ગુજરાતી બાળવાર્તા સંપદા/કોડિયામાં કોણી

કોડિયામાં કોણી

હરીશ નાયક

રાજકુમારીએ પ્રતિજ્ઞા કરી હતી, જે મને મનગમતું કોડિયું લાવી આપે તેની સાથે પરણું. મોટું રાજ્ય હતું. રાજકુમારી સોહામણી અને રૂપાળી હતી. એવી રાજકુમારીને કોણ પરણવા તૈયાર ન થાય ? દિવસ નક્કી થતાં હાથમાં કોડિયા સાથે નવજુવાનોની તો મોટી લાઇન લાગી ગઈ. કોઈ રાજકુમાર હતા, કોઈ નગરપતિ, કોઈ શેઠ સોદાગર, કોઈ રણયોદ્ધા, કોઈ સાહસવીર, કોઈ વહાણવટી. રાજકુમારીને પરણવા બધા જ આવ્યા હતા. બધા પાસે જાતજાતનાં અને ચિત્ર-વિચિત્ર કોડિયાં હતાં. નાનાં, મોટાં, સોનાનાં, ચાંદીનાં, હીરાઓથી ઝળહળતાં, અવનવી કોતરણીવાળાં. અરે ! કોડિયાંઓ તો એક એકથી ચડે તેવાં. એક જુઓ ને બીજું ભૂલો, જેટલા જુવાનો એટલાં કોડિયાં, જેટલાં કોડિયાં એટલી ભાત. રાજકુમારીને કોડિયાં બતાવતી, નવયુવાનોની કોડભરી એ લાઇન આગળ વધતી હતી. ત્યાં જ એક પરદેશી યુવક આવ્યો. પૂછવા લાગ્યો : શેની છે આ લાઇન ? ‘રાજકુમારીના મુરતિયાઓની.’ ‘શી શરત છે ?’ ‘રાજકુમારીને જેનું કોડિયું ગમે તેને રાજકુમારી સ્વીકારે.’ એ પરદેશી લાઇનમાં ઊભો રહ્યો. બીજા યુવકો કહે : ‘પણ તમારી પાસે કોડિયું ક્યાં છે ?’ પરદેશી કહે : ‘કોડિયું જોયું જશે. કોડિયાની જરૂર તો રાજકુમારી પાસે પહોંચીશું ત્યારે પડશે ને ? અત્યારથી જ હાથમાં કોડિયું ધરીને ઊભા રહેવાનો શો અર્થ છે ?’ અને ક્રમ પ્રમાણે એ પરદેશીનો નંબર પણ લાગ્યો, રાજકુમારીને અત્યાર સુધીમાં કોઈનુંય કોડિયું ગમ્યું ન હતું. પરદેશી નજીક આવ્યો તો પૂછ્યું : ‘તમારું કોડિયું ?’ પરદેશીએ આજુબાજુ નજર નાંખી. થોડીક ભીની માટી હતી તે હાથમાં લીધી અને બીજા હાથની કોણી મારી એ માટીનું કોડિયું તૈયાર કરી દીધું. એ કોડિયું જોતાં જ રાજકુમારી હસી. તેણે તરત વરમાળા એ પરદેશીને પહેરાવી દીધી. બીજા નવયુવાનો તો આ જોઈને તાજ્જુબ પામી ગયા. તેમણે પૂછ્યું, ‘રાજકુમારી...! આ શું ? અમારાં સોના, ચાંદી, તાંબા તથા પિત્તળનાં અને ઝગારા મારતાં કિંમતી કોડિયાંને બદલે તમે આ માટીનું કોડિયું કેમ પસંદ કર્યું ?’ રાજકુમારી કહે, ‘કોડિયાનો આશય પ્રકાશ આપવાનો છે - એ પછી માટીનું હોય કે સોનાચાંદીનું. એ કોઈ અગત્યની વાત ન થઈ અને જ્યારે ઝટપટ પ્રકાશ જ જોઈતો હોય ત્યારે તમે સોનાચાંદીનાં કોડિયાં શોધવા ક્યાં જશો ? આ તો માનવીની વિચક્ષણતા અને દીર્ઘદૃષ્ટિની પરીક્ષા હતી. કોઈ જાતના સાધન વગર પણ પરદેશીએ જોતજોતામાં કોડિયું ઊભું કરી દીધું છે. એટલે મેં એને જ મારા જીવનસાથી તરીકે પસંદ કર્યો છે. પરદેશીની બુદ્ધિચાતુરી પ્રતિ સહુ કોઈ પ્રશંસાની નજરે જોવા લાગ્યા.