ગુજરાતી પ્રવાસસાહિત્ય સંપદા/વૉશિંગ્ટન અને અબ્રાહમ લિંકનની મુલાકાત


પીરોજશાહ મહેરહોમજી [એક પારસી ઘરહસથ]

વૉશિંગ્ટન અને અબ્રાહમ લિંકનની મુલાકાત

૧૯ મી આગસટ : સવારના ૧૦) વાગતે હમો મી૦ “ફરેડરીક શાઉઅરડ” આસીસટેનટ સેકરેટેરી ઓફ સટેટ ઉપર ઓલખાણ પતર લઈ ગએઆ. આ [૮૩] જવાંન ગરહસથ સેકરેટેરી ઓફ સટેટ મી૦ શીઉઅરડનો છોકરો થાએ. હમોએ પરેસીડેંનટ “લીનકનની” મુલાકાત ચાહી અને કહીઉં કે હાવા વખતમો હમો પરેસીડેનટનો જરાબી વખત રોકવાને બીલકુલ ખુશી નથી, પણ “નીઉઇઆરક” તથા બીજા દેશનાં ગરહસથોએ હમોને ઘણી ભલાંમણ કીધીછે કે હમારા પરેસીડેનટને મલી તેની સાદાઈ જોજો. મી૦ “શીઉઅરડે” હમોને બેસાડી પરેસીડેનટને “વાઇટ હાલમાં” પુછાવી મંગાવીઉં કે “હમો લોકોની મુલાકાત કહે વખતે લેસે.” તેનો જવાબ વાલેઓ તે “હું નહી કહી સખતો કે બીજા લોકોની મુલાકાત તથા કાંમમાથી કેઆરે પરવારસ, પણ એ લોકો જારે આવસે તારે મલસ,” પછી “શીઉઅરડ” પોતાની આફીસમાંથી હમારી સંગાથે ચાલીને પરેસીડેનટના ઘરમાં (વાઇટ હાલ) હમોને લઈ ગએઓ. આ મકાંનના દરવાજા આગલ નહી સીપાઈની ચોકી કે નહી ઘરમા ચોકીદાર માણસો, માતરે દરવાજા આગલ એક આદમી ઉભેલું હતું જે એ ઘર જોવા આવનારા લોકોને “સટેટ રૂમ” કે જાંહાં પરેસીડેંનટ લેવી ભરી લોકોની મુલાકાત લીએ છે. તે જગો દેખાજતો હતો. તે સીવાએ બીજા દેસની પેઠ અમસથા ચોકી પોહોરા રાખી પોતાના દેસને ફોકટના ખરચમાં નથી નાખતા. ઉપર પરેસીડેનટના ઓરડાની બાહેર ઘણા લશકરી અમલદારો કામસર આવેલા તેમજ બીજા ગરહસથો પણ આવીને મુલાકાતને કીજે ઉભેલા હતા. અને એક પછી એક અંદર જઈને પરેસીડેનટને મલી [૮૪] આવતા હતા. હમો ગએઆ તે વેલા એક જણ અંદર હતો, પણ મી૦ “શીઉઅરડ” [Frederick Seward) હમોને ઓરડાની બાર ઉભા રાખી પોતે અંદર ગએઆં, એટલાંમા પેલો અંદર ગએલો શખશ બાહેર આવેઓ, પછી મી૦ “શીઉઅરડે” હમોને દરવાજો ઉઘાડી અંદર બોલાવેઆ. હમોએ મી૦ “શીઉઅરડને સેજ વાત કરતાં ચેતવણી આપી હતી કે હમો હમારી પાઘડી પેહેરી રાખેઆથી વધારે માન ભરેલું સમજીએ છે. તેણે જવાબ દીધો જે હમો જાંણીએચ તે છતાં પણ જે શખસની ધારણા સારી હોએ એટલું જ બસ છે. હમો અંદર પેઠા તેવો જ પરેસીડેનટ ઉભો થાએઓ. હમો આગલ વધેઆ, અને મી૦ “શીઉઅરડે" હમારી સાથે એ ગરહસથની ઓલખાણ કરાવી. હમોને પરેસીડેનટે “સેક હેનડ” કરીને કુરસી આપી