ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/રમેશ ર. દવે/શબવત્

શબવત્

રમેશ ર. દવે




શબવત્ • રમેશ ર. દવે • ઑડિયો પઠન: અનિતા પાદરિયા

જલ્પુના પપ્પાએ એની બે સાથળ વચ્ચે એમનો પગ દબાવીને મૂક્યો અને તરત એને અણસાર આવી ગયો. આજ એમને પ્રમોશન મળ્યું છે. ઊજવ્યા વિના નહીં છોડે. સાથોસાથ એને યાદ આવી ગયા એમના સાહેબ. કોઈક ફિલ્મમાં જોયું હતું એવું મઝાનું ફાર્મ હાઉસ. એની અગાશી, ગરમ-ઠંડા પાણીના બબ્બે ફુવારા અને એક આખી ભીંતે કાચ લગાડેલો મઘમઘતો બાથરૂમ… ને… ને ઘેરાયેલા પહેલા વરસાદની એ રાત… આખું અઠવાડિયું આ બધું યાદ આવતું રહ્યું છે અને એટલે તો સ્લીપિંગ પીલ્સની બૉટલેય એમ ને એમ પડી રહી છે.

એ ગયો રવિવાર હતો. બધું ફિલ્મનાં ફ્લૅશબૅક દૃશ્યોની જેમ યાદ આવે છે અને અંદર ધૂળની ડમરી ચડાવતી આંધી. તડાતડ તડાતડ તૂટી પડતું જોરદાર ઝાપટું ને પછી ધીમી ધારે વરસીને ધરતીને અમી અમી કરી દેતો વરસાદ વરસ્યા કર્યો છે.

જલ્પુના પપ્પાએ પહેલવહેલી એ વાત કરી ત્યારે એ છળી મરી હતી. એમને સો માણસની એમની ઑફિસમાં નાના સાહેબનું પ્રમોશન મળે એમ હતું અને એની સારુ જ્યારે એમણે એમ કહ્યું કે સાહેબને ખુશ તો કરવા જ પડે ને? — ત્યારે એને થઈ આવ્યું હતું કે દોડતી જઈને સાહેબનો ટોટો પીસી નાખે. પણ વળતી પળે જ સમજાઈ ગયું હતું કે આવા વિચારો હંમેશાં વાંઝિયા રહેવા જ જન્મતા હોય છે. એને એમ તો થયું જ હતું કે પોતે સ્ત્રી અને એમાં પાછી આવી રૂપાળી ને ભણેલગણેલ સ્ત્રી ન હોત તો કેવું સારું હતું? જલ્પુના પપ્પાના સાહેબ કાંઈ ગોબરી, અભણ બૈરી સાથે થોડા સૂવાના હતા?

જલ્પુના પપ્પાએ તો કાલાંવાલાં કરવાં માંડ્યાં હતાં. એને આવા માણસની ઘરવાળી હોવા અંગેય નફરત થઈ આવી હતી. પાછું એ નફરતના માર્યા જ એણે નક્કી કરી લીધું હતું કે એ એમને એક વાર પ્રમોશન તો અપાવશે જ અને એ પતી જાય પછી પોતે પોતાનો માર્ગ કરી લેશે. એને એમ કરતાં કોણ રોકવાનું હતું! ખબર જ કોને પડવાની હતી? મરવાના કંઈ એક-બે રસ્તા જ ઓછા છે? પછી જલસા કરે જલ્પુના પ્પપા અને એમનું પ્રમોશન! સાલા હલકટ! જેવો સાહેબ એવો જ નમાલો એમનો ચમચો! પોતાની બૈરીને… પણ તરત એને થયું હતું કે એ કદાવર જમદૂત જેવા માણસ સાથે એક પથારીએ શી રીતે સૂવાશે? એ દૃશ્યની કલ્પના કરતાં જ એને લાગ્યું કે એની છાતીએ બે ડુંગરો વચ્ચેની ખીણમાં ગરોળી ચઢી ગઈ છે. ને એ થથરી ઊઠી. પણ કાંઈ નહીં. પડશે એવા દેવાશે. બહુ થશે તો મડું થઈને પડી રહીશ. એનેય થશે કે મળી હતી કોઈક માથાની. જોકે આવા રાક્ષસોને તો, તમે જીવતાં હો કે મરેલાં; કાંઈ ફરક પડતો નથી. એમને તો ગીધડાંની જેમ, મડું તો મડું, ચૂંથવા જોઈએ તે જોઈએ! એક વાર એને જેમ કરવું હોય એમ કરી લે ને જલ્પુના પપ્પાને પ્રમોશન આપી દે પછીનું તો બધું નક્કી જ છે ને? આ બાજુ એમના પ્રમોશનનો ઑર્ડર ને આ બાજુ… સ્લીપિંગ પીલ્સની શીશી.

