ગુજરાતી પ્રવાસસાહિત્ય સંપદા/માન સરોવર

૩૯
અરુણા ચોકસી

માનસરોવર

—ચોમેર કૈલાસ અને ગુરલા-માંધાતાની ઉત્તુંગ ગિરિમાળાઓની વચ્ચે હિલોળાતું આ વિશાળ સરોવર દરિયાની સપાટીથી લગભગ ૧૫,૫૦૦ ફૂટની ઊંચાઈએ આવેલું છે. આટલી ઊંચાઈ પર પ્રકૃતિએ જે સુંદર સરોવર રચ્યાં છે તેમાં માનસરોવર શિરમોર છે. એનું પાવન દર્શન મનમાં પવિત્રતાનો ભાવ જગાવે છે. એનું નિત્યંત નિર્મળ સૌંદર્ય આંખોનીય પાર કશાને સ્પર્શે છે. એના દર્શનમાત્રથી જ મનમાંથી મિલનતાની ભાવ સરી પડે છે. આખુંય સરોવર નીલભૂરા રંગની વિધવિધ રંગછટાઓથી નીલકમલની જેમ જ્યારે ખીલી ઊઠે છે તે નિહાળીને પ્રાણ પોકારી ઊઠે છે ‘ચલો રે મનવા માનસરોવર.’ મનના હંસલાને માનસરોવરનું એક શાશ્વત ખેંચાણ રહ્યું છે. એની લયબદ્ધ લહેરોનું ચુંબકીય આકર્ષણ મનને ખેંચી રાખે છે, જકડી રાખે છે, બાંધી રાખે છે. માનસનું સ્મરણ મનમાં જાગે ને બસ મનનો હંસલો માનસરોવરની દિશામાં પાંખો વીંઝવા માંડે.— આખોય દિવસ મુસાફરીનો હોઈ, સવારે મેગીનો ઇન્સ્ટન્ટ નાસ્તો કરી નીકળીશું તેમ વિચારેલું. પણ સમય રહ્યો નહિ, બીજીંગ સમય પ્રમાણે ઘોડાવાળા સવારે ૭ વાગ્યે આવી ગયેલા એટલે માત્ર ચા પી નીકળવા તૈયાર થયાં. ઘોડાથી આખું ફળિયું ભરાઈ ગયેલું. ઘોડાના દીદાર તદ્દન કંગાળ, સાવ મરિયલ જેવા ઘોડા. ઘોડાવાળા પણ તેવા જ. નીચા ને કઠોર ચહેરાવાળા. અમારી આગળની ટુકડી માનસ-પરિક્રમા કરવા ગયેલી તેમને આ ઘોડા તથા ઘોડાવાળાનો બહુ કડવો અનુભવ થયેલો. એટલે ભાગ્યમ્મા, સુરેખા, તપન બધાંએ ઘોડા પર બહુ સતર્કતાપૂર્વક બેસવાની પહેલેથી જ સૂચના આપી દીધી હતી. બધાંએ પોતપોતાનો ઘોડો પસંદ કરી લીધો. ઘોડા પરના અસબાબનાં પણ કંઈ ઠેકાણાં નહિ. ઘોડા પર જીન કસીને બાંધેલાં જ નહિ. કેટલાક ઘોડા પર બેસવાનાં જીન એટલાં સાંકડાં કે એક તંદુરસ્ત માણસ તેમાં સમાય જ નહિ. ઘોડાના જીનનો હાથો કે દાંડો પકડી રાખીને બેસાય તેવું પણ કશું નહિ. પેડલ પણ એટલાં અધ્ધર કે ઘોડા પર બેસીએ ત્યારે પગ અધૂકડા રહે. લાંબા માણસને તો ઓર તકલીફ. ટૂંકમાં બધી જ સામગ્રી એવી કે ગમે તે પળે ઘોડા પરથી નીચે પડાય. ઘોડો ચાલે ત્યારે અમારે તેની લગામ પકડી રાખવાની. પણ એવાં તો અમે ઘોડેસવારીનાં કયા જાણકાર હતાં તે લગામ પકડીને ઘોડો કાબૂમાં રાખીએ! મોટા ભાગના યાત્રીઓને માટે આટલા લાંબા સમય સુધી ઘોડા પર બેસી રહેવાનો આ પ્રથમ જ પ્રસંગ હતો. પંદરેક ઘોડાની વચ્ચે બે માણસો હતા. લુનાનીજીએ એક માણસ અલગ લીધો. એક માણસ લીલાબેનનો ઘોડો દોરીને ચાલે તે માટે અલગ લીધો. બાકીના ઘોડા ને ઘોડેસવાર અલ્લા આશરે. ઘોડાવાળા છેક પાછળ ટોળટપ્પાં કરતાં ચાલ્યા આવે ને ઘોડા એની મેળે રસ્તે રસ્તે ચાલ્યા કરે. સુરેને એક ઘોડો લીધો. ન ફાવ્યો. બીજો લીધો. પણ તેમાંય સરખાઈ ન આવી. હવે તો ચલાવી લીધા વગર છૂટકો જ ન’તો. મેં ઘોડાને જરા વહાલ કર્યું. પીઠ પસવારી, કેશવાળી પંપાળી. સાચવજે