ગુજરાતી નિબંધ-સંપદા/લાભશંકર ઠાકર/જરા પી લો મધુર તડકો!

જરા પી લો મધુર તડકો!

લાભશંકર ઠાકર




ગુજરાતી નિબંધસંપદા • જરા પી લો મધુર તડકો! - લાભશંકર ઠાકર • ઑડિયો પઠન: શ્રેયા સંઘવી શાહ

ગ્રીષ્મના સૂર્યનાં તીક્ષ્ણ તાતાં તીર જેવું સંતપ્ત, દાહક લખો છો લાઠા, તે શું સુખદ મધુર કંઈ છે જ નહીં? કોઈ પ્રશ્ન પૂછે છે ભીતરમાં – અને ભીતરમાં જ શિયાળાની સ્પર્શમધુર સવારે ઓટલા ઉપર ઊભેલા બાળકને જોઉં છું. આ ત્વચાના કોષેકોષ પર હેમંત-શિશિરના મધુર તડકાની સ્મૃતિઓ સચવાયેલી છે. સુખોષ્ણ તડકો, કવોષ્ણ તડકો કેવો હૂંફાળો લાગતો! પચીસ-ત્રીસ વર્ષ પહેલાં ચેખોવની વાર્તાઓ વાંચી ત્યારે આવી જ હૂંફનો અનુભવ થયેલો. ચેખોવ પર ચાર પંક્તિની કવિતા પણ લખેલી, જેમાં ચેખોવ વાર્તાઓરૂપી જે તડકો વેરી ગયા છે તે મને ગમે છે. હેમંતની સવારે ધ્રૂજતા બાળકની ત્વચાને ગમે તેમ, એવો ભાવ એ નાની કૃતિમાં હતો.

ચેખોવની સ્મૃતિ થતાં મને તરત સત્યજિતનું સ્મરણ થાય છે. ઘણાં કારણો હશે. બંનેમાં જે હાસ્ય (હ્યુમર) છે તે મને સમાન લાગે છે. ‘શતરંજ કે ખિલાડી’માં એકધારો હાસ્યનો પ્રવાહ છે. ચેખોવમાં હાસ્ય છે તેવું કરુણાથી અભિન્ન એવું હાસ્ય સત્યજિતનાં ચલચિત્રોમાં પણ મેં અનુભવ્યું છે. હાસ્ય અને કરુણ એક છે, ઇનસેપરેબલ છે, તેવો અનુભવ વર્ષો પહેલાં જોયેલી એક ફિલ્મમાં થયો હતો. આવા અનુભવો ઘણી નાટ્યકૃતિઓમાં, ચલચિત્રોમાં થયા છે; પણ આ ખાસ ફિલ્મ યાદ આવી છે તડકાને કારણે. કડકડતી ઠંડીના દિવસોમાં ઇટાલીના નગર મિલાનમાં સૂર્ય તો વાદળોમાં ક્યાંય ઢંકાઈ ગયો હોય. ઝૂંપડપટ્ટીમાં વસતાં હજારો દરિદ્રો થથરતાં હોય. એમની ઝૂંપડપટ્ટીના મેદાનમાં ઉપર વાદળોમાં ક્યાંક જરાક ગાબડું પડે તો થોડો તડકો ક્યાંક ઢોળાય. આ ઝૂંપડાવાસીઓ દોડીને એ ઢોળાતા તડકા નીચે ઊભા રહે, ધ્રૂજતા. વળી ગાબડું પુરાઈ જાય. ક્યાંક બીજે ગાબડું પડતાં દૂર થોડો તડકો ઢળી જાય. થથરતો–ધ્રૂજતો સમુદાય દોટ મૂકીને ઉપરથી પડતા તડકાના ફુવારા નીચે ઊભો રહે. એવું ચાલ્યા કરે. વિટ્ટોરિયો દ સિકાની ૧૯૫૧માં ઊતરેલી એ ફિલ્મનું નામ : મિરેકલ ઇન મિલાન.

