ગુજરાતી નારીસંપદા : કવિતા/મારા વંશની સ્ત્રીઓ

મારા વંશની સ્ત્રીઓ

ઉર્વશી પંડ્યા

અસંખ્ય કાળચક્રો વડે ખેડાયેલી માટી મારી
અજાણતાં જ વવાઈ ગયેલાં બોરસલ્લી, જૂઈ, નાગચંપો ને ગંધરાજ.
કોળી ઉઠ્યાં આડેધડ-અડોઅડ.
ત્વચા તળે ફેલાતાં મૂળ.
ખળભળતાં શાંત મનજળ.
પથારીની પાંગથે રેતનગર, તરસી રગેરગ.
થીજતી જતી ક્ષણો લોહીઝાણ.
લોહીની ભૂરાશમાં ચીર-પરિચિત નગરનાં રંગ અઢળક.
છાતીમાં ખોડાયેલ પ્રલંબ લોહમાર્ગ.
તસોતસ વળગેલ ગીચોગીચ વંશાવલી.
અસંખ્ય કાળચક્રોનાં ભારે જીવિત પાષાણવત્.
કાળઝાળ રેતનગર, ઝંઝા જીવલેણ.
તપ્ત ઢુંવા તળે દટાવા-કષ્ટાવા છતાં મને દોહદ રેતનગરનાં.
મારો વંશ જ ઘાટાં ભીનાં રંગોનો.
જેમાંથી ઉગતાં જન્મારાં જણે અઢળક મૂંઝારા.
હાડકાંનાં પોલાણમાં બોરસલ્લી, જૂઈ, નાગચંપો ને મંદાર ગજવતાં સિંજારવ અકબંધ.
અસંખ્ય કાળચક્રો વડે ખેડાયેલી માટીમાં ખોડાઈ ઊભી છું સરુવનની અડોઅડ.
ઝંખું પ્રસવપળ.

***