બાપલા! તારે આશરે છીએ. ને જિન્દગીમાં પહેલી વાર ઘોડાની લગામ હાથમાં પકડી. એક વિયાવેલી ઘોડી પણ સાથે હતી. એના પર સામાન બાંધેલો. સાથે એનો વછેરો. નાનકડો વછેરો એની આસપાસ કૂદે, દોડે, ગેલ કરે ને કંઈ કંઈ નખરાં કરે. એમ કરતાં કરતાં બધાં ઘોડા પર ગોઠવાયાં ને આખુંય હાલરું વહેતું થયું. માનસ-પરિક્રમાનો ૪૦ કિ. લાંબો આજનો રસ્તો લગભગ મેદાનમાંથી જ પસાર થાય છે. ઊંચાનીચા પર્વતોની ઝાઝી ચઢઊતર આજે કરવાની ન હતી, વાતાવરણ વાદળછાયું હતું. આજે વાદળોએ રાખોડી વાઘા ધારણ કર્યાં હતા. આખો ઘટાટોપ ઘેરાયેલો હતો. વરસાદનાં આછોઆછાં છાંટણાં છંટાવા માંડ્યાં હતાં તે ક્યારે મુશળધાર ઝડીઓમાં ફેરવાઈ જાય તેની કંઈ ખબરેય ન પડે, એટલે પહેલેથી જ રેઈનકોટ પહેરી લીધેલો. ઇનર્સ, તેના પર જીન્સનું પેન્ટ ને તેના પર રેઈનકોટનું પેન્ટ, પગમાં ત્રણ જોડી મોજાંને તેના પર બૂટ. ઉપરાઉપરી શર્ટ, સ્વેટર, વીન્ડચીટર ને સૌથી ઉપર રેઈનકોટનો બુશશર્ટ. રેઈનકોટ જોડીવાળો હતો એટલે ઘોડા પર બેસવામાં અનુકૂળતા રહે. આ બધાથી લદાઈને ઘોડા પર ચઢવું બહુ તકલીફભર્યું લાગે. વજનને લીધે પગ ઊંચકીને ઘોડાની પેલી તરફ મુકાય જ નહિ, ઘોડાવાળાએ ઉપર ચઢવામાં મદદ કરી ત્યારે માંડ ચઢાયું. માથે વીન્ડચીટરની કેપ, તેના પર જાડી ફરવાળી કેપ ને તેના પર રેઈનકોટની કેપ. આ બધાને લીધે ગરદન જકડાઈ ગયેલી. બંને તરફ માંડ ૪૫ અંશથી વધુ પાછળ ફરી શકે જ નહિ. તેથી પાછળ ફરવું હોય તો આખેઆખું પાછળ ફરવું છે, માનસની થોડીઘણી પરિક્રમા તો બસમાં જ થઈ ગયેલી. શરૂઆતનો થોડો રસ્તો માનસથી ખસીને થોડો અંદરથી જતો હતો. ઘોડા પર થોડું આગળ વધ્યાં ને ઘોડાનાં નખરાં શરૂ થયાં. બસ અકારણ ચાર પગે ખોડાઈ જાય. ઘોડાવાળા ‘ત્છો ત્છો’નો ફુત્કારતો અવાજ કરે ત્યારે બે ડગલાં આગળ ચાલે. તેવામાં રેતીવાળી જમીન આવી. થોડાંઘણાં ઝાંખરાં ઊગેલાં. રેતીમાં ત્રણેક જણ ગબડ્યા, સારે નસીબે ઘોડા ટોળામાં હોઈ દોડવાને બદલે ઊભા રહી ગયેલા એટલે ખાસ વાગ્યું-કર્યું નહિ. અચાનક મારાથી માંડ ચારેક ફૂટ આગળ ચાલતા જગદીશ્વરરાવ ઘોડાના જમણા પડખેથી ધબ્બ લઈને રેતીમાં પડ્યા. પણ પડ્યા ભેગા ઊભા થઈ જઈ રેત ખંખેરી ફરી પાછા ઘોડે ચઢ્યા. નીચે રેતી હોવાથી બચી ગયા. આજનો રસ્તો લાંબો હોઈ બધા યાત્રીઓ ઘોડા પર જ હતા. વળી રેતીને લીધે ચાલવામાં ઝડપ પણ આવી શકે નહિ. યાત્રીઓ અવારનવાર નીચે ઊતરી જઈ ચાલતા આગળ જવાનું પસંદ કરતા હતા. પાછળના પર્વત પરથી ઊતરીને માનસરોવર તરફ વહી જતી એક નાનકડી નદી આવી. ઘોડાવાળાઓ ઘોડાની સાથે જ પાણીમાં પડ્યા. પાણી ખાસ ઊંડાં ન’તાં. ઘોડાને હાંકી, ખેંચી, પકડીને બહાર કાઢ્યા. આ લોકોને ઠંડી લાગતી જ નહિ હોય? પગમાં ખાલી. કેનવાસના બૂટ જ. શરીરે લાંબા એવા. નદી પાર કર્યા બાદ મેદાન આવ્યું ને સાથે સાથે માનસરોવરનો કિનારો પણ આવી ગયો. સરોવરમાંથી કાંઠે વહી આવતી લહેરો કિનારાને ફક્ત ભીંજવ્યા જ કરતી