ગુજરાતી બાળવાર્તા સંપદા/ખૂબ ખાધું ! પૂંછડીઓ ખોઈ !

ખૂબ ખાધું ! પૂંછડીઓ ખોઈ !

કરસનદાસ લુહાર

એક હતાં મીનીબાઈ. નામ મંછી મીની. મંછીની એક બહેનપણી. એનું નામ સુશી. બંને સાથે રહે. સાથે હરેફરે. જે ખાવાનું મળે તે અડધું-અડધું કરીને ખાય. પણ બેઉનાં પેટ ન ભરાય. બંને અડધી ભૂખી રહે. આમ દિવસો જાય. પણ શું થાય ? જે ખાવાનું મળે તે સાવ થોડું. ઘી, દૂધ, માખણ કે દહીં તો ક્યારેય જોવા ન મળે. એકાદ ઉંદરડું શિકારમાં મળી આવે. પણ એથી ભૂખ ન ભાંગે. છેવટે મંછી-સુશીએ શહેરમાં જવાનું નક્કી કર્યું. શહેરમાં સારું સારું ખાવાનું મળે, ઘણું મળે – એમ એમને કોઈકે કહેલું. બેઉ બહેનપણીઓ રાતના અંધારામાં ચાલવા લાગી. જ્યાં કોઈ ન ચાલે એવા રસ્તે ઘણી રાતો અને ઘણા દિવસો સુધી ચાલતી રહી. ને પહોંચી ગઈ એક શહેરમાં. ત્યારે રાત પડી ગઈ હતી. શહેરની પોળના આગળના ભાગે એક બંગલો. બંગલાની બારીઓ ખુલ્લી હતી. તેમાંથી બંને અંદર પેઠી. બંગલામાં કોઈ ન હતું. રસોડું ખુલ્લું હતું. કબાટ ઉઘાડાં હતાં. રસોડામાં ભોજન ક૨વા માટે બેસવાના રૂપેરી પાટલા હતા. રસોડાની બાજુના રૂમમાં પલંગ પાથરેલા હતા. બંનેએ આ બધું જોયું ને રાજી રાજી થઈ ગઈ ! હવે થાક અને ભૂખ વરતાતાં હતાં. બેઉ રસોડામાં ખાંખાંખોળા કરવા લાગી. ફ્રીઝમાં દૂધ, ઘી, માખણ અને દહીં હતાં. શરબતના બાટલા પણ હતા. જુદી જુદી જાતનાં બિસ્કિટનાં પડીકાંયે મળી આવ્યાં. બંને જમવાના પાટલા પર બેઠી. કરકરાં બિસ્કિટ બટકાવ્યાં. પેટ ભરીને ઘી, દૂધ ને માખણ ખાધાં. બાટલામાંનું શરબત પીધું અને ઓડકાર આવી ગયા. થાકના કારણે હવે આંખો ઘેરાતી હતી. કૂદકા મારીને બંને પલંગ પર પહોંચી. ઘસઘસાટ ઊંઘ આવી ગઈ. આમ દિવસો જવા લાગ્યા. ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે ! સારું સારું પેટ ભરીને ખાવાનું અને મખમલી ગાદલામાં ઊંઘવાનું ! દિવસો પછી બંને જાડી-તગડી થઈ ગઈ ! બંગલામાં ખાવાનું ખૂટે નહીં ને કોઈ આવે નહીં. કોઈનો ડર નહીં. બંનેને ભારે મજા પડી ગઈ. ભગવાને કેવું સુખ આપ્યું ! એક દિવસ સુશી કહે : ‘મંછી, હવે આ ઘર આપણું જ ને ?’ મંછી હરખથી બોલી : ‘કેમ નહીં ? હવે તો આ ઘ૨નાં માલિક જ આપણે !’ હવે એક બપોરે બંનેનો ભાણેજ બકો બિલાડો ત્યાં આવ્યો. બારીમાં ઊભો રહી ઘોઘરા સાદે બોલ્યો :

‘માસીબા રે માસીબા !
બેઉ મારાં માસીબા !
આવી પહોંચ્યાં ક્યાં ?
ક્યાંથી ગોતી કાઢ્યું આ ?’

જવાબમાં બંને બોલી :

‘ખાટલેથી પાટલે
ને પાટલેથી ખાટલે !
હરતો-ફરતો જા,
ઘી, દૂધ, દહીં, માખણ –
ખાવું હોય તે ખા !’

બકો છલાંગ મારી અંદર ગયો. પાટલા પર બેઠો. મંછી-સુશીએ ખાવાનું પીરસ્યું – ઘી, દૂધ, દહીં, માખણ અને સ્વાદિષ્ટ બિસ્કિટ, બકાએ તો પેટ ફાટફાટ થાય એટલું ખાધું ! જિંદગીમાં આવું ને આટલું ખાવાનું ક્યારેય નો’તું મળ્યું. પાટલા પરથી ઊભા થવાતું ન હતું. માંડ માંડ ઊભો થવા ગયો ત્યાં લથડિયું ખાઈને પડ્યો. ફરીથી ઊભો થયો ને ફરીથી પડ્યો. મંછી-સુશીને આ જોઈને હસવું આવી ગયું. બરાબર એ જ વખતે તગડા, મોટા ઉંદરડાઓનું ટોળું બારીમાંથી ઘરમાં ઘૂસી આવ્યું. જાણે ચૂં.. ચૂં... કરતું લશ્કર. ઉંદરડા એટલા બધા ને એવા તગડા હતા કે, એમની સામે કોઈનું કંઈ ચાલે જ નહીં. મંછી, સુશી ને બકો એમનાથી ક્યાંય મોટાં, મજબૂત હતાં, છતાં ગભરાઈ ગયાં ને ઘેરાઈ ગયાં. ઉંદરડાંઓનો આગેવાન કહે : ‘તમે અમારા ઘરમાં ક્યાંથી ? અમે તો જાત્રા કરવા ગયા હતા. ભૂલથી બારીઓ ખુલ્લી રહી ગયેલી... તમે તો ચોર છો !’ ત્રણેય બહુ ડરી ગયાં. નાસી શકાય તેમ પણ ન હતું. ઉંદરના ટોળાએ એમને બરાબરનાં ઘેરી લીધાં. ને પછી ઉંદરડાઓએ મંછી, સુશી અને બકાની પૂંછડીઓ કાપી નાખી. શરીરે બચકાં ભર્યાં. ત્રણેય રોવા જેવાં થઈ ગયાં. છેવટે ઉંદરડાઓને દયા આવી અને ત્રણેયને જવા દીધાં. જતાં જતાં બકો રડમસ અવાજે બોલતો હતો :

‘ખૂબ ખાધું, પણ પૂંછડીઓ ખોઈ !
છેવટે ભાગ્યાં અહીંયાંથી રોઈ !
આ વાત કદી જો જાણશે કોઈ ?!’