અને પોતે પણ બેઠો. એ ગરહસથની લખવાની ટેબલ સાદી હતી, અને ઓરડો પણ સાધારણ નાહાનો હતો. હમારી જોડે એ ગરહસથે વાત ચીત કીધી અને હમોને કહીઉં કે આ દેસમાં નવાઈ જેવું જોવાનુંતો કાંઈ નથી “પરાએરી” ઇઆને મોહોટી સપાટ જમીનો છે, તેવી રૂશીઆના મુલક વગેરે બીજે ઠેકાંણે હોએ હેવી મહને ખબર નથી.” પછી હમોને પુછીઉં કે તમોએ તમારૂં વતન છોડેઆને કેટલી મુદત થાઈ. તેનો જવાબ આપી હમોએ કહીઉં કે તારો વધારે વખત રોકવાને હમો ચાહાતા નથી હેવું કહી હમો આ જગો ઉપરથી ઉઠીઆ. આ વેલાએ પોતેબી ઉઠી હમોને “શેકહેનડ” [૮૫] કીધી. આએ વેલા હમારીથી આટલું તો બોલેઆ વગર રેહેવાઈ સકાઉં નહી કે હું તારી સરવે વાત ફતેહમંદી ચાહું છઉં. હેનો તેને જવાબ વલેઓ જે “થેંનક ઇઉં” એટલું કરી હમો એ રૂખસદ લીધી. હમારો વીચાર તદન ફેરફાર થાઈ ગએઓ. હમોએ ધારીઉં હતું જે હાવી મોહોટી કોમના વડાની મુલાકાત લેવી હાવા સંકટના વખતમાં કેવું મુશકેલ કાંમ હસે? પણ તેથી તો ઉલટું જ નજર આવેઉં. દુનીઆંના એક ભાગ (હીંદુસતાંન)ના એક સરવેથી ઉતરતા સરકારી અમલદારની મુલાકાત લીધા કરતાં દુનીઆંના બીજા ભાગની મોહોટી કોમના સઉથી વડાની મુલાકાત લેવી એ હમોને સહેલાઇ ભરેલું જણાએઉં. એ પરેસીડેનટ “લીનકન” હારે ઉંચો, શરીરે પતલો તથા દેખાવમાં તથા પેહેરવાલમાં ઘણો સાદો હતો. પછી હમો “ઇસમીથનીઅન ઇનસટીટીઉટ” જોવાને ગએઆ. આ ઇમારત ઇંગલંડ વાલા “જેમસ ઇસમીથસને” આદમીઓની મન શકતીનો વધારો કરવાને અરથે બાંધી હતી. આ ઇમારતમાં ભાશણો કરવાનો “હાલ” કે જેમાં આસરે ૨૦૦૦) આદમી સમાઇ સકે એટલોછે અને તેની “મીઉજીઅમ” છે. હેમા સરવે કરતાં સઘલી જાતની માહી (માછલી) તથા સાંપનો મોહોટો સંગરહછે, તથા એક પીકચર ગેલેરીછે, જેમાં અમેરીકન ઇનડીઅન લોકોના રાજાઓ તથા પેહેલવાંનો વગેરેની તશવીરોછે, તાંહાંથી તે “કેપીટલ” કે જે અમેરીકામાં સઉથી મોહોટી ઇમારત કેહેવાએછે, બલકે દુનીઆમાં [૮૬] હેવી મોહોટી તથા સુંનદર ઇમારતો થોડી જ હશે તે ઇમારત હમો જોવા ગએઆ. આ ઇમારતે ૩|| એકર જમીન રોકી છે. તે ૭૫૧) ફીટની ઉંચાઈ સુધી સઘલી સફેદ સંગેમરમરના પથરની બાંધેલી છે. તથા તેવાજ મોહોટા પથરના થાંભો તથા સુંનદર ગુમબજ ઘણુ જ ભપકાદાર નજર આવેછે. આ ઇમારતનો પાએઓ તા૦ ૧૮મી સપટેમબર ૧૭૯૩ના સાલમો વાશીંગટને પોતે નાખેઓ હતો. સને ૧૮૧૪મા ઇંગરેજોએ આ ઇમારત “કાનગરેસ”ની