હતી. અમે ઘોડા પરથી ઊતરી ગયાં. કિનારે-કિનારે ચાલવાનું શરૂ કર્યું. રેતીને લીધે પગ ખૂંપી જતા હતા, તેથી ચાલવામાં શ્રમ વધુ પડતો હતો ને થાક પણ ઘણો લાગતો હતો. બેબે ત્રણત્રણનાં ઝૂમખાંમાં યાત્રીઓ આગળપાછળ ચાલતા હતા. ઘોડા તથા ઘોડાવાનો અમારી પાછળ પાછળ ચાલતા હતા. સવારનું શાંત રમ્ય વાતાવરણ. ધીરે ધીરે વહી આવતી લહેરો. પવન પણ આછોઆછો. અચાનક પાછળથી હો હા થઈ ગઈ ને શાંતરસની દુનિયા ડખોળાઈ ગઈ. નાનો વછેરો એકદમ ગેલમાં આવી ગયેલો તે દોડીને થોડો આગળ નીકળી ગયો. એને નજર સામે ને સામે રાખતી એની મા વછેરાને ન જોતાં બાવરી થઈ ગઈ. પીઠ પર બાંધેલા સામાનની પરવા કર્યા વગર વછેરાની પાછળ દોડી. આ દોડમાં તેનું સખીવૃંદ ને મિત્રવૃંદ પણ જોડાયાં. ને માનસરોવરના લાંબા કાંઠે ઘોડાની ફ્રી સ્ટાઈલની રેસનું એક દિલધડક દૃશ્ય સર્જાયું. ઘોડાઓ વાંકાચૂકા આડાઅવળા ગોળગોળ દોડવા લાગ્યા. અમારો સામાન ખૂલીખૂલીને નીચે પડવા લાગ્યો. રાશનના ડબ્બા ખૂલી ગયા. ઢાંકણાં એક બાજુ અને ખુલ્લા ડબ્બા બીજી બાજુએ. ઝોળા, થેલા, કોથળા બધું જ સાવ વેરણછેરણ. આખાય મેદાનમાં સામાન વેરાઈ ગયો. અમે બધાં તરીને એક બાજુ ઊભાં રહ્યાં ને આ આખોય તાલ જોતાં રહ્યાં. ઘોડાવાળાઓ દોડ્યા. ડચકારા કરીકરીને ઘોડાઓને શાંત પાડ્યા. બધુંય રાવણું ભેગું થયું એટલે આખાય મેદાનમાં વિખરાયેલો સામાન વીણી લાવ્યા. નવેસરથી ઘોડા પર બાંધ્યો. રાશનના ડબ્બા એવા તો ચિબાઈ ગયેલા કે ઢાંકણ બેસે જ નહિ. ડબ્બા ખુલ્લા ને ખુલ્લા જ બાંધી દીધા. ફરી પાછાં ઘોડા પર બેઠાં. કાંઠે કાંઠે ચાલ્યાં. હજી વાદળ ખૂલ્યાં ન હતાં. એક ગોમ્પા આવ્યું. નવેસરથી તેનું બાંધકામ થઈ રહ્યું હતું, યુવાન છોકરા-છોકરીઓ જાતે જ કામ કરતાં હતાં. બધાં ઘોડા ઉપરથી ઊતરી ગયાં. અહીં નાસ્તો કરી લઈ આગળ વધવું એમ નક્કી કર્યું. અમે ૧૩ પરિક્રમાયાત્રીઓ હતાં. બાકીના ત્રણ જણા સૈદિ રોકાયા હતા. આગલી રાતે અમારામાંના અડધા જણને (છ જણને) નાસ્તાના બે પેકેટ આપી સચદેવજીએ જણાવેલું કે આ આવતી કાલનું લંચ છે. સૌએ વહેંચીને લેવાનું છે. અમે છ-સાત જણે અમારાં લંચ પેકેટ કાઢી બહાર પાળી પર ઊભાં ઊભાં જ ખાવાનું શરૂ કર્યું. અન્ય યાત્રીઓમાંથી અમુક જણ અંદરના રૂમમાં નાસ્તો કરવા ગયા. બે યાત્રીઓ અમારાથી થોડે દૂર ઊભા રહેલા. અમારી તો તે તરફ પીઠ હતી એટલે તે બાબત કશો ખ્યાલ જ નહિ, પણ સચદેવજીને તરત જ ખ્યાલ આવી ગયેલો. તેમણે તે બંને જણને અમારી પાસે બોલાવ્યા. અમારી પાસેનો નાસ્તો તેમને આપ્યો. સચદેવજીએ તપાસ કરી તો ખબર પડી કે લંચ માટેનાં જે પેકેટ આપેલાં તે તો તેમના સામાન સાથે પેક થઈ ગયા હતા. બહાર ઝોળામાં એમનો પોતાનો નાસ્તો હતો તે અંદરના રૂમમાં જઈ સૌ ખાતા હતા. આ બે માણસો પણ આપણામાંના જ છે, તેમને માણસાઈ ખાતર પણ ધરવું જોઈએ, એ વિવેક પણ ચુકાઈ ગયો. સચદેવજી કશું બોલ્યા નહિ, પણ તેમને પુષ્કળ માઠું લાગ્યું. વાતાવરણ ભારે