓ મોની મોની તે, તારી હામ્મે જ પરભુની થેઈ’તી. ને એ ભરૂસો તોડ્યો માઈ?’

શનુના મનમાં એ પ્રસંગ ફરકી ગયોઃ

મેળામાંઠી ભાગી છૂટ્યા પછી પહેલ વહેલો પરભુ તેનો ધરતીમાતાના થાનકે લઈ આવેલો. ને પછી—

‘એઈ મા! પેલ પેલ્લાં તારા જ દુવારે આયાં શીએ. રખવાળાં કરજો મા!’

‘એઇ મા! પેલ પેલ્લાં તારા જ દુવારે આયાં શીએ. રખવાળાં કરજો મા!’

‘એઇ મા! પરભુ હંગાત્યે જલમોજલમ રે’વાનું હખ દેજો.’

શનુની આંખો ભરાઈ આવી. ને મોઢું અવળું ફેરવતાં જ તેનાથી બોલી પડાયુંઃ ‘તારી નજર હામ્મે જ ઉં લૂંટાઈ ગઈ… ને તે શ્યું રખવાળા રાખ્યાં માઈ? તું સોનીસપ્પ થેઈને જોતી જ રેઈ?’

‘અલી રાંડો તાકી શ્યું રેઈ સો? આ તો બીજું જ કોક સે’ — એક જણીની તાતી ટકોરે ફાટી આંખે જોઈ રહેલાં બૈરામાં સળવળાટી મચી. કોઈ સૂકાં મરચાં… કોઈ દેવતા… તો કોઈ વળી અગરબત્તી… એક તરફ શનુના વળગાડનો ઉપચાર થઈ રહ્યો’તો. પણ એ પહેલાં તો શનુ જાણે બીજી જ દુનિયામાં ખોવાઈ ગયેલી!

કપાળમાં શોભતો લાલ લાલ ફેંટો ને કેડમાં ખણખણતા ઘૂઘરા… ઢોલના તાલ, ને પરભુના ઠમકે… લેજિમના ઝિમઝિમાટે ઝૂમી ઊઠેલી પોતે…

બેહોશ દશામાંય શનુના મોઢા પર ખુશી તગતગી ઊઠી, પણ તે સ્થિતિ વધુ ટકે ત્યાં તોતેની સિકલ પર ભય છવાઈ ગયો. થોડી ચીસાચીસ પછી તે પરભુને પોરસાવતા સૂરે કહેવા માંડીઃ ‘પરભુ, આ ગોલરા ને ફૂટ… ઈનું માથું ખાંડી નાખ.’

ધૂપ કરવા મથી રહેલાં બૈરાંય અટકી જઈને, શનુને જોતાં જ રહી ગયેલાં. હવે શનુ જાણે છાજિયાં લેતી હોય તેમ છાતી નેપેટ કૂટવા માંડી અને ‘ઓ પરભુ, દારૂપાઈને નકી… નકી એ ગોલરાએ જ તને.’ કહેતાં પોક મૂકીને રડી પડી. જેવું મરચું ધૂપના ગોટેગોટા થઈને નાક-આંખને સ્પર્શ્યું કે શનુને ખુન્નસ સવાર થઈ બેઠું હોય તેમ, તે હાથ પછાડવા માંડી. અને ખૂં… ખૂં… ખૂં. કરતાં ‘ઓ આઈ રે’ કહેતાં ઊભી થઈ ગઈ. એ જ સમયે ક્યારથીય ઝાંપાની બહારથી તમાશો જોઈ રહેલા પુરુષો એક એક કરતા વાડામાં આવવા માંડેલા. શનુએ પુરુષોને જોયા કે, ઉકળતી કઢાઈમાં જાણે કે પાણીના છાંટા પડ્યા! શનુએ ‘તમાંને અંગારીયું લેઈ જાય…. હાહરા રાખ્ખસો… તળવા બેઠાસો?’ કહેતાં જ દાંતિયું કર્યું અને ‘નઈ… નઈ’ની ચીહ કરતાં ભોંય પર ઢગલો થઈ ગઈ. તેની પાસે કોઈ જ ન ગયું. થોડીવારે કળ વળતાં શનુ આપોઆપ જ બેઠી થઈ ગઈ. તે ડુંગર સાેમ એવી રીતે તાકી રહી, જાણે ત્રાટક ન કરતી હોય! એકાદ પળ એ રીતે વીતી, ત્યાર પછી તો શનુએ જામે જુદું જ કંઈ જોયું ને અનુભવ્યું હોય તેમ વર્તન કરવા માંડી. તેને ડુંગરની પહાડીઓ તરફથી હણણંણં… કરતો અવાજ સંભળાયો. જાણે હજારો ગોફણોમાંથી એક સાથે પત્થરો છૂટી આવતા ન હોય! ચોંકી ઊઠેલી શનુની આંખો લાલઘૂમ થઈ ગઈ. અને આ શું? તેની નજર સામે ધાણી પપડતી હોય તેમ, તડતડ ઊડાઊડ ખાખી જીવતાં! ઝૂંડના ઝૂંડ… શનુએ માથું ઢીંચણોમાં સંતાડી દીધું. જીવડાંના થરના થર… થરના થર… પોતાના પર! ઊભી થવા પ્રયત્ન કરતી શનુ ઢીંચણ અઢેલીને નીચે તાકી રહી. થોડીવારે જાણે શરીરે કકળતું તેલ રેડાયું! ‘ઓ બળી ગઈ… ઓ બાળી નાંખે રે.’નો ચિત્કાર કરતી શનુ ઘરમાં ધસી ગઈ. બે-ત્રણ પુરુષોએ અંદર જવા હિંમત દાખવી. પણ એ પહેલાં તો કાળઝાળ શનુ સળગતા ઘાસના પૂળા સાથે! ‘શનુ… શનુ’ની બૂમો ને હાકોટા જાણે નળિયાંને ઉડાડતા સીમમાં ફેલાઈ ગયા. પણ આજે ગણકારે તો શનુ શેની? તેણે આગપૂળો દીવાલો ને ખૂણાઓમાં આમતેમ ઝંઝેડવા માંડ્યો. તે ઓચિંતી જ આગપૂળો ઝંઝેડતી શનુ ‘એ જીવડાંને બાળો… એ જીવડાંને બાળી નાંખો’ની ચીસ સાથે પુરુષો સામે ધસી કે હબકી ગયેલા પરુષો દોડીને મકાઈમાં…! આગ ઝરતા બિહામણા રૂપમાં મહાકાળી જામે જંગ જીતીને પોતાના થાનકે જઈ રહ્યાં હોય તેમ, ડુંગર તરફ જઈ રહેલી શનુના ‘એ જીવડાં નાઠાં… એ જીવડાંને બાળો’ના અવાજો ક્યાંય સુધી પડઘાતા રહ્યા. ને મકાઈમાં હફહફી ગયેલી દશામાંય એ તરફ ડોકું કાઢી કાઢીને જોઈ લેતાં જીવડાંએ રાહતનો દમ લીધો! (મમતાઃ જુલાઈ ૨૦૧૨)