ગુજરાતી નારીસંપદા : કવિતા/આંસુ

આંસુ

લક્ષ્મી ડોબરિયા

આંખોમાં આવીને હળવેથી હૈયાના અણકથ્યા ભેદને છૂપાવી ય લે.
આંસુ, પાણી પોતાનું બતાવી ય લે.

વાત થાતી નથી ને જાત ખૂલતી નથી.
તોય તોરણ પ્રતીક્ષાના રોજ નવાં ઝૂલે
પાંપણને ઢાળી અને નજરુંને વાળી પણ
નવજાત સપનાંઓ કદી મારગ ના ભૂલે
લાગણીનાં ડૂમાં અને ડૂસકાં વચ્ચાળે પાઠ પાકટ થવાના ભણાવી ય લે
આંસુ, પાણી પોતાનું બતાવી ય લે.

ખુશીઓ વધાવે કે પીડા ઓગાળે ત્યાં
રંગ અલગ કોઈને ન એના જણાયાં
એક જ સરીખાં એ સ્પર્શે છે હૈયાંને
પોતીકાં હોય કે હોય એ પરાયાં
સારા કે માઠા પ્રસંગોએ આવી, જયોત કરુણાની ઝીણી જલાવી ય લે
આંસુ, પાણી પોતાનું બતાવી ય લે.

***