ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ન/નરક
નરક
ધરમાભાઈ શ્રીમાળી
નરક (ધરમાભાઈ શ્રીમાળી; ‘૨૦૦૦ની શ્રેષ્ઠ વાર્તાઓ’, સં. હર્ષદ ત્રિવેદી, ૨૦૦૧) નાનપણથી જ ગંદકીની સૂગ ધરાવતી રતન લગ્ન પછી સોમા સાથે શહેરમાં આવે છે અને જેની સૂગ હતી એ જ કામ એણે કરવું પડે છે. ગંધાતા જાજરૂની સફાઈ અને મુકાદમની બૂરી નજર રતનને સાક્ષાત્ નરકનો અનુભવ કરાવે છે. એમના વાસમાં આ વિષય પરની જ ફિલ્મ બતાવવામાં આવે છે. મેલું ઉપાડતી મા-દીકરી, બાઈના ગળા સુધી દદડતો મેલાનો રેલો - એવાં જુગુપ્સાજનક દૃશ્યો સાથે રતનની સંવેદનાની જોડાજોડ સોમો પણ રતનની વેદનાને અનુભવે છે - એના નિરૂપણ દ્વારા વાર્તાકારે એક તરફ દલિતસમાજની વિષમતાનું તો બીજી બાજુ દાંપત્યપ્રેમનું વાસ્તવિક નિરૂપણ કર્યું છે.
પા.