ગુજરાતી નિબંધ-સંપદા/ચંદ્રવદન ચી. મહેતા/ખુરશીપુરાણ

ખુરશીપુરાણ

ચંદ્રવદન ચી. મહેતા

જૅક કહે, ‘એ નાટકની વાતમાં પેલી ઊંધી ખોપરીવાળાની વાત હું કહેવાની ભૂલી ગયો. તે હવે હું સાંજની મિજલસમાં કહીશ. આપણે હવે તૈયાર થવા જઈએ.’ એમ કહીને તૈયાર થવા ગયા. અને આવીને હજી અમારે નીકળવાની ત્રણચાર કલાકની વાર હતી, એટલે એણે એક બીજી જ વાત કાઢી. સૂત્રો ઉચ્ચારવામાં અમારાં જૅકભાઈસાહેબ જેવા બીજા કોઈ ખ્યાતનામ નહીં જડે. બેઠાં બેઠાં ચા પીતા કહે છે કે હમણાં લેટેસ્ટ વાત એવી છે કે, ‘જેવી ખુરશી તેવું ભાષણ’… મને એનું રહસ્ય તરત ન પકડાયું. પણ એણે ખુલાસો કર્યો કે, જો તમે જજની ખુરશી પર બેસો તો ન્યાયસંબંધી ભાષણો કરો, મહેતાજીની ખુરસી પર બેસો તો પંતુજી ભણાવે એ રીતે ભાષણો કરો, રાજાની ખુરશી પર બેસો તો ચુકાદા જ આપ્યા કરો, એમ જુદી જુદી જાતની ખુરશીનો પ્રભાવ છે. આ વાતચીત દરમ્યાન ફાબિયો તો હાજર હતો. પણ સાથે એમની ભોળી ધર્મપત્ની મિસિલ રેશિન્યો, એટલે કે એસ્ટર ભાભી પણ હાજર હતાં, અને જૅકસાહેબે ખુરશીપુરાણ ઉપર, લાકડાની ખુરશી તો એમાં મેહોગની સિસમ, ઓક, ટીક કિયા જાતનાં લાકડાંની અને એમાં નેતર યા લાકડાની ઉપર રૂની ગાદીની એની જાતની વાત કરી એ બધાની અસર વર્ણવી. વળી રાજગાદીવાળી ખુરશી એમ ધર્મના પાદરીની ખુરશીઓ વિશે વાતો કરી. પછી તો જૅકસાહેબ ખીલ્યા, ખુરશીના હાથા હાથીના મોઢાવાળા, સિંહની ડોકવાળા, એવા જાનવરનાં મોઢાં જેવા હાથા હોય તો એમાં બેસનારા ઉપર કેવી અસર થાય, એ ખુરશી નવી બનાવટની હોય કે જૂની બનાવટની હોય તો તેની કેવી સારી-માઠી અસર થાય એની પણ વિગતો ઉચ્ચારી. જેમ જેમ તેણે વિગતવાર બ્યાન કરવા માંડ્યું તેમ તેમ વચ્ચે મારી તરફ નજર કરતા રહ્યા. ત્યારે મને વાતનો કંઈ તાગ મળવા માંડ્યો. પોણો એક કલાક એણે એમ ખુરશીપુરાણ હંકાર્યે રાખ્યું. એમાં દેશપરદેશની ખુરશીઓ, જૂની નેતર, નવી પ્લાસ્ટિક નેતર, હિન્દુસ્તાનમાં ચંદન-કાષ્ઠની, નવા મહારાજાઓની, ગવર્નર, કલેક્ટરોની, ઇન્કમટૅક્સ ઑફિસરોની, મિનિસ્ટર સાહેબોની એવી કંઈક ખુરશીઓ ઉપર બેસનારની વિવિધ પ્રકારની અસરો એણે વર્ણવી અને એના ધ્યાનમાં કોઈ ચોક્કસ ખુરશી આવી છે, એ મતલબનો ઇશારો મારા મનમાં પ્રગટ્યો. ખુરશીમાં આયનો. આગળપાછળ, હાથા ઉપર એનાં પણ વર્ણનો થયાં. વળી ખુરશીને ચારે પગે પૈડાં — જ્યાં જે બાજુ ફેરવવી, લઈ જવી હોય, ત્યાં સહેલાઈથી જઈ શકે એવી ખુરશીની પણ વાત કરી. મ્યુઝિકલ ચેરની પણ વાત કરી. ખુરશી ઉપર બેસો કે તળિયેથી ટીન ટીન ટીન કોઈ સંગીતની ગત વાગવા માંડે. એની ઉપર બેસવાથી માણસ સંગીતનો ખાં થાય કે સંગીતકાર થાય એવો કોયડો પણ રજૂ કર્યો, અને પછી થોડી વાર ચૂપ થઈ બેઠા રહ્યા.