પડખે સૂતેલા જલ્પુના પપ્પાનો સળવળાટ વધતો જતો હતો. આંગળાં આમતેમ રખડવા માંડ્યાં હતાં. અને નખ વાગતા હતા. એને ત્રાસ થતોપણ આજે ના પડાય એમેય નહોતું. એ આંખો મીંચી ગઈ. જલ્પુના પપ્પાએ ગાઉનની દોરી ખેંચી…

સાહેબે જમી લીધા પછી કબાટમાંથી નવો નક્કોર પણ ધોઈને ઇસ્ત્રી કરાવેલો આ ગાઉન આપતાં કહ્યું હતું: ડાબી તરફનું બારણું બાથરૂમનું છે. તમારે નહાવું હોય તો ટબ ભરેલું છે. શાવરના નૉબની તો તમને ખબર હશે જ. : મન તો થઈ ગયું હતું કે કહી દઉં: નથી નહાવું લે, તારા બાથરૂમમાં. ભલે તને ગંધાય પરસેવો મારો, સાલા બેશરમ. પણ પછી મનને વારી લીધું હતું. ખાંડણિયામાં માથું મૂક્યા પછી વહેલું શું ને મોડું શું? ને વળી સાંબેલું સોનાનું હોય કે રૂપાનું એથી સો ફેર પડવાનો હતો! ન્હાઈ લઈશ તો આ ઉકળાટ તો મટી જશે!

એ અંદર ગઈ ને સુગંધથી તરબતર થઈ ગઈ. બાથરૂમ કોઈ રાજરાણીનો હોય એવો સજાવેલો હતો. સ્કાય બ્લૂ કલરનું છલોછલ ભરેલું ટબ, એની ઉપર બે ટેલિફોન-શાવર્સ. સામી આખી ભીંતે આયનો અને બધી દીવાલે બબ્બે લાઇટ. હાથ બોળ્યો તો પાણી કોકરવરણું — હૂંફાળું હતું. એને થયું નહાઈ તો લઉં જ. એક પછી એક કપડાં કાઢીને લાકડાની કોતરકામવાળી ખીલીએ ટાંગતી ગઈ. એક વાર એણે સિલિંગ સુધી ઊંચા આયનામાં પોતાના શરીરને જોયું. આમ આખું ઉઘાડું શરીર એ જિન્દગીમાં પહેલી જ વાર જોતી હતી. ફરી પાણીમાં હાથ બોળ્યો ને ધીમે રહીને, માછલી પાણીમાં સરકી જાય એમ એ ટબમાં સરી ગઈ. પછી યાદ આવ્યું: પહેલાં સાબુથી નિરાંતે નહાઈ લેવું જોઈએ. ઘસી ઘસીને બે વાર સાબુથી નહાઈ. માથું એમ ચોળ્યું. સાબુ વિદેશી લાગે છે. ફરી વાર ટબમાં બેસતાં પહેલાં દર્પણમાં જોવાઈ ગયું. શરીર પર મોહી જવાયું. માથા પરનો શાવર ખોલ્યો. ઠંડા પાણીનો છંટકાવ ગમ્યો. બહાર નીકળી, આમતેમ ફરી. પાણી નીતરતા શરીરને નિરાંતે નીરખ્યું. આ શરીર જ બધું કરાવે છે ને? — એને થઈ આવ્યું. સામે અલમારીમાં હતા એ બધા જ પાઉડર સૂંઘી જોયા. પછી લેવેન્ડર છાંટી ગાઉન પહેર્યો. પહેલાં થયું પેન્ટી પહેરું પણ પછી ન જ પહેરી. ન્હાયા પછી પહેરેલું કપડું એ ફરી નથી પહેરી શકતી. પાણી જેવા કાપડનો ગાઉન પહેરી એ એકલી એકલી શરમાઈ: આ તે ઢાંકે છે કે ઉઘાડે છે? માણસ આવું અધૂરું જુએ તો, ન ઉશ્કેરાતો હોય તોય ઉશ્કેરાય.

