ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/વિજય શાસ્ત્રી/મિસિસ શાહની એક બપોર

વિજય શાસ્ત્રી
Vijay Shastri.png



મિસિસ શાહની એક બપોર • વિજય શાસ્ત્રી • ઑડિયો પઠન: શ્રેયા સંઘવી શાહ

મિસિસ શાહની એક બપોર

વિજય શાસ્ત્રી

મિસિસ શાહે પડખું ફેરવ્યું. મિસ્ટર શાહ નજર સામેથી દૂર થઈ ગયા. મિસ્ટર શાહનો વારો આવ્યો. તેઓ બારી પાસે, પલંગની નજીક ખુરશી નાખીને બેઠા હતા. તેમની નજર, અનેક વાર પોતાની બરછટ હથેળીથી પંપાળાઈ ચુકાયેલી મિસિસ શાહની ગોરી અને માંસલ પીઠ ઉપર ફરી વળી. મિસિસ શાહના સ્થૂળ થતા જતા બદનને જમ્યા બાદ આરામ જોઈતો હતો. મિસ્ટર શાહને રજાના દિવસે, મિસિસ શાહ જમ્યા બાદ પલંગ પર પડે ત્યારે અંગ્રેજી પેપરબૅક પુસ્તક લઈ બારી પાસે બેસવાની ટેવ હતી. મિસ્ટર શાહને જોઈ રહેવામાં મિસિસ શાહને કંટાળો આવ્યો એટલે તેઓ પડખું ફેરવી ગયાં.

જે બાજુ પડખું ફેરવ્યું હતું તે બાજુએ ગોઠવેલા એક આદમકદ આયનાવાળા ડ્રેસિંગટેબલ પર આયનાની આગળ એક વૃદ્ધાની છબી ચાંદીની ફોલ્ડિંગ ફ્રેઇમમાં મઢાઈને પડી હતી. એ મિસિસ શાહનાં કાકી થતાં હતાં. મિસિસ શાહ એ કાકીને તેમના મરણ પછીના ચોથે વર્ષે પણ ભૂલી શક્યાં નહોતાં, કારણ કે…

— કારણ મિસિસ શાહ ખૂબ સારી રીતે જાણતાં હતાં.

દર વખતે તો મિસિસ શાહની આંખો આદમકદ આયનામાં પ્રતિબિંબિત થતા પોતાના મેદસ્વી નિતમ્બો પર પડતી, કદાચ માથામાં જગ્યા કરીને ઊગી આવેલા એકાદ ધોળા વાળ પર પડતી, તો ક્યારેક ઝાંખી થઈ ગયેલી આંખ એ આયનો બતાવતો. પણ આજે અચાનક કાકીની છબી ઉપર મિસિસ શાહની નજર ઠરી. મિસ્ટર શાહે, માથા પર તડકો ન આવે એ હેતુથી અધખૂલી રાખેલી બારીમાંથી તડકાનો એક લિસોટો એ છબી પર પડતો હતો. આમ તો એ છબી કાયમ જોવાતી હતી પણ તેના અસ્તિત્વને મિસિસ શાહ અત્યારે નવેસરથી અનુભવી રહ્યાં. મિસિસ શાહનાં એ કાકી મિસ્ટર શાહનાં માસી પણ થતાં હતાં. ચત્તા ત્રિકોણ ટોચના ખૂણાની જેમ એ વૃદ્ધા મિસ્ટર અને મિસિસ બંને સાથે સંકળાયેલાં હતાં. જો એ ડોશી મિસ્ટર શાહની માસી ન થતી હોત તો કદાચ પોતે અત્યારે મિસ્ટર શાહની પત્ની ન હોત — મિસિસ શાહ વિચારી રહ્યાં હતાં. પણ એ ડોશી મિસ્ટર શાહનાં માસી હતાં જ, એટલે પોતે અનીશને પરણી શક્યાં નહોતાં. એક ‘હતાં’એ બીજા ‘નહોતાં’ને જન્મ આપ્યો હતો.

