ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/‘અખે-ગીતા’


‘અખે-ગીતા’ [૨. ઈ.૧૬૪૯/સં. ૧૭૦૫, ચૈત્ર સુદ ૯, સોમવાર] : ૪ કડવાં અને ૧ પદ એવા ૧૦ એકમો ને દરેક કડવા તેમ જ પદમાં લગભગ નિયત કડીસંખ્યા - એવો સુઘડ રચનાબંધ ધરાવતી, કુલ ૪૦ કડવાં અને ૧૦ પદની, ચોપાઈ અને પૂર્વછાયા (= દુહાની દેશી)માં રચાયેલી અખાની આ કૃતિ (મુ.) એના તત્ત્વવિચારના સર્વ મહત્ત્વના અંશોને મનોરમ કાવ્યમયતાથી આલેખતી હોઈ એની પરિણત પ્રજ્ઞાનું ફળ ગણાવાયેલી છે. સરહદો ક્યાંક-ક્યાંક લોપાયેલી છે તેમ છતાં એકમોમાં ચોક્કસ વિષયવિભાગો જોઈ શકાય છે. જેમ કે, એકમ ૨ : માયાનું સ્વરૂપ અને કાર્ય; એકમ ૩ : માયામાંથી મુક્ત થવા માટેની સાધનત્રયી - વિરહવૈરાગ્ય, ભક્તિ અને જ્ઞાન; એકમ ૪ : અણલિંગી તત્ત્વજ્ઞાનીનાં લક્ષણો; એકમ ૫ અને ૬ : બ્રહ્મતત્ત્વનું સ્વરૂપ તથા એનું ઈશ્વર, જીવ અને જગત રૂપે પરિણમન; એકમ ૭ : બ્રહ્મવાદ અને શૂન્યવાદનો ભેદ; એકમ ૮ : સંતસંગનો મહિમા. એકમના સમાપન રૂપે આવતાં પદો, ધ્રુવપંક્તિની પેઠે, ‘અખે-ગીતા’ના કેન્દ્રવર્તી વિષય પર આવી ઠરે છે − એ પરબ્રહ્મના સ્વરૂપનું કે એના સાક્ષાત્કારનું ગાન કરે છે અથવા હરિ-ગુરુ-સંતની એકતા પ્રબોધી એમનું શરણ લઈ મહાપદ પ્રાપ્ત કરવાનો બોધ આપે છે. ૪ પદોમાં હિંદી ભાષા પ્રયોજાયેલી છે એ એક નોંધપાત્ર હકીકત છે. ‘અખે-ગીતા’ને અખો સંસારરૂપી મોહ-નિશાને નષ્ટ કરનારા દિનમણિ તરીકે ઓળખાવે છે અને તેનું કર્તૃત્વ નાથ નિરંજન પર આરોપે છે, પોતે છે નિમિત્ત માત્ર - “જેમ વાજું દીસે વાજતું, વજાડે ગુણપાત્ર”, સંસારરૂપી મોહનિશાનું કારણ છે માયા. માયાના અદ્ભુત પ્રપંચનું અખાએ અત્યંત મર્મવેધક ચિત્ર આલેખ્યું છે. માયા છે તો બ્રહ્મતત્ત્વની ચિત્શક્તિનું એક સામર્થ્ય, પણ એનાથી છૂટી પડી એ ૩ ગુણોને જન્મ આપે છે, ને “પછે જનની થઈ જોષિતા”. ૩ ગુણો સાથેના સંયોગથી એ પંચાભૂતાદિ ૨૪ તત્ત્વોને પેદા કરે છે. આ ૨૪ તત્ત્વો અને ૨૫મી પ્રકૃતિ માયાનો પરિવાર છે. પણ માયાના સ્વભાવની આ વિલક્ષણતા છે કે પોતે ઉત્પન્ન કરેલી સૃષ્ટિનો એ ભક્ષ કરે છે. ભ્રમદશામાં પડેલો જીવ આ સમજતો નથી એટલે માયાએ બતાવેલી વિષયભોગની ઇન્દ્રજાલમાં ફસાય છે. કામ-દામ, માતા-પિતા-પત્ની, વર્ણ-વેષ, વિદ્યા - ચાતુરી આ સર્વને માટે મથવું અને પંડિત, ગુણી, કવિ, દાતા થવું એ પણ, અખાની દૃષ્ટિએ, માયાની જ આરાધના છે. માયાએ નિપજાવેલાં ૨૫ તત્ત્વો ઉપરાંતનું ૨૬મું તત્ત્વ - બ્રહ્મતત્ત્વ તો સ્વતંત્ર છે, સર્વ દ્વન્દ્વોથી પર છે અને વાણીથી, ઇન્દ્રિયોથી તેમ બુદ્ધિથી એને પામી શકાતું નથી. “જેમ મૃતકની ગત જાણે મૃતક” તેમ પરબ્રહ્મનો અનુભવી જ એ અનુભવને સમજી શકે. સામસામાં મુકાયેલાં દર્પણોથી રચાતી પ્રતિબિંબોની અનંત સૃષ્ટિનાં અને આકાશમાં ઊપજતાં અને લય પામતાં જાતભાતનાં વાદળોના દૃષ્ટાંતથી અખાજી બ્રહ્મતત્ત્વની નિર્લેપતા, અવિકાર્યતા અને માયા વડે થતી અનંત રૂપમય સંસારની ઉત્પત્તિ સમજાવે છે. પરબ્રહ્મની દૃષ્ટિએ તો આ માયા પણ અજા − ન જન્મેલી છે : એણે નિપજાવેલો સંસાર પણ વંધ્યાસુતની પેઠે અવિદ્યમાન છે. આ બ્રહ્મવાદ શૂન્યવાદથી ક્યાં જુદો પડે છે તથા દર્શનો તેમ જ ઉપદર્શનો પણ બ્રહ્મતત્ત્વને સમજાવવામાં ક્યાં પાછાં પડ્યાં છે તે અખાજી દલીલપૂર્વક બતાવે છે અને એકબીજા સાથે આખડતા તથા ઘણી વાર તો બાહ્ય ચિહ્નો - જેવાં કે જટા રાખવી, મુંડન કરાવવું, માળા પહેરવી વગેરેમાં સમાઈ જતા વિવિધ મતોમાં એ માયાનું જ પોષણ જુએ છે. માયાનો પાશ છૂટે, “પરબ્રહ્મ રહે ને પોતે ખપે” તે માટે એ ૩ સાધન બતાવે છે - વિરહવૈરાગ્ય, ભક્તિ અને જ્ઞાન. વૈરાગ્યની તીવ્રતા અને ભક્તિની આર્દ્રતા-મધુરતા અનુભવતા નરનાં એવાં કાવ્યમય ચિત્રો કવિ આપે છે કે એ, એમના વૈષ્ણવી સંસ્કારોનો સંકેત કરવા ઉપરાંત, એમની પ્રધાનપણે જ્ઞાનમાર્ગી સાધનાપ્રણાલીમાં વૈરાગ્ય અને ભક્તિનું પણ કેવું મહત્ત્વનું સ્થાન છે તે બતાવે છે. ઊધઈથી ખવાયેલું લાકડું જેમ કૃષ્ણાગુરુ થઈ જાય તેમ વિરહવૈરાગ્યથી ખવાયેલો નર હરિરૂપ થઈ જાય છે અને હરિભક્ત “નિત્ય રાસ નારાયણ કેરો” દેખે છે. આમ થતાં, એનો સંસારભાવ, જીવભાવ સરી જાય છે અને આત્મભાવ પ્રગટે છે. અખા-ભગત માર્મિક રીતે કહે છે કે “ચિત્ત ચમક્યું, હું તું તે ટળ્યું.” આવા જીવન્મુક્ત વિદેહી દશાને પામેલા તત્ત્વદર્શીને ભૌતિક જગતના કોઈ અવરોધ નડતા નથી. અખાજી તો આગળ વધીને એમ પણ કહે છે કે ચશ્માંના કાચથી જેમ આંખની દૃષ્ટિ રૂંધાતી નથી પણ એનું તેજ વધે છે તેમ સંસારવ્યવહાર તત્ત્વદર્શીને બાધક નીવડવાને બદલે એની તત્ત્વદૃષ્ટિને સતેજ કરે છે. આવા તત્ત્વદર્શી સંતના પરોપકારપરાયણ સ્વભાવ અને એમની સંગતિના પ્રભાવનું અખાએ ભાવાર્દ્રતાથી ગાન કર્યું છે, કેમ કે, અખાની દૃષ્ટિએ, જેમ જીભ વિના સ્વાદ ન હોય, બહેરાને નાદસુખ ન હોય તેમ ગુરુ વિના હરિદર્શન ન થાય અને ગુરુ તો તત્ત્વદર્શી સંત જ હોય. બીજી બાજુથી, સગુણ સંત તે નિર્ગુણ બ્રહ્મની જ પ્રત્યક્ષ મૂર્તિ. આમ અખાના તત્ત્વવિચારમાં હરિ-ગુરુ-સંતનું એકત્વ રચાય છે. ત્રિગુણાતીત પરબ્રહ્મ માટેના ‘ત્રિગુણપતિ’ શબ્દમાં ગણપતિનો સમાવેશ કરી લેતું વિશિષ્ટ મંગલાચરણ યોજતી ‘અખે-ગીતા’માં વેદાંતી તત્ત્વવિચાર આત્મસાત્ થઈને રજૂ થયો છે. એમાં શાસ્ત્રીય કઠિનતા નહીંવત્ છે અને અખાની વાણી વીગતભર્યાં ચિત્રો સર્જતી, દૃષ્ટાંતોનું પૂર વહાવતી,અનેક વાક્છટાઓ પ્રયોજતી, માર્મિક શબ્દપ્રયોગો વણી લેતી અને પ્રસંગે ભાવવિભોર થતી, નિરંતરાય ગતિ કરે છે. કેટલાંક વિચારવલણો, ઉદ્ગારો અને દૃષ્ટાંતો પરત્વે અખાના પુરોગામી નરહરિની ‘જ્ઞાન-ગીતા’ ← અને ‘વસિષ્ઠસાર-ગીતા’ની છાયા ‘અખે-ગીતા’માં જોવી મુશ્કેલ નથી, તેમ છતાં, ઉમાશંકર જોશી કહે છે તેમ, “કોઈ ગુજરાતી કૃતિ અનુભવની ઉત્કટતા અને સ્પષ્ટતા - અને એને લીધે પ્રતીત થતી મૌલિકતા - વડે મંડિત હોઈ ભગવદ્ગીતાના કુળની એક સ્વતંત્ર ગીતા-રચના તરીકે સ્વીકારવાને પાત્ર હોય તો તે નિ:સંશય ‘અખે-ગીતા’ છે... ‘અખે-ગીતા’ એ ગુજરાતી તત્ત્વકવિતાનું એક ઉચ્ચ શિખર છે.” [જ.કો.]