થઈ ગયું. પછી તો અંદરથી યાત્રીઓ બહાર આવ્યા. એમનો નાસ્તો બધાંને ઓફર કર્યો. પણ મનમાં ખટકો રહી ગયો. આમ જુઓ તો વાત કેટલી નાની શી! આપણું આગવું હોય તો તે પણ આવા સ્થળે, આવા સમયે તો વહેંચીને જ લેવું જોઈએ એટલી જ વાત. તેર જણ સાથે હોય તો પ્રત્યેકે એકબીજાનો ખ્યાલ રાખવો ઘટે. આપણો સાથી ભૂખ્યો હોય ને તેની નજર સામે આપણા મોંમાં કોળિયો જઈ જ કેવી રીતે શકે! બસ, પોતાનો ને માત્ર પોતાનો જ ખ્યાલ રાખવાનો! આટલી સુંદર જગ્યાએ આટલું અમસ્તું પણ ઊંચે ન ઉઠાય! પ્રસાદ સચદેવજીના મનની લાગણી સમજી ગયેલા. તેણે પેલા બે યાત્રીઓને અમારી પાસે જે કંઈ નાસ્તો હતો. તેમાંથી આપ્યો. બહુ સરળ માણસો, પોતાની સાથે કશું જ લાવેલા નહિ. કોઈ ન આપે તો ન માગે. ખાવાની બાબતમાં મનની સંકુચિતતા વારંવાર તરી આવી છે. આટલી બધી વાત વધી ગયેલી પણ મને તો તેની કશીય ખબર નહિ. બધું મૌન સંવાદ અને ચેષ્ટાથી થયેલું. કોઈ કશું બોલેલું નહિ. પણ મનમાં સૌ સમજી ગયેલાં. નાસ્તો કરી, ફરી ઘોડા પર બેસીને આગળ ચાલ્યાં. રસ્તો તો સાવ પાણીને અડોઅડ, મોઢું લંબાવીને પાણી પી શકે એટલે દૂર ઘોડો ચાલે. ગોમ્પાથી થોડે દૂર આવીને ઘોડાવાળા રોકાઈ ગયા. અમે પણ આડીઅવળી જ્યાં જગા મળી ત્યાં બેસી ગયાં. એમના બપોરના ભોજનનો સમય થયો હતો. એમની પાસે ગઈ કાલે હોરાના સમૂહ રસોડેથી લાવેલા તેવી રોટલીઓ હતી. અમારામાંના એક યાત્રીએ માંગીને તેમની પાસેથી રોટલીનો એક ટુકડો લીધો. ભૂખ કેટલી પ્રબળ! માણસની માણસાઈ પણ ભુલાવી દે! એટલા ગંદા લોકો, નહાયા-ધોયા વગરના, નર્યા ગંધાતા. નખમાં ઢગલી મેલ ભરેલા. એમના ગંદા હાથનું, એનાથી ગંદા ઝોળામાં ઘાલેલું ખાવાનું શેં ખાધું જાય! ભૂખ રે ભૂખ! શી દશા કરે છે તું માણસની! કેટલે નીચે ઉતારી પાડે છે તું એને! ઘોડાવાળા જમી પરવાર્યા. બીડીઓ ફૂંકી લીધી ને પછી આગળ નીકળ્યા. માનસરોવર એક અનંત સમુદ્રમાં ફેરવાઈ ગયું હતું. સામે કિનારો પણ ન દેખાય તેટલો વિશાળ જળરાશિ. સૌપ્રથમ માનસરોવરનાં દર્શન કર્યાં ત્યારે તો ચોમેર પર્વતમાળાથી અંકાયેલ ગોળ સરોવર લાગેલું, પણ આ તો માનસરોવરની કૂખેથી અંદરની તરફ એક બીજું વિશાળ સમંદર જેવું સરોવર ફૂટ્યું છે, વાદળ, પાણી, ક્ષિતિજ બધું એકાકાર લાગે છે. અમે તો માનેલું કે જે દેખાતું હતું તેટલા સરોવરની પરિક્રમા કરવાની હશે. પણ હજુ તો આવા કેટલાય વળાંકો આવશે! પરિક્રમાના રસ્તે નાનીમોટી ચાર નદીઓ ઓળંગવાની આવે છે. સામે એક નદી આવી. પાણી બહુ ઊંડાં નહિ, પણ વેગ ઘણો. તેની ઉપર પીપ તથા લાકડાના ટુકડા જડીને પુલ બનાવેલો. ટુકડા થોડે થોડે અંતરે જડેલા એટલે પગ જાળવી જાળવીને મૂકવો પડે. બધાએે સાચવીને પુલ વટાવ્યો. પ્રસાદને કેલીપર્સ સાથે ચાલવામાં થોડી તકલીફ પડી પણ એને સચદેવજીએ જાળવીને પુલ પાર કરાવડાવ્યો. ઘોડા પાણીના વહેણમાં તરીને ત્રાંસમાં કાંઠે નીકળ્યા. પુલ વટાવીને નાકે જ ઘોડાવાળાએ ફરી પડાવ નાખ્યો. થોડી