દરવાજે ટકોરા પડ્યા ને સંભળાયું: ‘મે આઈ કમ ઈન મૅડમ?’

એ તાલુકાના ગામમાં આવેલી કૉલેજમાં, બસ ન મળતાં મોડી પડતી ત્યારે ક્લાસરૂમના દરવાજે ઊભી રહી મિસિસ મહેતાને આમ જ પૂછતી. એને થયું કે ધડામ કરતુંકને બારણું ખોલીને ના પાડી દે, પણ હાથે એનું કીધું ન કર્યું. હળવેકથી સ્ટૉપર ખસેડી. બારણું ખોલી ઊંડો શ્વાસ લઈ સાહેબે કહ્યું હતું: ‘મને ખબર હતી કે તમે લવેન્ડર જ વાપરશો. મને પણ એ જ ગમે છે. પણ હવે એક રિક્વેસ્ટ કરું? સેન્ટ હું મારી પસંદગીનું લગાવી દઉં અથવા તમને ન ગમે તો તમે જાતે સ્પ્રે કરી લો… આ પસંદગી મારી, બરાબર?’

એણે સ્પ્રે પણ સાહેબને જ કરવા દીધો એટલું જ નહીં, એમણે હાથ પકડીને ઊંચો કરી બગલમાં સ્પ્રે કર્યો ત્યારે થયુંય ખરું: સારું થયું ને હમણાં જ સફાઈ કરી લીધી હતી. નહીં તો એમને કેવું ગંદું લાગતે? પછી એ હસી પડી, પોતાની જાત ઉપર. હમણાં તો કહેતી હતી: નથી નહાવું. ભલે મારો પરસેવો ગંધાય તને!

એનું આમ અચાનક હસી પડવું અને સાહેબના ચહેરે ઝિલાયું હતું. એ લંબાવેલા હાથે, એનો હાથ એમના હાથમાં મુકાય એની રાહ જોતા ઊભા હતા. એણે પહેલી વાર આ કદાવર ક્લીનશેવ્ડ માણસ માટેનો પૂર્વગ્રહ ઓગળતો અનુભવ્યો. ધીમે પગલે, એનો હાથ સાહીને એ દાદર પર દોરી ગયા. કયાંય કશી ઉતાવળ-અધીરાઈ નથી. પગલેપગલું સાથે માંડતા રહ્યા. ઉપર અગાસીમાં સરસ પવન હતો. દૂર ક્યાંક મોસમનો પહેલો વરસાદ વરસતો હતો. એના મનની આંધીય જાણે નિરાંતે નહાયા પછી શમી રહી હતી. એના ફરફર ઊડતા વાળને એમણે સલૂકાઈથી કાન પાછળ વાળ્યા. પછી દૂરનાં વાદળ જોતા શાંત ઊભા રહ્યા. ચોતરફના અંધકારમાં એ હવે આ માણસ શું કરે છે – એની રાહ જોતી ઊભી રહી. કોણ જાણે આ સ્થળ આ પ્રસંગ અને આ માણસ – બધું અપરિચિત હોવા છતાં કશું અજાણ્યું-અજુગતુંય લાગતું નથી. સાહેબ તો ઊભા છે વર્ષોથી રાહ જોતા હોય એમ સાવ સ્થિર અને અબોલ. એમને માટેનાં ભય અને નફરત તો કદાચ પેલા ટબમાં જ ધોવાઈ ગયાં છે જાણે.

‘કશું પીવું છે? આઈ મીન, કંઈક સૉફ્ટ… ફાવે તો પાઇનૅપલ જ્યૂસ!’