લાએબરેરી સાથે બાલી નાખી હતી, તે સને ૧૮૧૮માં પાછી દુરસત કીધી હતી, અને તા૦ ૪થી જુલાઈ સને ૧૮૫૧મા પરેસીડેનટ “ફીલમોરે” નવી ઇમારતનો પાએઓ નાખઓ હતો તે અસલ કરતાં બમણી માહોટી કીધી. આ ઇમારતની આસપાસ ૩૦) એકર સુધી જમીન છે. જાંહાં જાહાડો તથા ફુંવારા અને લોકોની ગમતની જગો છે. હમો ગુંમબજની અંદર ગએઆ. નીચે ૮) મોટી સબીઓ મેલી છે, તેમા કેટલા એક ઇંગરેજી સરદારો લડાઈમાં હાર ખાઈ પોતાની તલવાર એ લોકોને હવાલે કરેછે, તેના તથા એ લોકોને જારે છુટાપણું મલેઉ તેને લગતી કેટલીએક સબીઓછે. તાંહાં એક લશકરી “વાલનટીઅર” હમોને મલેઓ તેણે હમોને પુછેઉં કે હું તમોને દેખાડવા આવું? હમોએ તેનો ઉપકાર માની હા કહી. એ ધણીએ હમારી સાથે આવીને સઘલા ઓરડાઓ દેખાડેઆ. “સેનેટ રૂમ” તથા “રીપરીજેનટેટીવ રૂમ” આ બે દીવાનખાના ઘણા જ [૮૭] ઉમદા, મોહોટાં અને સુંનદર હતાં. અને શીલાંગ ઉપર લોહોડાના ઓતી કાડેલા તરેહવાર આકારના ડીબાંઓ, સોનેરી તથા બીજી તરેહના ફુલોના આકારમાં હતાં. દર મેમબરને સારૂં એક કુરસી તથા એક ટેબલ જાુદી હોએ છે. તથા ગેલેરી ઉપર આંમ લોકો જોવા આવનારાઓને બેસવાની જગાઓ હતી, તથા થોડીએક સારી બેઠકની જગો બીજા દેશોના એલચીઓને સારૂં રાખી હતી. એક ઓરડો અંદરથી બીલકુલ મારબલનોછે. દેવાલો, શીલીંગ તથા થાંભલા સરવે તરેહવાર જાતના મારબલનાંછે, તે સાથે પરેસીડેંનટનો ઓરડો તથા બીજા ઘણા ઓરડાઓ જાુદી જાુદી બાબદોને લગતા હતા. ગુમબજ ઉપરની ગેલેરી ઉપરથી શહેરનો દેખાવ તથા “પોતોમાક” નદી તથા નવા બાંધેલા કીલાઓ દેખાએછે તે જોઈ હમો પાછા ફરેઆ. સાંહાજ પડેઆ પછી હોટેલમા પુશકલ લોકો આવવા માંડેછે, તેમા અગત કરીને લશકરી અમલદારોથી ભરાએલું રેહેછે. એક ઠેકાંણે બેઠેલા લોકો નજરે નથી આવતા, પણ ચાલાકીથી એણીગમ પેલીગમ ફરતા દેખાએછે. તેમાં કોઈ મુરદાર તથા આલસુપણાથી દેખાતું નથી. “વાશીંગટન”ના રસતા ઘણાં જ પોહોલા તથા પાદશાહી દબદબા ભરેલા નજરે આવેછે. આ ઠેકાંણે ધુલ ઘણી ઉડે છે. અતરે “નીગરો” ઇઆને સીદીની ઓરતોને બે ઘોડાની ફાઇટીનમાં બેસી જતી જોઈ. આ સીદી લોકો તેમા મરદો તથા ઓરતો અમેરીકનનો પોશાક પહેરેછે તથા બોલીબી ઇંગરેજી જ બોલેછે. [૮૮]