વાર તો અમે રાહ જોતાં ઊભાં રહ્યાં, પણ એમના ઊઠવાનાં ચિહ્નો લાગ્યાં નહિ. એટલે બેઠાં કરતાં થોડું ચાલવું સારું એમ માનીને આગળ ચાલવા માંડ્યું. સચદેવજી ગુમસૂમ ને ચૂપ. એમનો ચહેરો તમતમી ગયેલો. મને કશી વાતની ખબર નહિ. મેં એમને કેડબરી આપી, ના લીધી. કહે : મૂડ બરાબર નથી. પ્રસાદને પૂછ્યું ત્યારે બધી ખબર પડી. પ્રસાદે પેલા એકલપંડા યાત્રીઓને પણ કહેલું કે તેમણે બરાબર નથી કર્યું. તેમણે બધાએ સચદેવજી સમક્ષ અફસોસ વ્યક્ત કર્યો. સચદેવજી કહે : હું બધાંને ભેગાં કરવા મથું છું, પણ સૌ પોતાની પ્રાંતીય મર્યાદાના કવચમાંથી બહાર જ આવતાં નથી. ગુજરાતી, ઉત્તર ભારતીય, દક્ષિણ ભારતીય આ બધા વાડા અહીં ન રાખો તે માટે હું કેટલો પ્રયત્ન કરું છું પણ તમે એમાંથી બહાર જ આવતાં નથી. સચદેવજીએ ઘણો આક્રોશ વ્યક્ત કર્યો. એમની વાત સૌ ચૂપચાપ સાંભળી રહ્યાં. અહીં એક મીની ભારત ધબકતું હતું. આટલી મર્યાદિત સંખ્યામાં હોવા છતાંય આપણે જો પ્રાંત ને ભાષાનાં વળગણ છોડી એક બીજામાં રસ ન લઈએ તો આવડા મોટા ને ભાતીગળ પોત ધરાવતા દેશમાં પરસ્પર એકતાનું વાતાવરણ ક્યાંથી પેદા થઈ શકે! જોકે આટલી સંકુચિતતા વચ્ચે પણ સંબંધનાં કેટલાંય ફૂલ ખીલ્યા છે. કેટલાય દિવસોથી સાથે ને સાથે જ રહેતાં રહેતાં કેટલાય સહયાત્રીઓ સાથે મનના તાર ગૂંથાઈ ગયા છે. કેટલીય ખટમધુરી યાદો ભેગી થઈ છે. ઘોડાવાળા આવ્યા. ફરી પાછો એ જ યાત્રાક્રમ શરૂ થયો. નજર ફરી ફરીને ભૂરાંભૂરાં જળ પર જ ઠરે છે. પાણીનો મોરપિચ્છ જેવો રંગ તો જાણે ક્યાંય જોયો નથી. લહેરોને કારણે રંગની આછીઘેરી છાયા ઊપસતી હતી. આખુંય સરોવર નીલભૂરા રંગની વિવિધ ઝાંયની એક સુંદર પેચવર્ક કરેલી કલાકૃતિ સમું લાગતું હતું. ક્યાંક ક્યાંક પક્ષીઓ પણ લહેરોમાં તરતાં દેખાતાં હતાં. પણ માનસરોવર એ નામોચ્ચાર સાથે સાચા મોતીનો ચારો ચરનાર શ્વેત રાજહંસો માનસપટ પર તરી આવે તે ક્યાંય ન ભાળ્યા. માનસરોવરથી હંસ જુદા ન જ પાડી શકાય. થોડાં વર્ષો પહેલાં આ સરોવરમાં પુષ્કળ શ્વેત હંસ હતા. સ્વામીશ્રી પ્રણવાનંદજીએ તેમની માનસપરિક્રમા દરમ્યાન પુષ્કળ હંસ જોવાનું તેમના પુસ્તકમાં જણાવ્યું છે. હંસનો ફોટો પણ છાપ્યો છે. આ રાજવંશી જળવાસીઓ આ ક્ષુધાર્ત પ્રજાનો ખોરાક બની નામશેષ થઈ ગયા છે. અત્યારે આછા-પાતળાં દેખાતાં પંખીઓ ક્યાં સુધી બચી શકશે તે પણ ઉપરવાળો જાણે. ઘોડાવાળા વળી પાછા રોકાઈ ગયા. અમે પણ સરોવરની સહેજ ઉપરના ભાગે આવેલા મેદાનમાં બેઠાં. અચાનક ફૂલોની એક અદ્ભુુત સૃષ્ટિ પ્રગટ થઈ. દૂર દૂર સુધી લીલાછમ ઘાસમાં ખીલેલાં જાંબુડી ઘાટદાર પુષ્પોથી આખુંય મેદાન છવાઈ ગયેલું. કોને માટે સજાવી હશે પ્રકૃતિએ આ પુષ્પશય્યા! જાંબલી ફૂલોની જાજમ ને વચ્ચે વચ્ચે પીળા તથા સફેદ બુટ્ટા. તે પણ ફૂલના જ. પગ મૂકીને ચાલવાની જગ્યા પણ બાકી નહિ. ફૂલ પર પગ મૂકીને ચાલવું પડે એ દિલને કેટલું ચચરે! ફૂલ આઘાંપાછાં