ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/મોહન પરમાર/તણખલું

તણખલું

મોહન પરમાર

પોતાના ફફડતા હોઠ હીરાને અરીસામાં દેખાયા. આ અરીસો લવજી અમદાવાદથી લાવ્યો હતો. તેમાં કમર સુધી શરીર દેખાતું હતું. હીરાને તે ગમતો; પણ આજે આ અરીસો એને અણગમતો લાગ્યો. પોતાની રૂપાળી કાયાથી એને સાવ અલિપ્ત થવું હતું; પણ અરીસો પોતાની કાયાનો દેખાડો કરતો હતો, તે જોઈને એ શરમાઈ ગઈ. તપેલીમાં ચા ઊકળતી હતી. ત્વરિત ગતિએ જઈને એણે તપેલીમાં દૂધ રેડ્યું. ફફડતા હોઠ બંધ થયા. બહાર તડામાર વરસાદ વરસતો હતો. વરસાદનાં ફોરાં જમીન પર ખખડતાં હતાં. ક્યાંક કાદવમાં કશુંક ખાબકવાનો અવાજ થયો. કોઈની ભેંસ દોડાદોડ કરતી હતી. પાછળ નાગાંપૂગાં છોકરાં કિકિયારી કરતાં હતાં. હીરાનો જીવ ઊંચો થઈ ગયો. રમણ ઘરમાં દેખાતો નહોતો. કોઈનું ડોબું ભેટુંબેટું મારશે તેવી દહેશતને લવજીએ બધાને ચા આપી. ચા આપતાં આપતાં એણે હીરાને પૂછ્યુંઃ ‘આ બખાળો શેનો છે?’ શરમમાં માથું ઝુકાવીને કશો જ જવાબ આપ્યા સિવાય હીરા ઝડપથી ઘરમાં ચાલી ગઈ. પતરાની પેટી ખોલી, ને પગ પહોળા કરીને બેઠી. ચૂંથાયેલાં કપડાં સામે એ જોઈ રહી. માર્ગ સીધો હતો, અકાળે વંકાઈ ગયો. આખું વિશ્વ આનંદમય લાગતું હતું, હવે તો સઘળું ઉદાસ અને શુષ્ક લાગે છે. બહાર ઘોંઘાટ ચાલુ હતો. એકાએક કોઈના ઘરની દીવાલ સાથે કશુંક અથડાવાનો અવાજ થયો. વાતાવરણ જાણે અવાજોથી ગૂંગળાવા લાગ્યું.

રમણ કેમ જલદીથી ન આવ્યો તેની ચિંતામાં હીરા પડી ગઈ. પતરાની પેટી ખૂલી જ પડી રહી હતી. ચૂંથાયેલાં કપડાંને ભેજ લાગી રહ્યો હતો. ‘હીરા, આ બધું લઈ જા.’ લવજીનો અવાજ સાંભળીને હીરાએ પતરાની પેટી બંધ કરી દીધી. એ બહાર આવી ત્યારે છ આંખો એના દેહ પર જાણે ચોંટી ગઈ. હીરાને થયુંઃ ‘આ મૂઆ આમ કેમ કરતા હશે!’ રકાબીઓ અને કીટલી હાથમાં પકડીને એ ચાલવા ગઈ. હાથમાં ધ્રુજારી જેવું થયું. હાથમાંથી એક રકાબી છટકીને ભોંય પર પડી લીંપણ પર. ખખડીને રકાબી ઊંધી થઈ ગઈ. લવજીએ ઊભા થઈને હીરાને તે આપી. હીરાના મોં પર શરમના શેરડા પડી ગયા. એ ઘરમાં ગઈ, ને ચૂલાગરમાં બધું મૂકી આવી. બહાર હવે વાતો શરૂ થઈ હતી. બારણાની આડશે આવીને એ ઊભી રહી. લવજીની વહુ લખી લવજીની સામે જોઈને છીંકણી તાણતી હતી. હોઠના ઉપરના ભાગમાં તપખીરિયા રંગના થર જામ્યા હતા. એણે લવજીને પૂછ્યુંઃ ‘તો હવે નક્કી…?’

