ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/રઘુવીર ચૌધરી/જગા ધૂળાનો જમાનો

જગા ધૂળાનો જમાનો

રઘુવીર ચૌધરી

અત્યારે તો બધા એને એક ઝૂંપડપટ્ટી તરીકે જ ઓળખે છે. પણ પહેલાં સૌ એને વરણાગી કહેતા. જગાનો બાપો ધૂળો વરણાગી ગણાતો. એના પરથી આ નામ પડ્યું એવું કહેવાય છે. એ અહીંનો મુખી હતો. કોઈક દુકાળના વરસમાં બધાંને આ શહેરના છાંયે લઈ આવેલો, પણ વસેલો અલાયદો. કહે છે કે ડહાપણનો ભંડાર હતો. સૌ માન આપતાં. એના છાપરાથી પોતાના છાપરાને સહેજે ઊંચું કરવાનો કોઈએ વિચાર કર્યો નથી. પછી બાજુમાં દેવની ધજા. જાણે એના છાપરાનું જ છોગું.

મૂળ આ જગા ભાડાની. ખેતર હતાં. કાંટાળાં ઝાડ વધુ ને આંબા ઓછા. ધૂળાએ કાંટા કાપી કાપીને બળતણ તરીકે વાપરવાની છૂટ આપેલી. એમાંથી બધું ચોખ્ખું થઈ ગયું. એકલા આંબા રહ્યા. પછી તો મોટરોમાં બેસી બેસીને પૈસાદારનાં છોકરાં પ્રેમ કરવા આવતાં. ધૂળો સૌને કહેતો કે વિવાહમાં વિઘન નાખે એ માણસ નહિ. એણે એક ગાનારીના ચોકીદાર તરીકે નોકરી કરી હતી અને સારી પેઠે જાણતો હતો કે માણસને કેવા કેવા સુખની જરૂર પડે છે.

જગાએ જવાનીમાં લહેર કરેલી. ધૂળો કમાતો. ક્યારેક દલાલી પણ કરતો. જગાએ તો પછી મુખીપણું જ કરવાનું આવ્યું. મૂળ જમીનમાલિકને ભાડું ભેગું કરી આપવાનું. બાંધેલો પગાર હતો. પહેલાંની બચત હતી. ધીરધાર પણ કરી જાણતો. અને બાપની પટલાઈ તો વારસામાં મળી જ હતી. એને કોઈ ટાળી ન શકતું. જમીનમાલિકે એક વાર એને ટાળવાનો પ્રયત્ન કરી જોયેલો.

થોડાં વરસ પહેલાંની જ વાત છે. જમીનમાલિક કબજો મેળવવા માગતો હતો. એ જગાને વિશ્વાસમાં લીધા વિના જ આગળ વધ્યો. સફળ થવાની આશામાં ને આશામાં પૈસા પણ વેરી બેઠો. જગો બધો તાલ જોતો રહ્યો. એણેય છોકરાને મોકલીને પોતાનાં બે ઝૂંપડાંના ભાગના પૈસા લઈ લીધા. છોકરો ને એની વહુ સિનેમા જોવા ગયાં ને જગાએ નશો કર્યો. રાત પડી એની સાથે જ સાદ પડાવીને બધાંને બોલાવ્યાં. આવવાનાં હતાં એ બધાં આવી રહ્યાં છે એવું લાગતાં ઠાવકાઈથી ઊભો થયો. પોતાના બાપની અક્કલ-હોશિયારીનાં વખાણ કરી એ જમાનાની ખાસિયતો કહી. અહીંના વગડાનું વર્ણન કર્યું. આ બધી સોસાયટીઓ ઊતરી પડી એ પહેલાં બધું કેવું ખુલ્લું અને ચોખ્ખું હતું. અને પોતાનું મન એ કેવી મોટી જાહોજલાલી હતી એ બધું કહીને પોતે તો અહીંથી ખાલી કરીને મૂળ વતન સિવાય બીજી કોઈ જગાએ જવા તૈયાર નથી એ જણાવી દીધું. ત્યાં કોઈકે કશોક સવાલ કર્યો અને જગો વીફર્યોઃ ‘જાઓ સાલાઓ, તમારે જવું હોય ત્યાં જાઓ. આ મારા બાપની શોધેલી જગા છે. તમે જશો તો હું અહીં બીજાંને વસાવીશ.’