કરીકરીને ચાલ્યાં. છૂટાછૂટા ઊગેલા થોડા મોટા છોડ આવ્યા. રસ્તો કે કેડી જેવું કશું નહિ. જમણે હાથે નીચેની તરફ સરોવર હતું તેને નોંધીને ચાલ્યા કરવાનું. ઉપર ઊભાં રહીને દૂરદૂર સુધી સરોવર જોઈ શકાતું હતું. ઘોડાવાળા અમને પહોંચે નહિ ત્યાં સુધી અમે ઊભાં રહેતાં રહેતાં ચાલ્યાં કર્યું. ઉપરનો રસ્તો છોડી નીચે ઊતરી આવ્યાં. માનસરોવરનાં નીતર્યા નીલભૂરાં જળમાંથી ઊઠતી લહેરોની લયબદ્ધ સૂરાવલિ સ્પષ્ટ સાંભળી શકાય તેટલે નજીક અમે આવી ગયાં હતાં. ભૂરા રંગનો વિશાળ સમંદર અમારી આંખો સમક્ષ લહેરાઈ રહ્યો હતો. આખુંય સરોવર નીલા રંગની અવનવી છાયાઓથી રસાઈ ગયું હતું. થોડે થોડે અંતરે ભૂરા રંગની ઝાંય બદલાતી જતી હતી. કાંઠાનું પાણી અંદર રહેલાં ગોળાકાર શિવલિંગ જોઈ શકાય તેટલું પારદર્શક લાગતું હતું. એથી જરા આગળ આછા ભૂરા રંગનું ને જરા વધુ દૂર ભૂરો રંગ થોડો વધારે ઘેરો લાગતો હતો. આજે તો બસ આસમાની રંગ જ રેલાયે જવાનો હતો. જ્યાં જ્યાં નજર ફરે ત્યાં કંઈ જાતજાતના ભૂરા રંગના શેડ દેખાય. આ બધા જ રંગો એકબીજા સાથે એટલી સંવાદિતા સાધતા હતા કે આખુંય સરોવર એક પૂર્ણકળાએ ખીલેલા નીલકમલ જેવું લાગતું હતું. એકની પાછળ એક લયબદ્ધ વહી આવતી લહેરોની વચ્ચેથી ઊઠતાં જળબિંદુઓ પળવારમાં તો સૂર્યતેજને ઝીલી લઈ ભૂરા રંગનાં લહેરાતાં જળ ઉપર એક પ્રકાશપુંજ બનીને છવાઈ જતાં હતાં. જલના વણેલા નીલવસ્ત્ર ઉપર તેજભર્યા હીરલા ટાંક્યા હોય તેવું લાગતું હતું. કોઈ પણ બાળકનું મન તે લેવા લલચાય. અત્યારે મન પણ પ્રકૃતિને ખોળે નિર્બંધ ખેલતા બાળક જેવું હતું. પ્રકૃતિનું અનુપમ લાવણ્ય વિસ્મયની નજરે નિહાળતું. નજર સામે ફેલાયેલા ભવ્ય સૌંદર્યથી મુગ્ધ બની ગયેલું મન જળના તરંગો પર સવાર થઈ કેવું હિલોળે ચઢ્યું છે! આવા ભવ્ય માનસરોવરના સાવ સાંનિધ્યમાં હોવું એ જીવનનો પરમ લ્હાવો છે. હવે તો તે સાવ સ્પર્શી શકાય તેટલું નજીક આવી ગયું છે. તેના શીતળ જળનો સ્પર્શ કરવાનું કેટલું મન છે. તેને ખોબલામાં ઝીલી તેના દર્પણમાં આકાશની છબિ ઝીલી લેવાની પ્રબળ ઇચ્છા થઈ આવી છે. આજે તો આંખ, મન, હૃદય, પ્રાણ, અરે આખાય અસ્તિત્વને માનસરોવરના જળથી ભીંજવી દેવું છે. ચોમેર કૈલાસ અને ગુરલા-માંધાતાની ઉત્તુંગ ગિરિમાળાઓની વચ્ચે હિલોળાતું આ સરોવર દરિયાની સપાટીથી લગભગ ૧૫,૫૦૦ ફૂટની સપાટીએ આવેલું છે. આટલી ઊંચાઈ પર પ્રકૃતિએ જે સુંદર સરોવર રચ્યાં છે તેમાં માનસરોવર શિરમોર છે. એનું પાવન સૌંદર્ય મનમાં પવિત્રતાનો ભાવ જગાવે છે. એનું નિતાંત નિર્મળ સૌંદર્ય આંખોની પાર કશાને સ્પર્શે છે. એના દર્શનમાત્રથી જ મનમાંથી મલિનતાનો ભાવ સરી પડે છે. આખુંય સરોવર નીલભૂરા રંગની વિવિધ રંગછટાઓથી નીલકમલની જેમ જ્યારે ખીલી ઊઠે છે તે નિહાળીને પ્રાણ પોકારી ઊઠે છે : ચલો રે મનવા માનસરોવર. મનના હંસલાને માનસરોવરનું એક શાશ્વત ખેંચાણ રહ્યું છે. એની લયબદ્ધ લહેરોનું ચુંબકીય આકર્ષણ મનને ખેંચી રાખે છે. માનસનું સ્મરણ મનમાં જાગે ને મનનો હંસલો માનસરોવરની દિશામાં પાંખો વીંઝવા માંડે. માનસરોવર દિલ્હીથી લગભગ ૮૬૫ કિ.