ગુજરાતી પ્રવાસસાહિત્ય સંપદા/રોમનું કોલોસિયમ

૧૯
ગુલાબદાસ બ્રોકર

રોમનું કોલોસિયમ


ક્યાં જઈ રહ્યો છું એની કશી ખબર નહોતી, પણ નિશાની રાખતો રાખતો આગળ ચાલ્યો જતો હતો. થોડે ગયો ત્યાં કશુંક વેરાન જેવું દેખાયું. મોટો એવો પટ હતો. ખંડિયેર જેવું ગેાળાકાર કશુંક દેખાતું હતું. ઉપરનો ભાગ વળી અર્ધગોળાકાર હતો. બધું જાૂનું જાૂનું. અત્યંત જાૂનું હોય તેવું લાગતું હતું. જાૂની નગરી હતી તે જાૂનું તો હોય જ ને એમાં ઘણું? કુતૂહલ થયું. અત્યંત નજીક પહોંચી ગયો. થોડો ઊંડો ખાડો હતો એમાં. એ પણ ગોળાકાર. જોતાં જ સ્મૃતિ સળવળી ઊઠી. આ... આ તો કોલોસિયમ નહિ હોય? તરત જ યાદ આવી ગયું. હું રહીશ ત્યાંથી કોલોસિયન તદ્દન પાસે હશે તેમ ભાઈ સુભાષ મઝુમદારે લખેલું. આ હોટેલમાં મારા માટે રહેવાની એમણે સગવડ કરી આપી હતી, ત્યારે. એ સમૃદ્ધ અને તરવરતા આધુનિક શહેરની વચ્ચે પડેલો પુરાણકાળનો આ ટુકડો હું જોઈ રહ્યો. લડનમાં બ્રિટિશ મ્યુઝીઅમ જોતાં થયો હતો તેવો જ અનુભવ થયો. એ ખાડો ઓચિંતો સંચારશીલ બની જતો લાગ્યો : માણસોથી, પશુઓથી, હાકોટાઓથી ઉંહકારાઓથી. પેલો અર્ધ ગોળાકાર ભાગ પણ શહેરીઓથી ભરાઈ ગયો હતો. ઉત્તેજના અનુભવતા અને બૂમોટા ગજાવતા શહેરીઓથી. વચ્ચે બેઠો હતો શહેનશાહ—માણસ કે પશુ જે કંઈ મરાય તેથી નિર્લિપ્ત રહીને એ મૃત્યુપર્વનો આનંદ અનુભવતો હતો.

કેવું હશે એ વખતનું આ રોમ? કેવી જાલિમ આનંદની ભાવના હશે આ સંહારલીલાને ક્રીડા ગણી ગણાવી તેને રૂપાળું નામ આપી તેમાંથી રસ માણનારા શહેનશાહો અને ઉમરાવ લોકોની? ને કેવો હશે પેલો નીરો? સહસા જ આજુબાજુ પથરાયેલા શહેર ઉપર નજર દોડી ગઈ. ચારે બાજુ જાણે ભડકા બળતા હતા. ને તેની વચ્ચેથી ફિડલનો સૂર બહાર આવવા મથી રહ્યો હતો. આનંદનો હતો એ સૂર? શરીરે કંપ અનુભવ્યો અને આંખો મીંચાઈ ગઈ. પળ પછી એ પાછી ઊઘડી ત્યારે પેલું સંગીત નહોતું સભળાતું, કે ભડકા નહોતા દેખાતા, કે માણસ કે પશુના ઊંહકારા કે હાકોટા પણ નહોતા સંભળાતા. બધુંય નિર્જીવ હતું, રવશૂન્ય હતું. સામે પથરાયેલો પડ્યો હતો એક ગોળાકાર ખાડો અને એને સમાવતી ખંડિયેરની દીવાલો. “આ છે કોલોસિયમ ત્યારે.” બબડ્યો, એક નિઃશ્વાસ નાખ્યો ને ત્યાંથી ચાલતો થયો.

ફરી પાછો વસ્તીવાળા ભાગમાં આવ્યો ત્યારે થોડે દૂર મોટો એવો ચોક દેખાતો હતો. પાછું કુતૂહલ સળવળ્યું. ત્યાં ગયો. ચોકની એક બાજુ એક વિશાળ અને દબદબાભર્યું સ્થાપત્ય દેખાતું હતું. જૂનું નહિ, નવું. પૂતળાંઓ પુષ્કળ હતાં. ઊંચા ઊંચા પગથિયાં, અને સિંહો પણ ખરા. પત્થરના જ, અલબત્ત. સામે વિશાળ ચોક. મુસોલિનીએ એ રચેલું, વટદાર લાગે, પણ નજર એવી ચોંટે નહિ. અંગ્રેજી જાણનાર કોઈ ઇટેલિયન મળી ગયો. એ વિશે પૂછતાં કહે : મોન્સ્ટ્રસ, બાર્બેરિક, ઇન-આર્ટિસ્ટિક. ભવ્ય હતું પણ રંજક નહોતું એટલું તો હું પણ સમજી શક્યો. પણ છતાં અંદર પૂરેપૂરું રખડ્યો. બહારના ચોકમાં મુસોલિનીને સાંભળવા એકઠી થતી મેદનીની કલ્પના કરી. સામેની ગેલેરીએ તેની સાક્ષી પૂરી. થાક્યો ત્યાં સુધી એ બધું જોયા કર્યું.