બધાને આ તો ભાવતું હતું ને વૈદે કહ્યા જેવું થયું. પૈસા મળ્યા હતા એ ટૂંકી મુદતમાં વપરાઈ ગયા અને બધા ખાલી કરી આપવાનું વચન એકસાથે ભૂલી ગયા. કોઈકે કહ્યું પણ ખરુંઃ ‘અહીંથી જઈએ તો ક્યાંક બે હાથ જગા તો મળી જાય, પણ જગા ધૂળા જેવી મુખી મળે ખરો? આ તો હાઈ કોરટનો પણ ભોમિયો. સૌને માન આલે, પણ કોઈથી છેતરાય નહિ. સામેવાળા અંગરેજીમાં વાત કરતા હોય તોય એનો મરમ સમજી જાય. પરભવમાં પુણ્ય કર્યાં હોય ત્યારે જગા ધૂળા જેવો મુખી મળે.’

જે કેટલાંક જવાનિયા બે અક્ષર ભણ્યા હતા એ આવું નહોતા માનતા. એમને જગા વિશે કશું માનવા કે ન માનવાની જરૂર જ નહોતી લાગતી, જગો આ સમજવા માંડ્યો હતો. કોઈક સરખી ઉંમરનું બેસવા આવે તો કહે પણ છેઃ હવે અદબ જળવાતી નથી. બધાં ગમે ત્યારે ગમે તેની સાથે સગું કરી દે છે. પહેલાં તો કોઈક નોકરીએ જવા પહેલાંય પૂછવા આવે. એ તો આપણે કોઈને ના ન પાડીએ. નહીં તો પાછું પણ વળી જાય. જ્યારે આજે? આ ઊજળાં લૂગડાં ભાળીએ ને વહેમ આવે. પછી સામે ચાલીને પૂછીએ તો જ જાણવા મળે. એ તો બહારથી લાગે કે વરણાગીનું લોક એના મુખીના કહેવામાં છે. પહેલાં એવું જ હતું. માણસને મોકલીએ ત્યાં જાય. આદમી હોય કે બૈરું, પણ કદી આમન્યા ન ઉથાપે. એ જમાનો ગયો.

આ આજનાં જવાનિયાં! એમની મેળે ગમે ત્યાં ખાવા, પીવા ને સૂવા જાય. પણ ગરજ પડ્યા વિના વાત ન કરે. આ પેલા બંકાની વહુ. આ પગથિયા પાસે રમી રમીને મોટી થઈ છે. કંઈક દલ્લો હાથમાં આવી ગયો છે તે અઠવાડિયામાં એક સિનેમા જોવા જાય છે. પણ ઘેર જતાં રસ્તામાં પોરો ખાવા ઊભી રહેતી હોય ને ગાણાની એક કડીય કહેતી હોય તો એના જ સમ. અમે તો ચાર ચાર છોડીઓ લઈને નાટક જોવા જતા. બધીય સાથે સીટીઓ વગાડતી. માથાની ફરેલી. પણ પૂછ્યા-ગાછ્યા વિના એક ડગલુંય ન ભરે. કો’ક દિ’ ઝૂંપડામાંથી સીધી જાય તો વખત મળ્યે બધી વાત કરે, એ જમાનો જ જુદો.

અત્યારે તો બધાં મોટાઈમાંથી જ ઊંચાં નથી આવતાં. તૈણ પૈસાની નોકરી મળી ને રૂપાળાં લૂગડાં પહેરીને ફર્યાં તેથી શું થઈ ગયું? અમે તો ઉઘાડી દેય રાખીને બેઠા હોઈએ તોય શોભતા. પેલી શવલી એમાં ને એમાં તો મોહી પડેલી. દસ દા’ડા સુધી સાથે જાત્રાએ આવેલી. કેવી ચોખ્ખી! નાહ્યા વિના મંદિરમાં પગ ન મૂકે. પણ આ અમારા છોકરાની નવી વહુ. બસ ખી ખી કરવામાંથી ઊંચી જ નથી આવતી. પરમ દિવસે બે વચ્ચે ઝઘડો થયો ને આપણા રામ વચ્ચે પડ્યા તો સાંભળ્યું જ નહિ, ને બહુ કહ્યું તો બંને લડતાં લડતાં વાસની બહાર નીકળી ગયાં. કહે છે કે પેલા રોડની સામેવાળા બંધ બંગલાના કંપાઉન્ડમાં પેસીને લડ્યાં. ગાળાગાળી ને મારામારી કરીને મોડી રાતે પાછાં આવ્યાં. ને પછી આવતાંની સાથે ખાટલો આઘો ખેંચી ગયાં. એમાંથી જ કાં’ક વાંકું પડ્યું હશે.