મી.ને અંતરે આવેલું છે. એક જમાનામાં તે તિબેટમાં હતું. અત્યારે તે ચીનમાં છે. જ્યારે સીમાઓ માણસના મન જેટલી સાંકડી ન હતી ત્યારે દુર્ગમ ને જોખમી માર્ગ હોવા છતાં શ્રદ્ધાળુઓ ને ભાવિકો કૈલાસ-માનસરોવરની યાત્રાએ જતા. માનસરોવર અને કૈલાસ એ તિબેટની સંસ્કૃતિનાં અભિન્ન અંગ ગણાતાં. પુરાણકાળમાં તો આ પ્રદેશ પણ વિશાળ આર્યાવર્તનો જ એક ભાગ ગણાતો. ત્યારે તિબેટ એ લિપિટક હતું. આપણા ધર્મગ્રંથોમાં આ પ્રદેશ વિશે કેટલુંય કહેવાયું છે. કુબેરની અલકાનગરી પણ આ સરોવરની આસપાસ જ વસેલી, વીતી ગયેલા સમયમાં આ ભૂમિ અત્યંત સમૃદ્ધિથી ભરેલી હશે. કોઈ ઉત્તમ દેવાંશી પ્રજા કદાચ અહીં વસતી હશે. કૈલાસ-માનસરોવર જવા માટેના લગભગ ચૌદેક જેટલા વિભિન્ન માર્ગો છે, જે પૈકી અલમોડાથી પારચૂલા ગમ્માંગ થઈ લીપુલ્લા ઓળંગીને તિબેટમાં જતો રસ્તો પ્રમાણમાં સરળ ને સુવિધાપૂર્ણ છે. આ જ માર્ગે યાત્રાપ્રવાસનું આયોજન થાય છે. લગભગ ૧૨ દિવસની કષ્ટપૂર્ણ યાત્રા બાદ માનસરોવરનાં દર્શન થાય છે. સમુદ્રતલથી લગભગ ૧૪,૯૫૦ ફૂટની ઊંચાઈએ આવેલ આ સરોવર પ્રકૃતિની બહુ નિરાંતવી કૃતિ છે. નીલભૂરાં પાણીથી છલોછલ ભરેલા આ વિશાળ સરોવરની ઉત્તરે કૈલાસની ભવ્ય રૂપેરી પર્વતમાળા તથા દક્ષિણે ગુરલા-માંધાતાની એટલી જ દમામદાર ને ઉન્નત પર્વતમાળા પથરાયેલી છે. પશ્ચિમે એના જ સહોદર સમું રાક્ષસતાલ આવેલું છે. આ સુંદર પરિવેશમાં આખુંય માનસરોવર પ્રકૃતિની કરાંગુલિમાં નીલમજડિત અંગૂઠી જેવું શોભે છે. નજર સામે ફેલાયેલા સરોવરનો આકાર ગોળ દેખાય છે, પણ અંદરથી તેનો ફેલાવ ઘણો જ હશે. સરોવરનો આકાર ‘નરકંકાલ’ જેવો છે. સરોવર દક્ષિણ દિશા કરતાં ઉત્તર દિશા તરફ વધુ ફેલાયેલું છે. ક્યારેક તેના કિનારાની ચારે તરફ ૮ જેટલાં બૌદ્ધમંદિર આવેલાં હતાં. તેનો ઘેરાવો લગભગ ૮૮ કિ.મી.નો છે. તેની વધુમાં વધુ ઊંડાઈ ૩૦૦ ફૂટની છે. લગભગ ૩૨૦ ચોરસ કિ.મી. જેટલો વિસ્તાર આવરી લેતા સરોવરની ભવ્યતાનું વર્ણન કલમ થકી કરવું મુશ્કેલ છે. અરે, તેની સંપૂર્ણ ભવ્યતા તો આંખ પણ પૂરેપૂરી પામી શકતી નથી. આંખ તો એની મર્યાદામાં જે અલપઝલપ નિહાળે છે તેને એકત્ર કરી એક સંપૂર્ણ કલ્પના મન ઉપસાવે છે. એક સરોવર હોવા છતાં તે વિશાળ સમુદ્રસમ દેખાય છે. લહેરો પણ સમુદ્રની જેમ ઊઠે છે ને કાંઠે ટકરાઈ ફીણ ફીણ થઈ જાય છે. કંઈ કેટલાય કાળથી આ લહેરો પ્રકૃતિની પ્રાપ્તિનું અનંત ગાન કરતી આવી હશે! ડિસેમ્બરથી મે માસના સમય દરમ્યાન આખુંય સરોવર થીજીને બરફના એક વિશાળ સમુદ્રમાં ફેરવાઈ જાય છે. બધે જ બરફનું સામ્રાજ્ય પ્રસરી જાય છે. કેટલું અનન્ય લાગતું હશે તે વખતે! વસંતનો સહેજ સ્પર્શ થતાં જ બરફ પીગળવા માંડે છે અને ફરીથી આખુંય સરોવર નીલભૂરા જળથી લહેરાઈ ઊઠે