ગુજરાતી નારીસંપદા : કવિતા/નિર્દોષતા

નિર્દોષતા

વર્ષા તન્ના

એક દિવસ હું સફાળી જાગી
શોધવા એને ભાગી
જઈ પૂછ્યું મેં તેનું નામ

ફૂલને પૂછ્યું તો ઝાકળનું દીધું નામ
વહી ગઈ ઝાકળ મળ્યું નહીં તેનું ગામ

નદીને કહ્યું તું કંઈક બોલે તેના નામે
એ સાગર સામે જોઈને બોલી ‘આયખું કર્યું એને નામે’

મેં હવાને પૂછી એની એંધાણી
હવા થઈ ગઈ ચૂપ
જાણે મારાથી રિસાણી

છેલ્લે હું ગઈ
પ્રભુના મંદિરમાં પૂછવા
ક્યાં છે નિર્દોષતા...?
બની ગયા પાષાણ બોલ્યા વગર ભગવાન પણ મૂંઝવણમાં

થાકી હારી હું ઘરે આવી પાછી
મારી નાનકડી દીકરીએ મને પૂછ્યું
‘થાકી ગઈ છે મમ્મી? થોડી વાર બેસી જા’
એની આંખોમાં, એની વાતમાં
મળી ગયું એનું સરનામું.

***