ગુજરાતી બાળવાર્તા સંપદા/પતલુ છોટુ

પતલુ છોટુ

ભારતી સોની

‘દાદાજી, દાદાજી.’ છોટુ સ્કૂલથી આવીને દફતર રૂમમાં ફેંકી રડતાં રડતાં બોલ્યો. ‘શું થયું છોટુ ? આમ આવતાવેંત રડવા કેમ લાગ્યો ?’ દાદાજીએ પૂછ્યું. ‘દાદાજી, આજે અમારી સ્કૂલમાં રમતગમતની હરીફાઈ રાખી હતી. દોડની હરીફાઈમાં મારા દોસ્તો જીતી ગયા ને હું હારી ગયો.’ આટલું બોલી, છોટુ પાછો રડવા લાગ્યો. ‘ગયા મહિને પણ હું હારી ગયો હતો. હું કેમ હારી જાઉં છું ? સ્કૂલના દોસ્તો હસતાં હસતાં કહેવા લાગેલા કે મંકોડી પહેલવાનમાં દોડવાની તાકાત જ ક્યાં છે ? ચડ્ડી પકડીને દોડે છે. દોડતાં પરસેવો છૂટી જાય છે ને બધા મને પતલુ છોટુ કહી બોલાવે છે.’ છોટુ ખિજાઈને દાદાજીની મૂછ ખેંચી બોલ્યો. ‘ઓ બાપ રે, એમાં મારી મૂછનો શો વાંક ?’ દાદાજી મૂછ પંપાળતાં બોલ્યા. ‘દાદાજી, તમે કેવા પહેલવાન જેવા છો ! પપ્પા પણ હટ્ટા-કટ્ટા છે ને મમ્મી તો દિવસે દિવસે જાડી થતી જાય છે. મારું કોઈ ધ્યાન નથી રાખતું અને જુઓ, હું કેવો પતલો છું ! મારામાં દોડવાની તાકાત ક્યાંથી હોય ?’ છોટુએ દાદાજીનાં ચશ્માં ખેંચી લીધાં. ‘છોટુ, એમાં વાંક તારો છે. તું તો ટી.વી. જોતાં જોતાં નાસ્તા ખાય છે. ટાઇમસર જમતો નથી. આ નથી ભાવતું, તે નથી ભાવતું. જમવામાં નખરાં કરે છે. મમ્મી ખિજાય એટલે રડવા લાગે છે.’ દાદાજી ચશ્માં ચડાવતાં બોલ્યા. ‘પણ દાદાજી, મને રીંગણાં, કારેલાં, ફુલાવર, કોબીજ નથી ભાવતાં. મને તો રસાવાળું બટાકાનું શાક ને ભાત જ ભાવે છે.’ ‘હા, એટલે જ તું મંકોડી પહેલવાન છે. ઘણા સમયથી કહું છું, તું મારી સાથે જમવા બેસ. તું માનતો જ નથી. હું જમું ને તે તારે જમવાનું. તો જ તું...’ ‘દાદાજી, તમે તો દહીં, છાશ, ગોળ, ચણા, રોટલા, શાક, ખીચડી... કેવા ઝાપટો છો ! આવું મને નથી ભાવતું. મારે તો જાડા થવું છે. શક્તિશાળી થવું છે. જો છોટુ, એટલે તો હું પહેલવાન જેવો છું. રોટલા-શાક-દહીં-છાશ અને બધાં કઠોળ લેવાથી શક્તિ આવે. જાડા થવું એ મહત્ત્વનું નથી પણ શરીર શક્તિશાળી હોવું એ મહત્ત્વનું છે.’ દાદાજી છોટુના મોંમાં ગોળ મૂકતાં બોલ્યા, ‘છોટુ, પિઝા અને પાસ્તા જેવા નાસ્તાથી જાડા થવાય પણ શક્તિશાળી ન થવાય.’ ‘દાદાજી, મારા દોસ્તો તો જાડા ને શક્તિશાળી છે, દોડમાં નંબર લાવે છે.’ ‘છોટુ, તે બધા જાડા હોય તે શક્તિશાળી હોય તેવું ન હોય. તેમની ઉંમર થતાં તેમનું શરીર શક્તિશાળી ન રહે તેવું બને.’ ‘આ ઉંમરે હું કેવો બગીચામાં ફટાફટ ચાલુ છું, માંદો પડતો નથી. અમારા જમાનામાં તૈયાર નાસ્તા હતા નહીં. રોટલા, ગોળ ને દૂધ એ જ અમારો નાસ્તો. તને તો ગોળ ભાવતો નથી. ચૉકલેટ ભાવે. ઘી ન ભાવે. ચીઝ ભાવે. દૂધ-દહીં ન ભાવે પણ બૉટલનાં પીણાં પ્રેમથી વારેવારે પીવે છે, પછી શરીરમાં શક્તિ ક્યાંથી હોય ? પછી તું હારી જ જાય ને !’ દાદાજી છોટુને ટપલી મારતાં બોલ્યા. ‘દાદાજી, પહેલાં તમારી વાત માની હોત તો ! ઠીક, હવેથી તમારી સાથે જમીશ, બધું ખાઈશ.’ ‘જો છોટુ, પરાણે પરાણે મોં કટાણું કરીને નહીં જમવાનું. પ્રેમથી જમવાનું. જેથી શરીરમાં લોહી વધારે બને. છોટુ તો દાદાજી સાથે જમવા લાગ્યો. રોજ બટાકાના શાકથી ને નાસ્તાથી મમ્મી તો જાણે છૂટી. સાંજે છોટુ દાદાજી સાથે બગીચામાં જતો. દોડતો. દાદાજી સાથે સીંગ-ચણા-ગોળ ને સુખડી ખાતો. દાદાજી બોલ્યા, ‘છોટુ, અમારો દેશી નાસ્તો કેવો લાગે છે ?’ ‘દાદાજી મસ્ત મસ્ત. તમારી જેમ.’ એક મહિના પછી છોટુ બોલ્યો, ‘દાદાજી, આવતા મહિના પછી અમારી સ્કૂલની રમતની હરીફાઈમાં મેં નામ નોંધાવ્યું છે પણ દાદાજી હું જાડો થયો નથી.’ ‘જો છોટુ, જાડા થવા કરતાં શક્તિશાળી થવું વધારે અગત્યનું છે. તું વહેલી સવારે દોડવાની પ્રૅક્ટિસ કર, પણ તું તો નવ વાગ્યા સુધી ઘોરે છે.’ ‘દાદાજી હવેથી હું વહેલી સવારે તમારી સાથે આવીશ.’ દાદાજી તો છોટુની નંબર લાવવાની લગન જોઈ રાજી થઈ ગયા. છોટુ રોજ સવારે દોડવાની પ્રૅક્ટિસ કરતો. દાદાજી તેને ‘શાબાશ, શાબાશ’ કહી ઉત્સાહ વધારતા. હરીફાઈનો દિવસ આવી ગયો. છોટુ વહેલો ઊઠી દાદાજીને પગે લાગી વળગી પડ્યો. મમ્મી-પપ્પાને તો આ જોઈ આનંદ થયો. મમ્મીએ તો રોટલા પર બરાબર માખણ લગાવી ગોળ સાથે આપ્યો. છોટુ તો હોંશે હોંશે ખાઈ ગયો. દાદાજી બોલ્યા, ‘છોટુ, તારું મોં માખણવાળું થયું.’ છોટુ બોલ્યો, ‘મૈયા મોરી મેં નહીં માખણ ખાયો.’ દાદાજી એના કાન પકડી બોલ્યા, ‘અલ્યા, તુને હી માખન ખાયો.’ દાદાજી સ્કૂલે મૂકવા ગયા. હરીફાઈ ચાલુ થઈ. ટીમનો વારો આવ્યો. દાદાજીએ થમ્સ અપ કહ્યું ને છોટુ રમરમાટ દોડવા લાગ્યો. બીજા હરીફ પાછળ રહી ગયા ને છોટુ...ની જીત. બધા તાળીઓ પાડવા લાગ્યા. છોટુ તો દોડીને દાદાજીને વળગી પડ્યો. ‘થૅન્ક યૂ દાદાજી. તમારે લીધે જ.’ દોસ્તો બોલ્યા, ‘છોટુ, તું તો... આમ... એકાએક નંબર વન કઈ રીતે બન્યો ?’ ‘દોસ્તો, આ મારા દાદાજીનો ચમત્કાર છે.’