છે. એના કાંઠાનાં જળને સ્પર્શીને થતા ભવ્ય સૂર્યોદય અને સૂર્યાસ્ત એ કોઈ ભાવવિહ્વળ કવિની કે અલગારી કલાકારની અખૂટ પ્રેરણા બની શકે. પૂર્ણચંદ્રની ત્રિએ આ સરોવર ભૂરા આકાશના તારામઢ્યા ચંદરવા હેઠળ નીલોત્પલ શું ખીલતું હશે. ચંદ્ર ને લહેરોની ગોઠડી મંડાતી હશે. ચારે કોરનાં ચાંદી-શાં ચમકતાં શિખરોને છેડતો પવન કેવીય સ્વર્ગીય સ્વરાવલિ પ્રગટાવતો હશે! અમાવસની રાત્રે અંધકારનું શ્યામ વસ્ત્ર ઓઢીને સરોવરનાં જળ કેવાં જંપી જતાં હશે! બરફમઢ્યાં ગિરિશૃંગો શ્યામલ આકાશનો ટેકો લઈ ઝબૂકતા તારલા સાથે અતૂટ તારામૈત્રક રચતાં હશે. અંધકારની વિશેષ આભાથી આખીય સૃષ્ટિ રસાઈ જતી હશે. આવી જ હોઈ શકે શિવ અને પાર્વતીની આ વિહારભૂમિ! આ જ ભૂમિ મનને પણ એક માનસરોવરમાં પલટાવી શકે, ખરેખર તો એક માનસરોવર બીજા માનસરોવરની યાત્રાએ નીકળ્યું છે. જે જ્યાંથી આવ્યું છે તે ત્યાં જઈ રહ્યું છે. જે અંદર છે તે જ બહાર છે ને જે બહારનો વિસ્તાર છે તે જ અંદર સુધી વિસ્તર્યો છે. જે પરમ તત્ત્વ સર્વત્ર વિલસી રહ્યું છે તે અંતરબાહ્ય સમગ્રને સ્પર્શે છે. ઘડીભરનો માનસરોવરનો આ સહવાસ મનમાં કેટલું ચિંતન જગવે છે! સ્વામીશ્રી પ્રણવાનંદજીએ એક આખો શીતકાળ માનસરોવરના સાન્નિધ્યમાં ગાળેલો. આ અનુભવ તેમણે બહુ સુંદર રીતે વર્ણવ્યો છે. ૧૯૮૬ની ૨૮મી ડિસેમ્બરે આખુંય સરોવર થીજી ગયું, અને મેની ૭મીએ ફરીથી પીગળ્યું. સંપૂર્ણ થીજતાં ને પીગળતાં ૩ દિવસ થયેલા. રાક્ષસતાલ માનસરોવર કરતાં ૧૫થી ૨૦ દિવસ વહેલું થીજે છે ને તે જ પ્રમાણે વહેલું પીગળે છે. કાંઠાની શરૂઆતનો બરફ અર્ધપારદર્શક હતો. ને પછીનો બરફ પારદર્શક હતો. કાંઠા પર ઠરી ગયેલા બરફની જાડાઈ લગભગ બેથી છ ફૂટની હતી. માનસરોવરમાં બરફની વચ્ચે વચ્ચે મોટી તિરાડો ને દરારો રહી જાય છે, જ્યારે રાક્ષસતાલમાં બરફ સળંગ ઠરી જાય છે. માનસરોવરમાં સતત કડાકા ને ભડાકાના અવાજ આવતા જ રહે છે. મોટી મોટી બરફશિલાઓ કાંઠા પર ખડકાય છે. કદીક બરફ ફાટીને તેમાંથી પાણીનો ફુવારો ફૂટતાં એટલી જગ્યામાં પાણીનું નાનું ખાબોચિયું બની જાય છે. આ બધાં કારણોને લઈને થીજી ગયેલા માનસરોવર પરથી ચાલવાની હિંમત કોઈ કરતું નથી, જ્યારે થીજી ગયેલા રાક્ષસતાલ પરથી માણસો, ઘેટાં, યાક – સૌ આરામથી ચાલીને જઈ-આવી શકે છે. સ્વામીશ્રીએ માનસરોવરના જળમાં નૌકાવિહાર પણ કર્યો છે. કૈલાસ-માનસરોવર ક્ષેત્રમાંથી નીકળતી ચાર મોટી નદીઓનાં મૂળ શોધવાનો યશ પણ સ્વામીશ્રી પ્રણવાનંદજીને મળે છે. સ્વામીશ્રીએ માનસરોવરની નવ પરિક્રમા કરેલી છે, જે પૈકીની ૬ પરિક્રમા તો શીતકાળમાં કરેલી, જ્યારે માનસરોવર સંપૂર્ણ ઠરી ગયેલું હતું. સ્વામીશ્રીના મતે બહ્મપુત્રા, સતલજ સિંધુ અને કરનાલી આ ચારે મોટી નદીઓ માનસરોવર અને કૈલાસની આસપાસની પર્વતમાળામાંથી નીકળે છે. એક પણ નદી રાક્ષસતાલ કે માનસરોવરમાંથી નીકળતી નથી.

[ચલો રે મનવા માનસરોવર, ૧૯૮૯]