સાલું, દુઃખ તો ખરું. જરા છૂટથી લડવા-ઝઘડવા જેટલીય ખુલ્લી જગા ના રહી. બધું છવાઈ ગયું. જ્યાં જુઓ ત્યાં દીવાલો ને ધાબાં, દીવાલો ને ધાબાં. એક ઉપર બીજું ને બીજા ઉપર ત્રીજું, પડતાંય નથી! પડશે, નક્કી કો’ક દા’ડો કડડભૂસ થતું બધું પડશે. ને ફરી પાછું પાધર થઈ જશે.

એ જમાનામાં થોડાક આ બાજુ આવ્યા કે પાધર જ પાધર. ઘણા ગંજેરી બબ્બે દા’ડા પડ્યા હોય ત્યાં ને ત્યાં પડ્યા રહેતા. હવે તો નિરાંતે બેસવા જેવી જગા જ ક્યાં રહી છે? છેવટે પેલા ખાડામાંય સોસાયટી ઊગી નીકળી! આ બાજુની દિશા તો ક્યારનીય કાળી ધબ થઈ ગઈ છે. પહેલાં તો છોકરાં દોડી દોડીને થાકે એવડું ચોગાન હતું. નજર પહોંચે ત્યાં લગી ધરતી જ ધરતી દેખાય. પેલું ધીંગાણું ત્યાં થયેલું. સામેવાળા સાત માળના મકાનની પાછલી બાજુ. આખી રાત લડેલા અમે. બબ્બે વાર એ લોકો હુમલો લઈ આવેલા. અમે બસો ને ત્રણસો એ. અમારા હોંકાટા સાંભળીને ફરજ ઉપરના પોલીસવાળા પણ પાછા વળી ગયેલા. હાહાકાર થઈ ગયેલો. વાગેલું તો સૌને વધતુંઓછું પણ છેવટે નમેલા એ. ઝૂડી નાખેલાં અમે તો બધાંને છાપરાંની વળીઓથી. ત્યારે તો બાપો પણ ઘણા જોરાવર હતા. હાથમાં લાકડી લે પછી તો જમ જેવા. એમણે સમો પારખીને કહી દીધુંઃ જેમની પાસે લાકડીઓ ન હોય એ છાપરાંની વળીઓ ખેંચી કાઢો ને તૂટી પડો. દુશ્મન પર દયા ન હોય. એ લોકો અમારી બે છોડીઓને ઉઠાવી ગયેલા. આઠ દા’ડે પાછી આપી તોય કશો દંડ ભરવા તૈયાર નહોતા. ઉપરથી કહે કે એ તો મોહી પડેલી ને સામે ચાલીને આવેલી. આ બાજુ પણ મુછાળા જવાનિયા ક્યાં ન હતા? એ બેની જગાએ ત્રણને ઉઠાવી લાવ્યા એ વાત પર પેલા વાજતેગાજતે ચઢી આવ્યા. સો વધારે હતા તોય ધૂળ ચાટતા કરી દીધા. અને પેલી ત્રણમાંથી એક પણ પાછી ન આલી. એ જ રાતે એમની પસંદગીના મુરતિયાઓ સાથે પરણાવી દીધી. એમની જાત જરા ઊંચી. છોકરાં સારાં પાક્યાં છે.