એને આમ પુછાવું ગમ્યું. ના ન પાડી શકાઈ. એમણે બરસાતીમાં જઈને બેલ વગાડી. નોકરને કહ્યું. એ પૂરી અદબ સાથે, એની સામે ઊંચી આંખે જોયા વિના ટ્રે મૂકી ગયો. બધું જાણે કે તૈયાર જ હતું. એણે ટ્રેમાંથી ગ્લાસ આપતાં કહ્યું: તમને આદત હોય તો, તમારું પીણું… મને વાંધો નથી.

‘નો થૅંક્સ અ લૉટ. હું અમસ્તો એકલો હોઉં તો લઉં છું. પરમીટ હોલ્ડર છું. પણ કોઈ સાથે હોય તો, અદબ પણ કરી શકું છું. પણ તમને પાઇનૅપલ ગમે તો છે ને?’

એ મૂંગી રહી. એક વાર જલ્પુના પપ્પા એમના ભાઈબંધોની મર્દાના પાર્ટીમાંથી કંઈક પીને આવેલા. ચડે એટલું તો કદાચ પીવા મળ્યુંય નહીં હોય પણ નવો બાવો વધુ રાખ ચોળે એમ ઠાઠ તો એવો કરેલો જાણે ચિક્કાર ન હોય? કપડાં બદલવાની કે બ્રશ કરવાની દરકાર કર્યા વિના સીધા મંડ્યા હતા ખૂંદવા. એમની આ જ તકલીફ. અધીરાઈ તો એમની જ. હૂક કે બ્રાની ક્લીપ ખોલતાં ય તોડી નાખે. ને દરરોજના નખ-ઉઝરડા તો કોને ગમે? વળી પાછું લાંબી ઇનિંગ તો રમી ન જાણે. પોતે હંમેશાં અધવચાળે-અંતરિયાળ રહી જતી ને એ તો રેતીનું પોટલું વળતી પળે.

‘તમે કંઈક વિચારમાં ખોવાઈ ગયાં. હું સમજું છું આમ, આ રીતે કોઈનેય ન ફાવે. તમે એમ કરો, ચેન્જ કરી આવો. હું બહાર કાર પાસે રાહ જોઉં છું’ કહેતાં સાહેબ ઊભા થયા. પણ એ તો એમની સામે જોતી બેસી જ રહી.

‘ના. એવું નથી.’

‘પણ આગલી મિનિટે તમે અહીં આ અગાશીમાં ન હતાં. તેથી જ કહું છું. આ તો સરખા ભાગે ભોગવવાનું સુખ. તમે નારાજ હો એ મને ન ગમે. આટલા મોડા ઘરે ન જવું હોય તો કંઈ નહીં. ચાલો બાજુનો રૂમ ખોલી દઉં છું. સૂઈ જાઓ. હું તો થોડું વાંચીશ. તમારી કંપની સાચે જ પ્લેઝન્ટ છે. પણ આભાર નહીં માનું!’

એને થયું, આ માણસ અંદરથી બોલે છે કે પછી વિવેક કરે છે? પણ સાહેબ તો ઊભા જ હતા. એણે હાથ પકડી. પસવારી પાસે બેસાડ્યા. કહ્યું ‘ના, સાચ્ચે જ એવું નથી. અહીં આવી ત્યારે જોકે મૂડ બહુ ખરાબ હતો. પણ હવે, રિયલી એવું કંઈ નથી. એમ હોત તો હું બાથરૂમની સ્ટૉપર જ ન ખોલત ને? લો, તમે જ્યૂસ લો.’

‘ના. એમ નહીં, આ તમારામાંથી પાઓ તો…’

એ લગભગ અચકાઈ ગઈ. બધું સાવ અણધાર્યું બન્યે જતું હતું, તોય મદભર્યું જોઈ ગ્લાસ લંબાવ્યો. સાહેબે સહેજ ઝૂકી નાનો સરખો ઘૂંટ ભરી એને ઑફર કરી. બાકી જ્યૂસ એ એક જ ઘૂંટમાં પી ગઈ. પછી હળવે રહી સાહેબના ખભે માથું ટેકવી દીધું. બધું કોમળ, નાજુક અને નર્યું હૂંફાળું હૂંફાળું કેમ લાગતું હતું? અહીં આવવા નીકળી ત્યારે તો શોફર પણ કોઈ ગેંગ લીડરના મુશ્ટંડા જેવો લાગતો હતો. મનમાં દહેશત હતી કે બધું આગ આગ હશે પણ આ તો નીકળ્યું બધું સબ્જ બાગ–બાગ!

