ગુજરાતી બાળવાર્તા સંપદા/લાવરી અને તેનાં બચ્ચાં

લાવરી અને તેનાં બચ્ચાં

અનંતરાય રાવળ

એક ખેતર હતું. તેમાં ઊંચા મોલ વચ્ચે એક લાવરી તેનાં બચ્ચાં સાથે રહેતી હતી. એક દિવસ લાવરી બહાર ગઈ હતી. બચ્ચાં એકલાં માળામાં બેઠાં હતાં. તે વખતે ખેતરનો માલિક તેના દીકરા સાથે ત્યાં આવ્યો. ખેતરનો પાક હવામાં હિલોળા લઈ રહ્યો હતો. એ જોઈ પટેલે દીકરાને કહ્યું, “જો ભાઈ, પાક તૈયાર થઈ ગયો છે. આપણા ઓળખીતા ને નાતીલાને કાલે લણવા આવવા તું કહી આવજે.” લાવરીનાં બચ્ચાંએ આ સાંભળ્યું. તેઓ ગભરાઈ ઊઠ્યાં. તેમને થયું, “હવે આપણે અહીંથી જતાં રહેવું પડશે !’ મા ઘેર આવી ત્યારે બચ્ચાંએ તેને આ વાત કહી. લાવરીએ ઠંડે પેટે વાત સાંભળી અને હસી પડી. તે બોલી, “આમાં કંઈ બીવા જેવું નથી, બેટા. પટેલના ઓળખીતા કે ભાઈબંધો આવશે જ નહિ, જોજો ને. તમે તમારે ફિકર વિના અહીં જ રહો.” બીજો દિવસ થયો. લાવરીના કહેવા પ્રમાણે જ થયું. ખેતરમાં પટેલ આવ્યા, પણ બીજું કોઈ આવ્યું નહિ. ચોથે દિવસે પટેલે પોતાના દીકરાને કહ્યું, “ન આવ્યા તેને મૂકો પડતા ! હવે આપણાં સગાંવહાલાંને જ લણવા બોલાવીએ. તું આજે બધાંને કહી આવ. કાલ સવારે લણવાનું શરૂ કરી જ દઈએ.” લાવરીનાં બચ્ચાંને હવે સાચી બીક લાગી. મા બહારથી આવતાં એમણે તરત આ વાત તેને કહી. સાથે તેમણે એમ પણ કહ્યું, “હવે મા, કાલ સવાર પહેલાં અમને બીજી જગ્યાએ લઈ જા.” પણ લાવરીનું રૂંવાડુંય ફરક્યું નહિ. તેણે હસીને કહ્યું, “હજી કાલે પણ કોઈ આવવાનું નથી. આપણે મુકામ ફેરવવાની જરૂર નથી.” લાવરીની વાત આ વેળા પણ સાચી પડી. બીજે દિવસે લણણી માટે કોઈ જ આવ્યું નહિ. બીજા બેચાર દિવસ સુધી પણ કોઈ આવ્યું નહિ. પટેલ હવે સમજ્યા કે, આપ સમાન બળ નહિ. તેમણે દીકરાને કહ્યું, “હું જ મૂરખ કે બીજા પર આધાર રાખીને બેઠો. માણસે આધાર તો પોતાના બાવડાં પર જ રાખવાનો હોય. કાલ સવારે તારી મા, તું ને હું ખેતરે આવીને પાક લણવા મંડી પડીશું. બીજા કોઈનું હવે આપણે કામ નથી. તું લુહાર પાસે જઈ દાતરડાં સજાવી આવજે.” લાવરીનાં બચ્ચાંએ આ વાત સાંભળી. લાવરીને તેમણે સાંજે એ જણાવી. આ વખતે લાવરીએ કહ્યું, “બસ, હવે આપણે મુકામ ઉઠાવવો પડશે. અત્યારે જ નીકળી જઈએ.” એક પછી એક બચ્ચાંને ચાંચમાં લઈ, ત્યાંથી ઉઠાવી લાવરી બીજે ઠેકાણે લઈ ગઈ. સાચે જ પટેલે પણ બીજે દિવસે સાંજ સુધીમાં પાક લણી લીધો.