ત્યારે! વરણાગીના મુખીએ કે એના બાપે જે હાથમાં લીધું એ રંગેચંગે પાર પાડ્યું છે. રૈયત આપણા કહ્યામાં હોય તો ગમે તેને પહોંચી વળાય. અત્યાર લગી જગા ધૂળાએ જેને ટેકો આપ્યો એ જ ઉમેદવાર ચૂંટણીમાં જીત્યો છે, ને સંસારમાં સુખી થયો છે.

જગાની આવીતેવી વાતો આજકાલ ગંભીરતાથી લેવાતી નથી. સાંભળનાર સાંભળી લે છે પણ બીજા કાનેથી કાઢી નાખે છે. એને પોતાનેય ખબર છે કે કોઈ એનાથી ડરતું નથી, ને એ હાથમાં લાકડી લઈને પાંચ હાકોટા કરે તોય ડરવાનું નથી. પણ ડોસાનો રુઆબ છેક સુધી પડતો. છેલ્લો દાયકો તો એ ભાળતા પણ નહોતા. એક વાર વિલાતીનો ટૅસ કરવા ગયા ને એમાં આંખો ગઈ. આપણે તો ખાતરી કર્યા વિના કશું હોઠે ન લગાડીએ. પણ એ તો ભગવાન શંકરના કાયદાથી ચાલતા, જોગી તો જોગી ને ભોગી તો ભોગી. કાઢી છાતીના માણસ. મુંબઈ સુધી ફરી આવેલા, વગર ટિકિટે. મરતાં પહેલાં દિલ્લી દેખવાનો મનસૂબો રાખતા’તા, પણ પછી તો અંધાપો વોરી બેઠા. તોય નામના ના ગઈ. મરતાં પહેલાં છાપામાં ફોટો તો છપાવતા ગયા! એમનો આખો ઇતિહાસ આવેલો. કોઈ નાના ગામના ઠાકોરનેય આટલું માન નહીં મળ્યું હોય. એમની સાથે આપણું નામ પણ છપાવેલું. છપાય જ ને! અત્યારે વરણાગીનો વહીવટ કોણ કરે છે!

પણ જગા ધૂળાને ખબર પડી ગઈ છે કે હવે એ શું કરે છે. અહીં ઓટલી પર બેસીને એક લાંબું બગાસું ખાય કે કોઈક અળવીતરા છોકરાને ઉઘાડી ગાળ દે એ બધું સાંભળનાર માટે સરખું જ છે. વાત તો ક્યારનીય ઊડતી ઊડતી એના કાને આવી ગયેલી. જવાનિયા એમનું જુદું મંડળ કાઢવાના છે. બધાને એમાં જોડી દેશે ને કરવું હશે એ કરાવશે. તે કરાવે. ધરમના કામમાં આડા આવે એ બીજા. પણ જો એ એમ માનતા હોય કે હાથમાં છાપું ઝાલીને ચા પીવા બેઠા એટલે અક્કલ વધી ગઈ તો એ ખાંડ ખાય છે; એમની સૌથી મોટી ભૂલ એ છે કે એ બધાથી જુદા બેસે છે. ને ગુસપુસ કીધા કરે છે. પાછા સંદેશો મોકલાવે છે! બાપાને – કે’જો કે અમને સાથ આલે. શેનો સાથ ને શેની વાત? ફોડ પાડીને બધું કહી જાઓ. વાજબી હશે એ કરીશું. આ તો પેટછૂટી વાત પણ કરવી નથી ને હોટલ આગળ બેસીને સાથ માગવો છે! જોયા ન હોય તો મોટા ભણેશરી!

હવે તો જગાએ પણ એમની સામે બાથ ભીડવાની તૈયારી કરી લીધી છે. મળતિયાઓને કહેવા માંડ્યું છે. દાળમાં કાં’ક કાળું છે. ભાઈ! લોભમાં ને લોભમાં કાંડાં ન કાપી આપે તો સારું.

પણ જગાની ટીકા પર પેલા હસી લે છે. વડીલ છે ને! જરૂર પડે તો આપણે એમની સલાહ પણ લઈએ.

