ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/આનંદવિમલ સૂરિ


આનંદવિમલ(સૂરિ) આનંદવિમલ(સૂરિ) [જ.ઈ.૧૪૯૧ - અવ. ઈ.૧૫૪૦/સં. ૧૫૯૬, ચૈત્ર સુદ ૭] : તપગચ્છના જૈન સાધુ. હેમવિમલસૂરિના શિષ્ય. સંસારી નામ વાઘજી. જન્મ ઇલાદુર્ગ(ઈડર)માં. ઓસવાલ જ્ઞાતિ. પિતા મેઘજી, માતા માણેકદેવી. દીક્ષા ઈ.૧૪૯૬. ઈ.૧૫૨૬માં ૫૦૦ સાધુને લઈને ચાણસ્મા પાસેના વડાવળી ગામમાં ધર્મશિથિલતા દૂર કરવા માટે તેમણે ક્રિયોદ્ધાર કર્યો. ઈ.૧૫૨૭માં તેઓ ગચ્છનાયક બન્યા. સાધુઓ માટેના આચારવિચાર પાળવાના ૩૫ બોલનો લેખ ‘યતિબંધારણ/સાધુમર્યાદાપટ્ટક’ (મુ.) પાટણમાંથી ઈ.૧૫૨૭માં બહાર પાડ્યો. આ લેખ પરથી એ સમયના સાધુ સમાજમાં પ્રવર્તેલી શિથિલતાનો ખ્યાલ આવે છે. ‘આવશ્યકપીઠિકા-બાલાવબોધ’ (ર.ઈ.૧૫૨૨)ના કર્તા. કૃતિ : ૧. જૈન સત્યપ્રકાશ, ઑક્ટો. ૧૯૩૬ - ‘આનંદવિમલસૂરિ નિર્મિત સાધુમર્યાદાપટ્ટક’, સં. અગરચંદ નાહટા; ૨. જૈન સાહિત્ય સંશોધક, ફાગણ ૧૯૮૪ - ‘આનંદવિમલસૂરિએ કરેલું યતિબંધારણ.’ સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ૨. તપાગચ્છ પટ્ટાવલી, સં. કલ્યાણવિજયજી મહારાજ, ઈ.૧૯૪૦. ૩. ડિકેટલૉગભાવિ.[કુ.દે., કી.જો.]