લવજીની નજર બારણાની આડશે ઊભેલી હીરાને શોધતી હતી. કોણ જાણે એ લખીના પ્રશ્નનો ઉત્તર આપી શક્યો નહિ. ઉપરથી એણે લખી સામે આંખો કાઢી. બારણાની સાખ પર મૂકેલો હીરાનો હાથ હજીયે ધ્રૂજતો હતો. અવઢવમાં એ ઊભી ઊભી લખી સામે તાકી રહી હતી. લખીનું ધ્યાન પુરુષોની વાતોમાં હતું. આ પ્રસંગ જલદીથી ઊકલી જાય તેવું એ ઇચ્છતી હતી. ઘણી વાર એ લવજીને ઠપકો આપતીઃ ‘ક્યાં સુધી જુવાન બહેનને અહીં રાખશો? કંઈ આડુંઅવળું થઈ ગયું તો નીચું જોવાપણું કોને આવશે?’ હીરાએ આ બધું ચૂપકીથી સાંભળ્યું હતું. પણ એ શું કરે? એના મોં પર નફરત તરવરવા લાગી. એને થયુંઃ ‘હું અહીંથી જતી રહું તેમાં કેટલી બધી રાજી છે એ…’ પણ એણે તરત જ લખીને બદલે પોતાના નસીબને દોષિત ઠેરવ્યું. એ રમણની રાહ જોવા લાગી. રમણની રાહ જોતાં મહેમાનોના શબ્દો કાન પર હથોડાની માફક વાગી ગયા. બારણાની આડશમાંથી ડોકું કાઢીને એણે જોઈ લીધું તો ટોપી અને ધોતિયાવાળો પુરુષ લળીલળીને આ બાજુ જોઈ રહ્યો હતો. એની આંખોમાં મંજૂરીની મહોર મારેલી દેખાતી હતી. હીરાથી નિસાસો નંખાઈ ગયો. ‘હવે આ બધું કસમયનું છે’ એવું એવું બોલી નાખવાનું એને મન થયું. થોડો ગણગણાટ થયો. કુંભીએ ટેકવેલ હોકો લવજીએ હાથમાં લીધો, ને એ ઘરમાં આવવા ઊભો થયો. હીરાએ ડોકું અંદર લઈ લીધું. પેલા પુરુષની સીધી ટોપી અને રુઆબદાર દેખાવ જોઈને હીરાના હોઠ ફફડું ફફડું થઈ ઊઠ્યા. કશું જ બોલ્યા વિના એ દયાભરી આંખે લવજી સામે જોઈ રહી. લવજી ચૂલાગર જઈને હોકો ભરી પાછો આવ્યો. એની વહાલભરી નજર હીરા પર પડી. હીરા ગભરુ હરણીશી ઊભી હતી. ‘લસણ ખાઈને બધાં પાછળ પડ્યાં છો, તે કાઢીને જ જંપશો.’ હીરાને લવજી આગળ આ સિવાય ઘણુંબધું કહેવું હતું પણ એનાથી કશું જ વ્યક્ત થઈ શક્યું નહિ. લવજી બારણું વટાવીને બહાર નીકળી ગયો. પોતે લવજીને પોતાની વ્યથા ન સમજાવી શકી. તેથી હીરાનું મન દુભાયું. રમણ અને લવજીનો છોકરો અમરત ઝઘડતા ઝઘડતા ઘરમાં દોડી આવ્યા.

લખી તાડૂકી ઊઠીઃ ‘મૂઆ જંપીને બેસતાય નથી, જાઓ ઢાળિયામાં જઈને રમો.’

‘અહીં આવો ’લ્યા.’ લવજી બોલ્યો.

‘તમેય પાછા…’

ઓસરીમાં હજીયે બધા બેઠા હતા. લવજી ગમાણમાં જઈને પાછો આવ્યો. હીરાએ જાળીમાં ડોકું ઊંચું કરીને બધાં તરફ વારાફરતી જોઈ લીધું. હસવું આવવા જેવું થયું. હોઠ પાછા ફફડવા લાગ્યા. છાતીને બદલે પીઠમાં ધબક ધબક થવા લાગ્યું. રમણ અને અમરત રમકડાં રમતા હતા. હીરાએ ત્યાં જોયું. રમણ ઓશિયાળો થઈને રમતો હતો. વરસાદમાં ભીંજાવાથી દાઢી કકડી રહી હતી. હીરાને રમણની કકડતી દાઢીમાં પરવશતા દેખાતી હતી. હીરા આડું જોઈ ગઈ. એ ધીરે રહીને આગળ વધી. ઓસરીમાં થતી વાતો સાંભળીને એણે કાન બંધ કરવાની ચેષ્ટા કરી. ઘરમાં ઉદાસી દોડાદોડ કરવા લાગી. બહાર વરસાદ બંધ થઈ ગયો હતો. બારી પાછળ નીકમાં હજીયે પાણી ખળખળ વહી રહ્યું હતું. ઘરનાં નેવાંમાંથી પીણાનાં ટીપાં થોડી થોડી વારે ટપકતાં હતાં. હીરા નેવાં સામે જોઈ રહી. દ્વિધામાં એ અટવાતી હતી. કૂતરાં રડવા જેવું ભસતાં હતાં. હીરા ઘરનાં નળિયાં સામે જોઈ રહી. એણે અચાનક એક હાથથી બીજો હાથ મસળી નાખ્યો. હાથની રેખાઓ એકબીજા સાથે અથડાઈ પડી. અરીસા સામે એની પીઠ જાણે વાતો કરતી હતી. લવજી સામે અબોલા રાખવાનું એને મન થયું. બધાંના મનથી સાવ સરળ લાગતી વાત હતી. પણ હીરા અનિર્ણીત રહી. ઘરનાં બધાં નળિયાં પોતાના દેહ પર ટપોટપ પડે, ને પોતે દટાઈ જાય. અગર તો પોતાનામાં એકાએક કૌવત પ્રગટે અને પોતે લાકડી વડે બહાર બેઠેલાં બધાંને હાંકી કાઢે.