તો પછી કેમ કશી સલાહ લેવા આવતા નથી? આખા વાસમાં વાતો ફેલાવે છે! આ ઝૂંપડાંની જગાએ નાની નાની બંગલીઓ થશે. સરકાર સામે ચાલીને આપણને પૈસા આપશે. આપણામાંથી થોડાક ભણ્યા એનો આ ફાયદો. કાયદો-કલમ જાણ્યાં તો આ ઝૂંપડાંમાંથી બંગલીઓ બાંધવા વારો આવ્યો.

આવુંતેવું સાંભળીને જગો અકળાય છે. ગુસ્સે થાય છે. પણ ગુસ્સો ઠાલવેય કોના સામે? એણે નક્કી કર્યું છે કે ભલે મારી છાતી પર સાત માળનું મકાન થાય પણ હું તો આ મારું છાપરું નહીં ઉતારવા દઉં.

આ એની ઓટલીને ઘસાઈને જ આભલાને અડે એવી સામે દીવાલ થાય તો? માત્ર કલ્પનાથી જ એને કંપારી આવી ગઈ. મારી સામે જ એવું તોતિંગ મકાન? આ તો હડહડતો કળજુગ કહેવાય. જેના બાપે બધાંને વસાવ્યાં એને તમે નિરાંતે શ્વાસ પણ લેવાં નહીં દો? જગાને એમ જ થયા કરતું હતું કે હવે આ બધા એક પછી એક થપ્પીઓમાં ગોઠવાતા જશે ને સાત માળ જેટલા ઊંચા થઈ છેવટે એના ઉપર પડશે. બંગલીઓની વાત તો ક્યારનીય ઊડી ગઈ હતી. ત્રણ ભાગની જમીન ખાલી કરી આપવાની હતી અને ચોથા ભાગની જમીનમાં સાત માળનું મકાન થવાનું હતું. એમાં બધાને એક એક ઓરડી કાઢી આપવાની હતી.

જોયું? બધા બંગલીઓ લેવા ગયા હતા. આ તો ઉપરાઉપરી ઓરડીઓ થશે. એમ જ સમજો ને કે આખા વાસનાં ઝૂંપડાને એકમેક પર ગોઠવી દેવાનાં અને પછી બધાએ એમાં ઘૂસી જવાનું. આની બૂમ પેલાની ઓરડીમાં જાય અને પેલાની ગાળ આને સંભળાય. કશી મરજાદા જ નહિ. અને કો’ક દાડો બધું તૂટી પડવાની પાછી એટલી જ બીક.

જાણે કે દીવાલોને પગ આવ્યા છે. વરણાગીની ફરતે થયેલી સોસાયટીઓએ પોતપોતાના કોટ ચણી લીધા છે એ આજકાલ એને ઊંચા ને ઊંચા થતા લાગે છે. એને બીક છે કે એ એક દિવસ એની બાજુ ચાલવા લાગશે. એને આંતરી લેશે ને સાંકડે લઈ બધી બાજુથી એકસાથે એના પર ધસી પડશે ને અંધારું થઈ જશે.

આવું કેમ થતું હશે? કો’કને પૂછું? વાસમાં ચારપાંચ તો ભૂવા છે. પણ પહેલાં જે એની સલાહ લેવા આવતા, એમને પૂછવા જવાય ખરું? શું કરવું? આ કોટની દીવાલો ઊંચી થઈ છે એ તો નક્કી જ.

કેવી મોકળાશ હતી! કેવી ખુલ્લી જગા હતી સામી બાજુ! ઉનાળાની સવારે થોડાક વહેલા ઊઠી જવાય. દાતણ કરતાં કરતાં દૂર નીકળી જવાનું મન થાય. અને એ આંબા! કેવા ઘટાદાર! વગર તડકેય નીચે બેસવાનું મન થાય. શિયાળો ઊતરવા આવ્યો હોય ને આંબા મહોરવા લાગ્યા હોય. મોટા તપેસરી પણ ડોલી ઊઠે.

જિન્દગીનો પહેલો પ્રેમ એણે એક આંબા નીચે જ કરેલો. અડધી રાત સુધી કેવી નિરાંત હતી! એક ચકલુંય ફરક્યું ન હતું. વાહ! જગા ધૂળાએ તે દિવસ જીવી જાણ્યું હતું.

