ગુજરાતી બાળવાર્તા સંપદા/ખેતરમાં રહેતાં તેતર

ખેતરમાં રહેતાં તેત

અંજના ભગવતી

એક હતું ખેતર. તેમાં રહેતાં તેતર. તેતરને ત્રણ બચ્ચાં. સહકુટુંબ સહુ ફરતાં. માની પાછળ પાછળ ભમતાં. હરતાં જાય, ફરતાં જાય, ખાંખાંખોળા કરતાં જાય, જે મળે તે ખાતાં જાય. ઊડવાનાં તે ભારે કાયર, પણ દોડવામાં તે ખરા માહેર. માએ તેમનાં નામ પાડ્યાં - તેલુ, તેતુ અને રેતુ. એક દિવસની વાત છે. તેલુની નજર ઝાડની ડાળ પર બેઠેલા એક પક્ષી પર પડી. કેવું ખૂબ સુંદર પક્ષી, સરસ મજાનો નીલ રંગ અને અણીદાર ચાંચ. ઊંચી ડાળે બેઠું બેઠું તે પોતાની પૂંછડી હલાવતું હતું. આ પક્ષી તો જાણે સમાધિમાં બેઠું હોય તેમ બેઠેલું. પછી એકદમ ઊડીને તરાપ મારીને ચાંચ વડે તળાવમાંથી માછલીને પકડીને હડપ કરી લીધી. પક્ષી ઊડ્યું ત્યારે તો તેનો ભપકો જ અલગ. જાણે વાદળી રંગનો ફુવારો ઊડ્યો. તેલુ તો આભું બનીને જોયાં જ કરે. તેણે માને પૂછ્યું, ‘મા, આ સુંદર પક્ષી કયું છે ?’ મા કહે, ‘બેટા, એ તો કલકલિયો (કિંગફિશર) છે. જો તે કેવી ચપળતાથી માછલીને પકડે છે !’ તેલુ તો સાંભળીને ખુશ થઈ ગયું. ધૂળમાં નાહવા લાગ્યું. તેતરને ધૂળમાં નાહવું ખૂબ ગમે. તે ઘાસ, વનસ્પતિનાં બી, કૂણી કૂંપળો અને અનાજ ખાય, ઊધઈ, મકોડા અને ખેતરની જીવાત પણ ખાઈ જાય. એટલામાં એની નજર બીજા એક પક્ષી પર પડી, તે પણ જીવડાં મેળવવા જમીન ફંફોસે. તેના માથે તો સરસ મઝાની કલગી, તે કલગી ફેલાવે અને ઉઘાડબંધ કરે. તેનું નામ ઘંટીટાંકણો ‘હૂપો’ (ર્ૐર્ર્ી) તેનું અંગ્રેજી નામ. તેનો રંગ બદામી અને કાળા-ધોળા ઘટા ધરાવે. તેલુ તો આ રુઆબદાર પક્ષીને જોતું જ રહી ગયું. હવે તેને વિચાર આવ્યો, ક્યાં મારો ધૂળિયો રંગ અને ક્યાં આ પક્ષીનો સુંદર દેખાવ ! તેલુ તો ભપકાદાર રંગોવાળો મોર જુએ, ખેતરમાં સૌને મીઠી ઊંઘમાંથી ઉઠાડતા કૂકડાને જુએ, વૃક્ષ પર ફળોની મિજબાની ઉડાવતા પોપટને જુએ. તે બધાં સુંદર પક્ષીઓને જોતું જ રહી ગયું. તેનું મન ભરાઈ આવ્યું, આંખોમાં આંસુ આવી ગયાં. મનમાં પોતાના દેખાવનો તથા રંગનો અભાવ સહેજે ગમે નહીં. આથી તે મા પાસે દોડી ગયું. તેણે પોતાના મનની વાત માને કહી. મા શાંતિથી સાંભળતી હતી. તેને થયું કે આ મારા વ્હાલા બાળને કેવી રીતે સમજાવું ? મા અવઢવમાં પડી ગઈ. શબ્દો શોધવા લાગી, પણ તે કાંઈ પણ બોલે તે પહેલાં શું થયું ? એક બિલાડી દૂરથી આવતી હતી. બીકનું માર્યું તેલુ તો જમીન પર ચૂપચાપ ઊભું રહી ગયું. તેના શરીરના રંગ અને તેની ઉપરની ભાત જમીન સાથે એવાં ભળી જતાં હતાં કે બિલાડી પણ થાપ ખાઈ ગઈ અને તે તો ચાલી તેના રસ્તે. તેલુ તો માની પાસે ગયું અને વાડમાં ભરાઈ ગયું. માને એકદમ વળગી પડ્યું, ને માને કહેવા લાગ્યું, ‘મા, આજે તો હું મારા ધૂૂળિયા રંગ તથા પથ્થરિયા દેખાવને લીધે જ બચી ગયું. હવે હું મનમાં ખોટું નહીં લગાડું.’ મા કહે, ‘હા બેટા, પ્રકૃતિમાં દરેક વસ્તુ પાછળ કાંઈક હેતુ હોય છે. તેની પર ભરોસો રાખીએ.’ આ બધી વાત ભૂલી ત્રણેય બચ્ચાં ખેતરમાં ફરવા લાગ્યાં અને ગાવા લાગ્યાં. તેતરની આગળ બે તેતર તેતરની પાછળ બે તેતર, આગળ તેતર, પાછળ તેતર, બોલો કેટલાં તેતર ? બચ્ચાંને મોજમાં જોઈને માતા-પિતાને પણ ભારે નિરાંત થઈ અને ખુશ થયાં.