ગુજરાતી નારીસંપદા : કવિતા/એક ગર્ભસ્થ બાલિકાની ઉક્તિ!
એક ગર્ભસ્થ બાલિકાની ઉક્તિ!
મનોજ્ઞા દેસાઈ
⯐
મ્હારી માની કુમળી કલિકા બાલિકા હું સુહાતી.
ક્યારે ભેટું સુરભિ ઝરતી માતની દિવ્ય છાતી.
ને ક્યારે હું મઘમથી રહું સૌરભે પિતૃપ્રેમે
એવી હુંયે મલકી ઊઠતી પૂછતાં માતૃક્ષેમે.
ધીરે ધીરે બની પણ જશે પૂર્ણ આ અઙ્ગ મ્હારાં
સ્નેહાશ્રુથી છલકી ઊઠશે હેતના એ કિનારા,
સૌએ ક્હેશે અવતરી અહીં ‘લક્ષ્મી’ તો ‘ના’ કહીને
માડી જોશે અવતરી રહ્યું સોણલું દેહ લૈને.
રૂપાકારો હજી ધરી રહ્યા ઓષ્ઠ ન્હાના સુચારુ
વેરન્તા એ અનુભવી રહ્યા ધન્યતા હાસ ન્યારું,
વચ્ચે વચ્ચે અધીર બનતી ને ફરી ધીર ધારું.
થાશે મ્હારાં કઈ કઈ રીતે સ્વાગતો હું વિચારું.
ત્યાં તો આવ્યાં ધ્વનિકિરણ ને લૈ ગયા કૈંક વાતો
જાણે મ્હારી તૂટી-તૂટી રહ્યો માતની સઙ્ગ નાતો.
***