હવે તો કોઈને એવી તક ન રહી. જ્યાં જુઓ ત્યાં મકાનો ને વચ્ચે વચ્ચે રોડ. જેમ ફરતે વસ્તી વધી એમ આ ઝૂંપડાંમાંય વસ્તી વધી. રોડ પર મોટરો ઊભરાય ને ઝૂંપડાંમાં છોકરાં. ત્યાં દોડવાનો અવાજ ને અહીં રડવાનો અવાજ.

વળી પાછું એને થયું કે દીવાલોને પગ આવ્યા છે. ના, આ મારા મનનું ભૂત નથી. કાં’ક આવું જ થવા લાગ્યું છે, કહી આવું આ જવાનિયાઓને, એમણે અહીં જે કંઈ કરાવવું હોય એ હું મરું પછી કરાવે.

એક દિવસ લાગ જોઈને એ એમની મંડળી વચ્ચે જઈ ઊભો.

હવે હું ઘરડો થયો. વહેલોમોડો મરવાનો. મારા બાપે બધાંને અહીં વસાવેલાં તે મેં ટકાવી રાખ્યાં છે. તમારે આ ઝૂંપડાં કઢાવી નાખવાં હોય તો કઢાવી નાખજો પણ હું મરું ત્યાં સુધી મારા આંગણા આગળ થોડું ખુલ્લું રહેવા દેજો. મરતી વખતે મારો જીવ ન રૂંધાય.

છેવટ સુધી બધા એને ગંભીરતાથી સાંભળી રહ્યા હતા. પણ છેલ્લા વાક્ય સાથે એક જણને હસવું આવી ગયું. બીજાએ એ ઉપાડી લીધું ને ત્રીજાએ તો ઠંડે કલેજે સલાહ આપી – જગાકાકા, આ બધી જંજાળ મૂકીને હવે ભગવાનનું નામ લો. જમાનો બદલાઈ ગયો.

હાસ્તો, હવે તો અમારે તમારા જમાનામાં જ મરવું પડશે ને! સાલું મરવા માટેય પોતાના જમાનામાં પાછા જઈ શકાતું નથી. નહીં તો આ તમારી ઠઠામશ્કરી તો સાંભળવી પડી ન હોત!

જગો એની લાકડી લેવાનુંય ભૂલી ગયો અને ઝૂંપડા તરફ વળી ગયો. પહોંચતાં પહોંચતાં એને ફેર આવી ગયા. શ્વાસ રૂંધાયો અને અગાઉ બેએક વાર થયું હતું એમ વરણાગી ફરતેની દીવાલો ઊંચી થઈને એના તરફ ધસી આવતી લાગી.

છોકરોય ઘેર ન હતો. ક્યાંકથી થઈ આવત એકાદ વહુ ક્યાં ગઈ? ઘરમાં કૉફી પડી હોય તો એક કપ મૂકે, પણ ઘણું કરીને દૂધ જ નહીં હોય. ફેર આવે ત્યારે કૉફી પીવી જોઈએ. એણે સાંભળેલું. દાક્તર કો’કને સલાહ આપતા હતા. ચબૂતરા પાસે પેલી લારી ઊભી હશે. એક જૂની ડબ્બીમાંથી અધેલી કાઢીને એ કડક કૉફી પીવાના મનસૂબાથી અંદરની અકળામણની પરવા કર્યા વિના આગળ વધ્યો.

ચબૂતરા પાસે બે જણા ઊંચા પગે બેઠા હતા ને ત્રણ જણ પીઠ કરીને ઊભા હતા. ઊભેલાઓ તો એના પડવાનો અવાજ સાંભળીને જ પીઠ ફેરવી પણ બેઠા હતા. એમણે એને પડતો જોયેલો. એકાદ મિનિટ એ એમ જ પડી રહ્યો ને જાતે ઊભો ન થયો એ જોઈને ઊભેલા એના તરફ વળ્યા અને બેઠેલાઓએ પણ આળસ ખંખેરી. બે જણાઓએ એને બે છેડેથી ઉપાડ્યો ને બીજાઓએ હાથ અડાડ્યો. જેમતેમ કરીને એની ઓટલી સુધી પહોંચાડ્યો ને એના છોકરાની વહુને બોલાવવા બૂમાબૂમ કરી મૂકી.