એના કપાળ પર, ગાલ પર અને ગરદનની રોમાવલિ પર લાંબી, ભારે અને રુંવાદાર આંગળીઓ ફરતી હતી. એના હોઠ હવે એ આંગળીઓના સ્પર્શ માટે આતુર કંપતા હતા. પણ સાહેબ પૂરા સંયત હતા. એ પહેલી વાર કોઈ પુરુષને આટલો તટસ્થ જોતી હતી. નવલકથામાં ફિલ્મોમાં ને નાટકોમાંય એનું અસલી, વરુનું મોઢું છતું થઈ જતું! પણ સાહેબ તો જાણે સામે પાર પહોંચી ગયા છે. સહેજ પણ લય ચૂક્યા વિના એમનો હાથ ફરતો રહ્યો, ફરતો જ રહ્યો. અચાનક એણે ઊભા થઈ સાહેબના ગળે હોઠ ટેકવી દીધા.

હવે સંચારનો વિસ્તાર વધ્યો. પણ રિધમ અતૂટ રહ્યો. એની આંખો બંધ હતી. એમણે વાળનો ચોટલો ખોલી નાખ્યો. વિખરાયેલા વાળની સુગંધ એમણે ઊંડે સુધી જાણે ભરી લીધી. એને પોતાના કાળા, ઘાટા અને નિતંબ ઢાંકી દેતા વાળ માટે પહેલી વાર આવું ગૌરવ અનુભવાયું: સરસ છે, નહીં?: એનાથી બોલી જવાયું.

‘હા, તમારા વાળ બહુ સમયથી મને ગમે છે. તમને પણ એ ગમે છે એ જાણી વિશેષ આનંદ થયો.’

કંપ ધીમે ધીમે ઓસર્યો. એ નિરાંતે, થાંભલાને અઢેલીને બેઠેલા સાહેબને આછોતરો ટેકો દઈને બેઠી. એનું પોતાનું અહીં, આમ હોવું એ જાણે ધુમ્મસ પારનું જગત જણાયું. પોતાની આવી મનઃસ્થિતિ અને મનોભાવોને આમ મનોમન આ રીતે શબ્દબદ્ધ કરતાં એ ખુદ નવાઈ પામી. આ પ્રકારે તો કૉલેજ છોડ્યા પછી વિચાર્યું જ નથી. મનનો ભાવ આમ સાર્થક શબ્દોમાં કેમ અનાયાસ ઢળી જાય છે? અને કૉલેજના દિવસો યાદ આવ્યા. મિસિસ મહેતા ‘મેઘદૂત’ ભણાવતી વેળા કહેતાં ‘પ્રણયનો નવ્ય અનુભવ તમારી આસપાસ એક નિરાળું વિશ્વ રચી દે છે. એ વેળા મન – પ્રાણ નવાં કલેવર ધરે છે કદાચ!’

જલ્પુના પપ્પા હવે લગભગ અરધા-પોણા ઉપર આવી ગયા હતા. એ જ ફૂંફાડા મારતાં ફોયણાંમાંથી વછૂટતો ગરમાગરમ શ્વાસ, તમાકુની તેજ ગંધ… એણે આ ઘર, પથારી ને દાઢીના ખૂંપરાવાળા જલ્પુના પપ્પાને ભૂલી જવા કર્યું…

સાહેબે ધીમે રહીને એનું મોં એમની પોચી હથેળીઓમાં લઈ ઊંચું કરી ધ્યાનથી જોયું. પછી એની આંખો પર આછોતરા હોઠ મૂક્યા. શ્વાસમાંથી સિગારેટની કડક સુગંધ આવી. એણે પૂછ્યું, ‘કઈ, વિદેશી સિગારેટ પીઓ છો?’