ચેખોવ અને સત્યજિતની તુલના મનમાં ચાલી રહી છે. ‘પથેર પાંચાલી’માં દરિદ્ર બ્રાહ્મણકુટુંબ ગામડાનું ઘર બંધ કરીને ઉચાળા ભરે છે, બનારસ જાય છે. ફિલ્મના અંતે સત્યજિતે એ ખાલી પડેલા ઘરમાં એક સાપને પ્રવેશતો બતાવ્યો છે. જ્યાં સાપ વસતો હોય ત્યાં જમીનમાં ધન દટાયેલું હોવાની લોકમાન્યતા છે. ‘પથેર પાંચાલી’ના આ અંતિમ દૃશ્યની સાથે મને ચેખોવની એક વાર્તા યાદ આવી જાય છે. કોઈ ખંડેર જેવા મકાનમાં વર્ષોથી દરિદ્ર કુટુંબ વસે છે. ભૂખથી ઘસાઈને ક્ષીણ થઈ ગયેલા કુટુંબને આ જગ્યા છોડવી પડે છે. આ જગ્યા ખરીદીને નવું મકાન કોઈ ધનપતિ બાંધે છે. મકાન પાડીને પાયા ખોદાય છે ત્યારે જમીનમાંથી ધનથી ભરેલા ચરુ નીકળે છે. દટાયેલી આ સંપત્તિ ઉપર જ દરિદ્રોએ અધભૂખ્યું જીવન પસાર કર્યું હતું. આ ટિપિકલ ચેખોવિયન જક્સ્ટાપોઝિશન છે.

ઈશુની આંખ જેવા સૂર્યને પોષની શીતલ સવારે. મેક-અપના લપેડાવાળી કોઈ પ્રૉસ્ટિટ્યૂટના ચહેરાને સ્પર્શતો જોયો છે અને ગંગાતટે પાણી ભરવા જનારી કન્યાના ઘડા પર સાંજના થાકેલા સૂર્યને બેઠેલો પણ જોયો છે. ઇ. ઇ. કમિંગ્ઝે ‘અનસિવિલાઇઝ્ડ’ (અસંસ્કૃત) કહ્યો છે, સૂર્યને – જે સદ્ અને અસદ્ પર સમાનતાથી પ્રકાશે છે. આ અમેરિકન કવિએ સૂર્ય માટે કહ્યું છે : ‘હી ઇઝ ઍન આર્ટિસ્ટ’ સૂર્યને સદ્-અસદ્‌નો કોઈ ભેદ નથી. કળાકારને પણ આવો કોઈ ભેદ નથી. ‘પથેર પાંચાલી’માં દુર્ગા ફળ ચોરી લાવીને બ્યાશી વર્ષનાં ઘરડાં ફોઈ ઇન્દિરાને આપે છે ત્યારે એ વૃદ્ધાની આંખોમાં શિશુસહજ અદ્ભુત ચમક સત્યજિતે બતાવી છે. ઈશુની આંખ જેવા સૂર્યની ચમક સહુ ઉત્તમ કલાકારોની દૃષ્ટિમાં અનુભવાય છે.

બેઠો છું તો ઘરમાં પલંગ પર; પણ હેમંત-શિશિરના તડકામાં નહાતાં કાંચનારનાં ફૂલો દેખાય છે મનોચક્ષુ સમક્ષ આ ક્ષણે, તો તરત બીજી ક્ષણે પ્રિયકાંત મણિયારની પંક્તિઓ સાંભળે છે કાન.

શ્રાવણની સાંજનો તડકો ઢોળાયો મારા ચોકમાં.

 ચોકમાં ઢોળાયેલો આ તડકો કેવો લાગે છે?

જાણે તેમનો સોહાયો હાર ગવરી તે ગાયની ડોકમાં.

ગવરી ગાયની ડોકમાં શોભતા સુવર્ણના હાર જેવો તડકો જોઉં – ન જોઉં ત્યાં ‘શાકુંતલ’ના ચોથા અંકમાંના શિષ્યની આંખે પ્રાતઃકાલના સૂર્યને બોરડી પરના ઝાકળના ટીપામાં જોઈ રહું છું. પ્રાતઃકાલના સૂર્યપ્રકાશથી બોરડી પરના તુષારકણ રંજિત (રક્તિમ) થયા છે તેને શિષ્ય વર્ણવે છે. કેવડાનાં વન તો જોયાં નથી, પણ કિશોરવયથી કેવડાની ફણસ પર વાયેલાં વ્હાણલાં(સવાર)ની ચાક્ષુષ કલ્પના કરતો આવ્યો છું.

સૂરજ ઊગ્યો કેવડિયાની ફણસે કે વ્હાણલાં ભલાં વાયાં…

ઝાલાવાડની ધરતી પર ભરબપોરે વગડામાં સૂર્યસ્નાન કરતાં અસંખ્ય પીળાં ફૂલો જોયાં છે આવળનાં અને –

પણ અટકું. તડકાના સૂત્રમાં પરોવાયેલી સ્મૃતિઓ વિશે લખવા બેસીશ તો અંત જ નહીં આવે.