૨૦ મી આગસટ : સહવારના ૧૦|| વાગતાં “પોટોમાક” નામની નદી (કે જે વરજીનાઆ તથા મેરીલાં નડના સટેટને જુદા પડે છે તે) તે કીનારે હમો ગએઆ, અને આગબોટમાં બેસી “માઉનટ વરનન” તરફ જવા સારૂં નીકલેઆ. એ નદીમાંથી “વાશીંગટન” શહેરનો દેખાવ સારો દેખાતો હતો. કેપીટલનો ગુંમબજ, તથા બીજી સરકારી ઇમારતો આ નદીમાં દુરથી નજર આવતી હતી, તે સાથે વાશીંગટનનું નવું “માનીઉમેંનટ” ઇઆને મીનારો બંધાએછે કે જે બાંધવાને કીજે ઇઉનાઇટેડ સટેટસના જાુદા જાુદા સઘલા દેશોથી તાંહાંની પેદાએશના ફતરો મંગાવેઆછે. તે ઘણી સારી રીતે દુરથી નજરે પડેછે. આ મીનારી જે વેલાએ ૫૦૦ ફીટ ઉનચો બંધાઈ રેહેસે તેવારે ઘણી દુરથી પણ નજર આવસે. “વાશીંગટન સીટી” તથા “વરજીનીઆના સટેટ" [Virginia] વચે એક પુલછે. કે જેના ઉપરથી લશકર પેલીપાર વરજીનાઆમાં જતું માલુમ પડતું હતું અને તેની ધુલ છેક ઉનચાઇએ ખુબ જોશથી ઉડતી દેખાતી હતી. વાશીંગટનના બચાવ સારૂ પાહાડો ઉપર જાુદે જાુદે ઠેકાંણે કીલાઓ બાંધી લીધેલાછે. પછી ૭) માઇલ દુર “એલેકજાનડરીઆ” પોહોતા અને તાંહાંથી થોડા ઉતારૂઓ લીધા અને પછી “ફોરટ વાશીંગટન” આગલ પોંહોંતા. અરધી કલાક આગબોટ ઉભી રહી. એટલામાં સરવે પાસીનજરો મરદો તથા ઓરતો તથા છોકરાં સરવે તે કીલલો જાવા સારૂં ઉતરેઆ ડુંગર ઉપર ચહડી કીલલાના દરવાજા આગલ ગએઆ એ વેલા તાંહાં પેહેરેહગીર હતો. કીલલાના [૮૯] દરવાજા ઉપર હેવું લખેલું હતું કે “જે ધણી ઇઉનીઅનની સાથે જોડાએલો રહેવાનો સોગંદ ખાએ તે અંદર દાખલ થાએ.” હેવી જ રીતે એક હાફીસરે આવીને પણ કહીઉં. પછી સરવે કોઈ કીલલા અંદર દાખલ થાએઆ, અને મરદોને એક ઓરડામાં લઈ જઈ સોગંદ આપેઆ. આ વેલા હમોએ કહીઉં કે – “હમોને ઉતર અથવા દખણ કોઈ સાથે કારણ નથી. હમોતો માતરે ફરવા આવેઆ છેઇએ.” તેથી હમોને કાંઈ સોગંદ લેવાની જરૂર રહી નહીં. હમો સઘલા જોડે ગએઆ. આ કીલલો અસલનો બાંધેલો છે. “પોટોમાક” નદીમાંથી “વાશીંગટન” શેહેર ઉપર કોઈ દુશમન આવી સકે નહી, તેથી આસરે ૮૭) તોપો આ કીલલા ઉપર કરતી ગોઠવેલી હતી, તેમજ અંદરના બે ઠરમોબી હતી. આ જગો સફાઈ ભરેલી હમોએ જોઈ. પાછા હમો આગબોટ ઉપર આવેઆ, અને ૧) વાગે “માઉનટે વરનન” આગલ હમો પોંહોંતા. આગબોટ ઉપરના સઘલા પાસીનજરો અતરે ઉતરેઆ, અને ડુંગર ઉપર ચહડવા માડેઉં. ડુંગર ઉપર પોંહોંતા તાંહાં જનરલ વાશીંગટનની તથા તેની બાએડીની “કબર” બાંધેલી એક જગો ઉપર હમોએ જોઈ. આ “કબર”ની આસપાસ આ સુરા સરદારના કુટુંબના માંણસોની પણ કબરો હતી. આ જગોને એ લોકો “સેકરેડ” (ઇઆને