‘સૉરી, હું ફરી બ્રશ કરી આવું’ – કહેતાં એમણે અલગ થવા કર્યું પણ શક્ય ન બન્યું. હવે એ કોમળ ભુજપાશમાં હતા. એણે સાહેબને સાહી હળવેકથી બરસાતી તરફ ડગ માંડ્યા. દૂર સુધી પથરાયેલી વનરાજીમાંથી ગળાઈને આવતો પવન હવે ધીમું ધીમું ગરજતો હતો. સાહેબે સ્વિચ ઑન કરી. નર્યું દૂધિયું લાઇટ રૂમ વચ્ચેના ગોળ પલંગ પર બિછાવેલી, દરિયાઈ ફીણ જેવી ચાદર પર ઢોળાયું.

એણે કૂરતાનાં બટન ખોલ્યાં અને છાળ પકડી ઊંચું કર્યું. સાહેબે હાથ ઊંચા કર્યા. હેંગર પર કૂરતું ટાંગી એ પાછી ફરે એની રાહ જોતા સાહેબ હવે પલંગની કિનારે, હાથમાં રીડિંગ લેમ્પની પીલો સ્વિચ પકડીને બેઠા હતા. છતની લાઇટ બંધ કરી ફંફોસતાં ફંફોસતાં એ સાહેબ પાસે પહોંચી તોય રીડિંગ લૅમ્પ ન થયો એટલે એનામાં ઊંડે વસતી સ્ત્રીએ કાનમાં ફુસફુસાહટ કરી પૂછ્યું ‘જેનો ઉત્સવ આજે યોજ્યો છે એ શરીરને મન ભરીને જોવું નથી તમારે?’

‘તમારું નિમંત્રણ લોભામણું છે પણ લાઇટ કરું ને તમે મારા, રીંછ જેવા આ કાળા ગૂંચળાંભર્યા વાળથી…’

‘તમને પુરુષોને એમાં ખબર ન પડે. તમારું અમને શું ગમે અને શું ન ગમે એની કલ્પના કરવામાં તમે લોકો કાયમ નાપાસ જ થવાના. આવી મર્દાનગીભરી છાતીમાં મોં સંતાડવાનું સુખ તમે ક્યાંથી જાણો.’

‘તમને વાત કરતાં ખાસ્સું આવડે છે.’

‘એ તો કદાચ આજે જ. આ સ્થળ-સમય અને તમારો સંગ! બધાંએ ભેગા મળીને અંદર-બહાર બદલી નાખી છે.’

હવે જાંઘ વચ્ચે બચકાં ભરાતાં હતાં. એને થયું: એના મનની મહોલાત હમણાં કડડભૂસ કરતી તૂટી પડશે. અને જલ્પુના પપ્પા નહીં જ માને, પ્રમોશન ઑર્ડર મળ્યો છે ને? આમેય એમનું એવું જ. એક વાર મન થયું એટલે… જલ્પુ એક વાર રાતે અણધારી જાગી ગઈ હતી. પોતે ડાબે હાથે એના ઘોડિયાની દોરી ખેંચવા માંડી પણ એ રોવે ચડી ગઈ હતી. એ હીંચકો નાખતી રહી, જલ્પુ રોતી રહી ને તોય એના પપ્પા હેઠા ન ઊતર્યા તે ન જ ઊતર્યા! અરે, અરે પણ આમ…

સાહેબે લાઇટ ન કરી એટલે પીલો સ્વિચ ફંફોસી પોતે કરી. એની વિશાળ છાતી પર માથું ટેકવી એ સૂઈ ગઈ, સાહેબની આંગળીઓ એને પસવારતી રહી, ખભાથી નિતંબ લગી. હળવેકથી એ નીચે સરી આવી. એમની બાજુમાં લપાઈને કમર તળેથી આંગળી સરકાવી એમને ઉપર લેવા કર્યું. ખ્યાલ આવતાં એ પણ જાતે લગીર ઊંચકાયા અને હોઠ…

હવે જલ્પુના પપ્પા હમચી ખૂંદતા હતા. હમણાં… હમણાં… એને થયું: શું કરે તો આ અસહ્ય યાતનામાંથી છૂટી જવાય? અચાનક એને સૂઝી આવ્યું: એ શબવત્ થઈ ગઈ.