એને હવે એટલી સારી રીતે હું ઓળખતો થયો હતો, એટલે હવે મેં એની ગત સમજી મમરો મૂક્યો. આવી ખુરશીઓ હવે મળે છે જ ક્યાં, સિવાય કે કોઈ ખુરશીઓનો સંગ્રહસ્થાન કરી બેઠો હોય. તો એ કહે હા. તમારે જોઈતી હોય તો હું એકાદ અપાવી દઉં. તે પહેલાં તમે કેવી અસરવાળી ખુરશી માગો છો તે જાહેર કરો. એટલે મેં કહ્યું, ‘જૅક હમણાં હમણાં મારાથી ખરચ બહુ થઈ જાય છે. યુરોપના પ્રવાસ, મોંઘીદાટ હૉટલો, ખાવાના ડ્રિંક્સના પૈસા ચિક્કાર, ઍરોપ્લેનના ભાવ વધ્યા જ કરે, અને અમારે ત્યાં પ્રવાસ પર ઊપડવાના પણ ટૅક્સ, એટલે એવી કોઈ ખુરશી હોય, જે ઉપર બેસીએ તો ખર્ચ ઓછો થાય.’ તો જૅક કહે, ‘હા હા, એ તો હું કહેવાનું ભૂલી જ ગયો. યહૂદીની ખુરશી. એ ઉપ ર બેસો કે તરત કોથળીનું મોં બંધ. કરકસર કરવી જ સૂઝે. હૉસ્પિટલમાં પેલા એક જણે ઑપરેશન કરતાં એને લોહી આપવાની જરૂર પડી, તે તમારા દેશમાં કોઈ કંજૂસ ભાઈનું એને રક્તદાન કરવામાં આવ્યું. એક તો કંજૂસને એના રક્તના પૈસા મળ્યા, અને જેને રક્તદાન કરવામાં આવ્યું એનો સ્વભાવ ધીમે ધીમે લોહી જતાં એટલો કંજૂસ થઈ ગયો કે સાજો થયા બાદ ડૉક્ટરની ફી ચૂકવવા ગલ્લાતલ્લા કરવા બેઠો! એ તો ઠીક, ડૉક્ટરે તરત કહ્યું કે, ભાઈ! આપણે એક જ જાતના છીએ એટલે મારી સાથે આ કાપકૂપની વાત ન કર. પણ એ વાત પેલા લોહી આપનારે સાંભળી લીધી, એટલે પેલો દરદી સાજો થઈ એને ઘેર પહોંચ્યો, ત્યારે પેલા રક્તદાન કરનારા ભાઈને ઘેર જઈ, એના સ્વભાવમાં આટલો કરકસર કરવાનો સ્વભાવ થયો એ માટે બીજી રકમ માગી. યહૂદીની ખુરશીનું એવું છે. જો રસ્તામાં મળતી હોય તો હું એવી ખુરશી લેવા તૈયાર છું. એમ મેં કહ્યું ત્યારે જૅક કહે, ‘સિન્યોર સી. સી. યહુદીની ખુરશી, અને તે તદ્દન સસ્તી તો નહિ મળે, પમ તમારે માટે હું ટ્રાય કરું.’

માનશો, પા કલાકમાં ખુરશી એની વીલાને આંગણે! એસ્થરબાઈ તો છક થઈ ગયાં, બદા નીચે દોડ્યા. ખુરશી જોઈ, એક પછી એક એની ઉપર બેઠા. ખુરશી ભારેની સુંદર! નકશીકામવાળી, લાકડું મેહોગની અને ભયોભયો. હું જૅકને કિંમત પૂછું તો કહે છે કે એ વિશે આપણે હમણાં જ જતાં જતાં બિલની પતાવટ કરી દઈશું. એણે મને ભાવ તો કહ્યો જ છે, પણ હું હમણાં નહિ કહું. ખુરશી પર બેસી મેં ખુરશીનાં વખાણ કર્યાં, પણ સાથે સાથે મારા મનમાં કરકસર કરવાના વિચારો પણ આવવા માંડ્યા, એવું પણ જાહેર કર્યું. અમારે નીકળવાનો સમય થયો ત્યારે એસ્થર મને બાજુ ઉપર બોલાવી કહે છે કે જૅકને તમે સમજાવો, એ પણ એક એવી ખુરશી ખરીદે. મળે તો, કારણ એ પણ ખરચા કરવામાં પાછું વળીને જોતો જ નથી. મેં ટાપશી પૂરી, હા, એનો હાથ પણ એવો છુટ્ટો જ છે. જોઈશું, કહી અમે બહાર નીકળવા તૈયાર થયા, ત્યારે જે હું જૅકની વાતચીત ઉપરથી સમજ્યો હતો, તે પ્રમાણે હું મારી ચાલ ચાલ્યો, ‘જૅક! ચાલો આપણે બિલનું પતાવીએ. પણ આ ખુરશી હું યુરોપ આખામાં લઈ જઈને ક્યાં ફેરવું. મારા તરફથી તમને ભેટ!’ તો જૅક કહે, ‘નનનાનો પ્રોફેસર. તમે જશો પછી એના પાયા હાથા છૂટા કરાવી બરાબર પૅક કરાવી મુંબઈ તમને મોકલી આપીશ.’ મેં કહ્યું, ‘જૅક! જો આ યહૂદીની ખુરશીના પા યા ઢીલા થયા કે છૂટા થયા તો એની એટલી અસર પણ નીકળી જશે. માટે આ તમે જ રાખો. આપણે બીજીની પેરવી કરીશું. ચાલો.’

જેકભાઈને ખુરશી ગમી ગયેલી. ઘરમાં કિંમતની ચર્ચા ટાળવા અને ખુરશી ગમાડવા આમ રમત ગોઠવેલી. પૈસા પણ એણે ચૂકવી દીધેલા. અને બરાબર અમુક ટાઇમે ઘરે પહોંચાડવા એણે દુકાનદારને તાકીદ કરેલી. તે પહેલાં એણે વખતસર ખુરશીપુરાણ ઉઘાડ્યું અને યોગ્ય ટાણે પૂરું કર્યું, ઘરમાં હવે કરકસર કરવા ખુરશી આવી ગઈ એથી એસ્થરભાભી ખુશ.