કાકીની સાથે અનીશની દુઃખદ યાદ મિસિસ શાહને ઘણી વાર આવી જતી. અનીશને એક ચહેરો હતો. એ ચહેરા પર બે આંખો હતી. જેમાં પલ્લવી ખોવાઈ ગઈ હતી. પલ્લવી નામ મિસિસ શાહનું સ્થિર ઘરેણું હતું. તે પહેલાં પલ્લવી મહેતા હતી હવે પલ્વવી શાહ બની ગઈ. એક માણસે પોતાના આખા નામનો ઉત્તરાર્ધ બદલી કાઢ્યો હતો — જિંદગીના ઉત્તરાર્ધની જેમ.

મિસ પલ્લવી મહેતાને મા નહોતી. ગુજરી ગઈ હતી. કાકી હતાં. તેમણે તેને ઉછેરી, ભણાવી, ગણાવી, મોટી કરી. પછી બદલો માગ્યો. પલ્લવી મહેતા કાકીના ભાણેજ નૈનીશ શાહ જોડે પરણી. દ્રોણે એકલવ્ય પાસે અંગૂઠો માગી લઈ તેનું કૌવત હણી લીધું હતું તેમ કાકીએ પલ્લવી પાસેથી અનીશને હણી લીધો. અંગૂઠો કપાયા બાદ એકલવ્ય જીવી શકતો હતો — માત્ર જીવનભર જેની ઉપાસના કરી તે ધનુર્વિદ્યા વગર. નૈનીશ શાહને પરણ્યા પછી પલ્લવી જીવી શકતી હતી — જીવનભર જેની ઉપાસના કરતા તે અનીશ વગર. દ્રોણ અને પલ્લવીનાં કાકી બંને એકલવ્ય અને પલ્લવીની દક્ષિણાથી ખૂબ ખુશ થયાં હતાં.

અનીશને તો મળાય એમ નહોતું પણ તેનો ફોટો મિસ પલ્લવી પાસે હતો.

મિસિસ શાહના કપાળે પરસેવો વળી ગયો હતો તેમને મિસ પલ્લવીનાં, લગ્નની આગલી રાતનાં આંસુ યાદ આવ્યાં. મિસિસ શાહનું સ્થૂળ થતું જતું શરીર પલંગ પર પડ્યું હતું એમાંથી વીસ વર્ષની પલ્લવી મહેતાનો પુનર્જન્મ થયો હતો. શરીરને પલંગ પર મૂકીને મિસિસ શાહમાં વસેલી સ્ત્રી ભૂતકાળમાં ફરવા નીકળી પડી હતી. તે સ્ત્રી અનીશના ફોટાને કહેતી હતી —

‘હું તારી જ પત્ની છું, અનીશ. મારો પતિ તું જ છે. હું તારી જ પત્ની છું, ભવોભવ.’ પલ્લવી રડી પડી હતી. માત્ર ફોટો પલળી ગયો હતો. તે ન હાલ્યો, ન ચાલ્યો. જીવતા અનીશની જેમ તેને સ્થિર બનાવી દેવાયો હતો. ‘હું તારી જ છું… તારી જ…’

‘મિસિસ શાહ કોણ છે?’ એક જાડો અવાજ બહારથી આવ્યો. એક્સપ્રેસ ડિલિવરીની ટપાલ લઈને આવેલો ટપાલી ઘાંટો પાડતો હતો.

મિસ પલ્લવી ગભરાઈ ગઈ, ઝટ ઝટ પેલા સ્થૂલ શરીરમાં પાછી ફરી. મિસિસ શાહનું વ્યક્તિત્વ પહેરી લીધું. મિસ પલ્લવી, મિસિસ શાહ બની ગઈ — ટપાલીની એક જ બૂમે. પોતે મિસિસ શાહ છે એ યાદ રાખવું પડ્યું.

ઊંધી હથેળીએ સહેજ ભીની થયેલી આંખો લૂછી કાઢતાં મિસિસ શાહે સ્લીપર પહેરવા પલંગ પરથી નીચે પગ લબડાવ્યા.

‘તમે જ છો મિસિસ શાહ?’ ટપાલીએ પૂછ્યું.

મિસિસ શાહે હા કહી. કારણ કે પોતાના હૃદય સિવાય બીજા કોઈને ના કહેવાય એમ નહોતું. (‘વિજય શાસ્ત્રીની શ્રેષ્ઠ વાર્તાઓ’માંથી)