એનું ધ્યાન પાછું રમણ તરફ ગયું ને એ રમણમય બની ગઈ. રમણ અને અમરત રમવામાં મશગૂલ હતા. રમણનું મોં વિસ્તરવા લાગ્યું. રમણના મોં પર પાકટપણું આવીને બેસી ગયું. હીરાના દિલમાં ધ્રાસકો પડ્યો. ખેતરમાં ભાત લઈને પાદરથી પસાર થતી ત્યારે જુવાનોના સિસકારા — ગામમાં બૈરું તો આ એક હો! વટ પડતો. અત્યારે થોડો ઓછો વટ પડે છે, વાડ વિનાની વેલી જેવો. બંને જણે સાથે ભાત ખાવાનું. ખેતરમાં હરવાફરવાનું. ને વાતો કરતાં કરતાં ઊંઘી જવાનું. હીરાની આંખે અડબડિયું ખાધું.

‘રમણને સાચવજે હોં!’

‘તમે ચિંતા ના કરો. મારા પર તમને વિશ્વાસ નથી?’

‘બધુંય છે. પણ આ સમો તો જો.’

રમતાં રમતાં રમણને શું સૂઝ્યું કે એ દોડતો દોડતો આવીને હીરાના બે પગો વચ્ચે ભરાઈ ગયો. હીરા નીચે બેસી ગઈ. રમણના મોં પર પેલું પાકટપણું શોધવા એણે પ્રયત્ન કર્યો. પણ રમણનો નાજુક ચહેરો એને પૂછી રહ્યો હતોઃ

‘રડે છે, બા!’

‘ના બેટા.’

ગળે ડૂમો ભરાયા જેવું થયું. ડૂસકું નખાઈ જાત, પણ બહાર બધા બેઠા હતા તેનો ખ્યાલ આવતાં હીરા શાંત રહી. એણે પોતાના હાથ તરફ જોયું. અડવા હાથ જોઈને ઊલટાની એ રાજી થઈ. રમણે એના ગાલ પર નાજુક હાથ ફેરવ્યો.

‘બેટા, હું ક્યાં રડું છું?’

હીરાનું હસતું મોં જોઈને રમણ ખોળામાંથી ઊઠીને રમવા ચાલ્યો ગયો. એકાએક પદસંચાર શરૂ થયો. હીરા ઝડપભેર ઊઠીને બારણા પાસે ઊભી રહી ગઈ. નજર નાખવી નહોતી તોય પેલા ટોપીવાળા પુરુષ તરફ એનાથી જોવાઈ ગયું. લળીલળીને એ હીરાની સામે તાકી રહ્યો હતો. આંખમાં નશો લાવીને એ ઓટલો ઊતરી ગયો ને તે સાથે જ હીરાનું અંતર ચિરાઈ ગયું. ચિરાયેલા અંતરે હીરાએ વાછરડાને છૂટું મૂકી દીધું. હીરા કણસતી કણસતી ગમાણમાંથી બહાર નીકળી. ઓસરીમાં આવી. પગ લથડી રહ્યા હતા. લીમડાનાં પાંદડાં વેરણછેરણ પડ્યાં હતાં. સ્મૃતિ ગુમાવતી હોય તેમ લથડતી ચાલે એ ઘરમાં ગઈ. લવજી લખી જોડે વાતો કરતો હતો. તે સાથે જ અરીસામાં ફફડાટ થયો. ફફડાટમાં ને ફફડાટમાં પંદર દિવસ વીતી ગયા. મહેમાનોથી લીવજીનું આંગણું શોભી ઊઠ્યું. ધૂ મિલ વાતાવરણ રચાયું. રંગેચંગે સ્ત્રીઓ ગાતી હતી. થાળમાં દાગીના અને કપડાં શોભતાં હતાં. રાત ઊઘડી રહી હતી. એક ફાનસ ભફ ભફ થઈને હોલવાઈ જતું હતું. હીરા એક ખૂણામાં ઢીંચણમાં માથું ઘાલીને બેઠી હતી. બધાં મુરતિયાનાં વખાણ કરતાં હતાં. આનંદમય વાતાવરણમાં હીરા ભાગ લઈ શકતી નહોતી. ચોમેર રસોઈની સુગંધ પ્રસરી રહી હતી. હારબંધ ઢાળેલા ખાટલામાં વાતોના તડાકા થતા હતા. છોકરાંની દોડધામ અને સ્ત્રીઓનાં નયનોની કોતરો ખાસ ધ્યાન ખેંચતી હતી. લખી બધાંને હરખભેર જમવાનો આગ્રહ કરી રહી હતી. અમરત લખીની બાજુમાં આવીને ઊભો.