ખબર નહોતી પડી પણ રખડપટ્ટી ખૂબ થઈ હતી. થાક કેટલો લાગ્યો હતો એ તો નિવાસસ્થાન કેટલું બધું દૂર લાગતું હતું તેના ઉપરથી જાણવા મળ્યું. બસસ્ટેન્ડ ઉપર ઊભેલ તંદુરસ્ત જુવાનો અને જુવતીઓ મારી થાકેલી ચાલને જોતાં મર્માળું સ્મિત કરી રહ્યાં હતાં એવા ભ્રમનો પણ અનુભવ થયો. પણ તો યે, થાકેલો તો થાકેલો, પણ ચાલતો ચાલતો જ ઘેર પહોંચી ગયો તેનો આનંદ પણ થયો.

બીજે દિવસે સવારે એ આનંદ ઘણો વધી ગયો. જેમને જેમને પત્રો લખેલા તે બધાના જવાબો ટેલિફોન દ્વારા આવવા માંડ્યા. ડૉ. ટુચ્ચી બહારગામ ગયા હતા. ઑબ્રે મેનન જમવા બોલાવતા હતા. રામ ઓર્સિની મારી સગવડે મને મળવા આવવા તૈયાર હતા. ને લ્યુચીઆ તો તે રાતે જ મારે ત્યાં આવવા માટે સમય માગી રહી હતી. એકલા એકલા કરવાના પરિભ્રમણનો આમ અંત આવતો હતો. ડૉ. ટુચ્ચીને મળવાની શક્યતા ન હોવાથી થોડો રંજ થયો. ઑબ્રે મેનન સાથે ત્રીજે દિવસે જમવાનું નક્કી કરી લીધું. લ્યુચિયાને તો રાતે આવવાની હા પાડવાની હોય જ. ને રામ ઓર્સિની તૈયાર હોય તો હું તો સવિશેષ તૈયાર હતો. હમણાં જ ચાલ્યા આવે – ટૂરિંગ કોચમાંના પ્રવાસ માટે હું નીકળી જાઉં એ પહેલાં. પ્રો. આસુન્ટો એક જ બાકી રહ્યા હતા. પણ તેમનો પત્ર પણ હું બહાર નીકળું તે પહેલાં આવી ગયો. તેમની જોડે એક રાતનું ભોજન ગોઠવવાનું હતું. મને કશો વાંધો નહોતો. તરત ટેલિફોન કરી નક્કી કરી લીધું. ત્યાં જ ઓરડાની ઘંટડી રણકી. એક જુવાન માણસ દાખલ થયો. જેટલો દેખાવડો એટલો જ તેજસ્વી. મોઢા ઉપર તો સ્મિત છલકાયા કરે. “મિ. બ્રોકર?” કહી નમ્યો. હું પણ નમ્યો. પ્રશ્ન મારી આંખમાં જ હતો. “હું ઓર્સિની, રામ ઓર્સિની.” તે સરસ અંગ્રેજીમાં બોલ્યો. “ઓ હો,...રામ! આવો આવો.” પ્રેમપૂર્વક હાથ મિલાવ્યા. સિંધી હોય તો આ માણસ બહુ જ રૂપાળો હતો. ને સિંધી કે હિંદી ન હોય તો તો “રામ” શેનો હોય? ગૂંચવણથી હું તેની સામે જોઈ રહ્યો. તે હસ્યો. “ ‘રામ’થી મૂંઝાઓ છો, કેમ? પણ હું ઇટેલીઅન છું.”

“તો રામ ક્યાંથી બન્યા?” હું યે હસી પડ્યો.

“દોસ્તોએ બનાવ્યો. મુંબઈના દોસ્તોએ. હું ત્યાં ભણ્યો પણ છું. ન્યુ ઇરા સ્કૂલમાં. મારું નામ ચેઝારે છે. તમે અંગ્રેજીમાં જેને સીઝર કહોને, તે. ઓર્સિની મારું કુટુંબ છે.”

“તમારો દેખાવ જોતાં કુટુંબ ખાસ્સું ખાનદાન દેખાય છે.” મેં કહ્યું.

“આખા ઈટેલીમાં જે બે સર્વોચ્ચ કુટુંબો ગણાય છે તેમાંનું એક છે.” તે જરા સંકોચપૂર્વક બોલ્યો. પછી મને પોતા સાથે ફેરવવાનો કાર્યક્રમ ઘડવા લાગ્યો. તેની ખાસ ઇચ્છા મને તેને ઘેર લઈ જવાની હતી.

“મારે ઘેર જરૂર આવો અને શાંતાને મળો તેમ હું ખાસ ઇચ્છું છું.” તેણે કહ્યું.

“શાંતા?”

“મારી પત્ની છે.”

“તે પણ...?”

“ના, એ હિંદી છે.”

“તે તમે...?”

“હા, હું હિંદુસ્તાનનો પ્રેમી છું. મારે હિંદી પત્ની જ પરણવી હતી. ને પરણ્યો પણ ખરો. હવે તમે એને જુઓ અને પાસ કરો એમ ઇચ્છુ છું.”

“પણ...”

“એ બધી લાંબી વાત છે. લાંબી એટલી જ રસિક, પણ અત્યારે એ કહેવા જઈશ તો તમે તમારી ટૂર ગુમાવશો. ક્યારે મળશો, કહો? ને નવનીતભાઈ કેમ છે? તેમનો પણ મારા આ લગ્નમાં હિસ્સો છે. પણ એ બધું નિરાંતે કહીશ.”

“જરૂર, મારે એ સાંભળવું જ છે.” મેં કહ્યું.

“ને મારે કહેવું પણ છે ને?”

હસતો હસતો એ ગયો ત્યારે એક સુવાસ મૂકતો ગયો. જીવનની સુવાસ. નિખાલસ હૃદયના પ્રેમભર્યા આવિર્ભાવોની સુવાસ. કેટલી યે વાર સુધી હું એ ગયો હતો એ દિશામાં તાકી રહ્યો.

[નવા ગગનની નીચે, ૧૯૭૦]