વહુ બિચારી દોડતી આવી. ડોસાને આમ પડેલો ને બીજાઓને ધમાલ કરતા જોઈને એ એમ જ સમજી કે સસરો ગુજરી ગયો. એના પગ પાસે માથું પછાડતી રડવા લાગી. આ પછી જગાથી મોટી ઉંમરનો એક માણસ બેઉ બાજુ થૂંકતો થૂંકતો આવી ચડ્યો. આવતાંની સાથે એણે એટલું જ પૂછ્યુંઃ ‘મરી ગયો? મને હતું કે હું પહેલાં મરીશ.’

વહુ પાણી લાવી. કોઈકે કહ્યુંઃ ‘પાણીથી શું થાય?’

ત્યાં તો હડફ બેઠો થઈ ગયોઃ ‘ઝટ કરો લ્યા, મને પાછો લઈ લ્યો. ઝટ કરો. જુઓ પેલી ભીંત આવી. આ આવી.’ એમ કહેતો એ ખાટલાની ઈસ પાછળ લપાઈ જતો હોય એમ સૂઈ ગયો.

કોઈને કશું સમજાયું નહિ. થોડી વાર અંદર અંદર વાતો કરીને માતાની આંજોટ આવી છે કે નહિ એનું નક્કી કરવા એને ફરી ઢંઢોળ્યો.

એણે સૂતાં સૂતાં જ પૂછ્યુંઃ ‘ભીંત આગળ નીકળી ગઈ? હું લપાઈ ગયો ન હોત તો આખો છોલાઈ ગયો હોત. કાતરિયું થઈને આવતી હતી. ઘણી ભીંતો જોઈ. પણ આવી નહિ.’

બીજે દિવસે એણે છોકરાને કહ્યું કે જવું પડે તો પાંચ ગાઉ આઘો જા, પણ મારા માટે અસલ જગા શોધી લાવ. ગમે એટલાં ઝાડ હશે તો ચાલશે પણ વાડ ન જોઈએ. વખત આવ્યે એ વાડમાંથી જ દીવાલ થઈ જાય. મેં સગી આંખે જોયું છે. અહીં ફરતે પહેલાં વાડ થઈ હતી. પછી દીવાલ થઈ અને હવે એ ઊંચી થવા બેઠી છે.

બે દિવસ એ આની આ વાત જુદી જુદી રીતે કરતો રહ્યો. ત્રીજે દિવસે ખબર પૂછવા આવેલાઓને એણે કહ્યું.

‘ચાલો, બધા પાછા જઈએ. મારા બાપે તમને વસાવેલા. એનું ખસી ગયેલું. ચાલો, હું તમને પાછા લઈ જાઉં.’

‘ક્યાં?’ – કોઈક નાની ઉમ્મરનાએ પૂછ્યું.

જગા ધૂળાને જવાબ સૂઝ્યો નહિ. થોડી વાર રહીને એ પાછો એના જમાનાની વાતો કરવા લાગ્યો.

ધીરે ધીરે એના સાંભળનારાં ઘટતાં ગયાં. વહુ પણ હવે સસરાની સારવારની ચિંતા છોડીને કંટાળો ઓછો કરવા કોઈક દૂરના ઝૂંપડે જઈને બેસે છે. કોઈ કહે કે મરતોય નથી ને માંચો મેલતોય નથી. તો એ ટાપસી પુરાવે છે. વાસમાં વાત બધે જગા ધૂળાની જ થાય છે. પણ કોઈ એની પાસે બેસીને કાન ધરતું નથી. જગો બોલ્યે જાય છે. ક્યારેક અડધી રાતે બેઠો થઈને બોલે છે. ‘ચાલો, મને પાછો લઈ લ્યો.’ આ વાક્ય ત્રણ વાર બોલીને એ પાછો સૂઈ જાય છે.

હવે એના આ ઉદ્ગારોને બધાં લવારો માને છે. એ ગમે ત્યારે બોલે, ગમે તે બોલે, ધીમેથી બોલે કે મોટેથી… પણ કોઈ સાંભળતું નથી. કોઈ કહેતાં કોઈ એને સાંભળતું નથી.