પવીતર) તરીકે ગણે છે. અતરેથી વલી હમો ઉપર ચહડેઆ તાંહાં વાશીંગટનના [૯૦] રેહેવાનો એક મારનો બંગલો હતો તે જોવાને અંદર ગએઆ તાંહાં એક જાુનો “ગલોબ” ઇઆને પરથવીનો ગોલો તથા સંગેમરમરની કોતરેલી “ચીમનીપીલ” સેવાએ બીજાું કશું જોવાનું ન હતું. આ ઠેકાણે એ જગો સુધારવાના કાંમમાં ધરમના ફંડને સારૂ એક બાકસ કીધેલો હતો તેમાં જેની મરજીમા આવે તે ધણી એક ચોપડીમાં પોતાનું નાંમ લખીને પેલા બાકસમાં નાણુ નાખતા. આ ધણી જે ઓરડામાં મરણ પાંમેઓ તે ઓરડો ૦| ડાલર લઈ એક હબસી દેખાડતો હતો. વાશીંગટન તથા ફરેંચ જેનરલે નામે “લીફીઅર” જાંહાં બેસી નાધલી બંગલીમાં વાતો કરતા હતા તે “સમર હાઉસ” હમોએ જોએઉંય ૧|| કલાકનો વખત મલેઓ તેટલામાં કેટલાએક લોકો બચાં છોકરાંઓ સાથે જાહાડના છાએઆ તલે બેસી પોતાના ઘરથી ભાતું બાંધી લાવેલા જમવાને બેઠા પછી આગબોટ ઉપરનો ઘાંટનો આવાજ સાંભલેઓ કે તુરત સઘલા આગબોટ ઉપર પાછા આવેઆ. આ “માંઉનટ વરનન” તથા વાશીંગટનનું, ઘર તથા કબરની જગો સઘલી મલીને ઇઉનાઇટેડ ઇસટેટસની અસરતરીઓએ એક ફંડ ઉભું કરીને ખરીદી કીધી છે. હમો ૪) વાગતે પાછા વાશીંગટન પોંહોંતા. આગબોટના કપતાંને હમારી ઘણી બરદાશત કીધી, અને વાશીંગટને પોતાને હાથે રોપેલાં જાહાડનું એક સુકું પાતરૂં હમોને ભેટ આપેઉ. શેહેરમાં રેલવેની ટરેન નવી સોલજરો લઈને આવતી ચાલુજ હતી અને રસતામાં પુશકલ હાફીસરો મલતા હતા. [૯૧] રાતના “કેનટરબરી” થીએટરમાં હમો ગએઆ. આ ઠેકાણે ઘણાખરા લશકરી અમલદારો હતા. આફરીકનોને સારૂં એક અલાહેદી જગો ગેલેરી ઉપર કીધી હતી. તરેહવાર કસરતો, “પેનટોમાઈસ” તથા અસતરીઓનું ગાએન તેમાં ઘણું ખરૂં આ ચાલતી લડાઇની બાબદોમાં લોકોને જોશ આપવાનું હતું. આ નાચ કરનારાઓમાનો એક ધણી “પોએટરી” ઇઆને કવીતા જોડવામાં ઘણો જ હુશીઆર હતો. નજદીક પોણો કલાક સુધી ઉભો રહીને તરેહવાર કવીતાઓ મોહોડે જોડી વગર આંચકો ખાવે તથા ઘણીજ જહડપથી બોલતો હતો. “થીએટર”માં બેઠેલા તમાશગીરો તરફ જોઈ દરએક એકને જાુદી જાુદી પોએટરી જોડી કાહાડી સંભલાવતો હતો. લડાઈ વીસે તથા જનરલ “કોરકરન” વીસે આ ધણી બોલી રેહેવા પછી કહીઉં કે આ લડાઈ જોવા લોકો ઘણાં દુરથી આવેછે, વલી આ કવેસરે હમારી તરફ જોઈને પણ કહી સંભલાવેઉં કે આ લોકો છેક હીંદુસતાંન વેરથી આવેઆછે.


[અમેરિકાની મુસાફરી (૧૮૬૪), સંપા. અજયસિંહ ચૌહાણ, ૨૦૧૮]