લખીએ કહ્યુંઃ ‘તારે ખાવું છે અમરત?’

‘હા.’

‘બેસી જા.’

અમરત જમવા બેઠો. રમણ અમરતની સામે આવીને ઊભો રહી ગયો. લખી કતરાતી નજરે એની સામે જોઈ રહી. પછી હીરાને ખોટું ન લાગે તે માટે હસતો ચહેરો કરીને બોલીઃ

‘રમણ, તું પણ જમી લે.’

બૈરાંના ટોળામાં ગણગણાટ ચાલુ હતો. કપડાં ને ઘરેણાંનો થાળ ફરી રહ્યો હતો.

‘હીરા નસીબદાર છે હોં!’

‘આટલા બધા દાગીના નછોરવી કન્યાને પણ મળ્યા નથી…’

‘મુરતિયો દેવ જેવો છે…’ વગેરે વિધાનોથી હીરા વાજ આવી ગઈ. એક તીરછી નજરે જમતાં જમતાં રમણે થાળ સામે જોઈ લીધું. લીલા રંગની ઝાંયવાળી સાડી ચમકી રહી હતી. સોનાચાંદીના દાગીના એક પછી એક બૈરાં જોતાં હતાં. અમરત રમણની જરા નજીક આવ્યો.

‘તું કેમ ખાતો નથી?’

રમણ બેસી રહ્યો. થાળીમાં ખાવાનું એમ ને એમ પડ્યું હતું. લવજી ત્યાંથી પસાર થયો. રમણને સૂનમૂન બેઠેલો જોઈને એના માથા પર હાથ રાખીને જાણે મનાવતો હોય તેમ લવજી બોલ્યોઃ ‘ખાઈ લે ભાઈ!’ લવજીના શબ્દો હીરાના કાને પડતાંવેંત એ આખી ફરી ગઈ. સૂનમૂન બેઠેલા રમણ સામે એ જોઈ રહી. બોર બોર જેવડાં આંસુ આંખોમાંથી સરી પડ્યાં. એ લગભગ દોડી. રમણની બાજુમાં આવીને એણે રમણના માથે હાથ મૂકી દીધો.

‘ખા, ખાઈ લે.’

‘નથી ખાવું.’

‘ખા ને બેટા!’

‘મને મૂકીને જતા રહેવું છે, નહિ!’

‘હું તો ક્યાંય જવાની નથી.’

મહાપ્રયત્ને હીરાએ ધ્રુસકું દબાવી રાખ્યું. લખી હીરાનો હાથ પકડીને એને ત્યાંથી દૂર કરવા મથી. હીરાએ લાલ આંખે લખી સામે જોયું. બહાર કોલાહલ ઓસરી ગજવતો હતો. સમય પારખીને લખી પાછી હટી ગઈ. હીરાને ગળે ડૂમો બાઝવા જેવું થયું. રમણના ફૂલેલા ગાલ પર હીરાએ હાથ ફેરવ્યો. કુમળી ચામડીની જગ્યાએ બરછટ ચામડી હીરાના હાથ સાથે અથડાઈ. હીરાને દાઝ્યા જેવું લાગ્યું. ‘હું નહોતો કહેતો કે સમો કેવો છે? રમણ કોના સહારે જીવશે?’ હીરા ઊંચીનીચી થઈ ગઈ. રમણને એણે ઊંચકી લીધો. લખીએ લવજીને ઇશારો કરીને બોલાવ્યો. ‘કર્યું ધૂળમાં મળશે, જરા સમજાવો હીરાબાને…’ લવજી આવીને હીરા સામે ઊભો રહ્યો. હીરા ટગર ટગર લવજી સામે જોઈ રહી. હીરાની આંખમાં પાછાં આંસુ ઊઘડી રહ્યાં હતાં. લવજીના પગ જમીન પર ન ટક્યા. એનાથી હીરા સામે જોઈ શકાયું નહિ. એ ઘરની બહાર નીકળી ગયો. હીરાએ અરીસા સામે જોયું. પૂરા કદનો અરીસો ફફડી રહ્યો હતો. અરીસાની પાછળ ચકલાંએ કરેલા માળામાંથી એક તણખલું ઘૂમરાતું થાળમાં પડ્યું. એક બૈરાએ અવળા હાથે તેને થાળમાંથી બહાર ફેંકી દીધું.