ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/‘આદિનાથજીનો રાસ’


‘આદિનાથજીનો રાસ’ [ર. ઈ.૧૭૬૮/સં. ૧૮૨૪, મહા સુદ ૧૩, રવિવાર] : ઉદયસાગરશિષ્ય ઉપાધ્યાય દર્શનસાગરકૃત ૫ ખંડ, ૧૬૭ ઢાળ અને ૬૦૮૮ કડીની દુહા-દેશીબદ્ધ રાસકૃતિ(મુ.). પ્રથમ તીર્થંકર ઋષભદેવના જન્મ-મહોત્સવ, બાળક્રીડા, લગ્ન, વસંતક્રીડા, વરસીતપ, કેવળજ્ઞાનપ્રાપ્તિ, ચતુર્વિધ સંઘની સ્થાપના, સિદ્ધાચલગમન તથા અષ્ટાપદમાં નિર્વાણ - એ સમગ્ર જીવનચર્યાને આવરી લેતી આ કૃતિમાં એમના ૧૨ પૂર્વભવો ઉપરાંત ભરતના મોક્ષગમન સુધીનું ભરત-બાહુબલિ-વૃત્તાંત પણ વીગતે આલેખાયું છે એ ખાસ ધ્યાન ખેંચે છે. કવિએ પ્રસંગોપાત દૃષ્ટાંત રૂપે નૃપરાજ આદિની કથાઓ ગૂંથી લીધી છે અને ઋષિદત્તા જેવી કથા પૂરી ૧૩ ઢાળ સુધી વિસ્તારીને કહી છે તે પ્રાસાદિક કથાનિરૂપણમાં કવિનો રસ અને એમની ગતિ બતાવે છે. કાલચક્ર, ચક્રવર્તીનાં રત્નો, વાસ્તુશાસ્ત્ર, શકુનશાસ્ત્ર, રાજાનાં ૩૬ લક્ષણો, સ્વપ્નફળ તથા વાસુદેવ અને ચક્રીઓની સંખ્યા જેવી માહિતીલક્ષી વીગતોથી કૃતિને અમુક રીતનો આકરગ્રંથ બનાવવાનો પ્રયાસ થયો છે, તે ઉપરાંત વનખંડ, નગરી, સૈન્ય, પાત્રોનાં દેહાદિક, વરસાદી માર્ગ વગેરેનાં, કેટલીક વાર આલંકારિક રીતે તો કેટલીક વાર નક્કર વીગતોથી વર્ણનો થયાં છે તે સઘળું કવિની નિપુણતાનું દ્યોતક છે. કૃતિમાં પાનેપાને આવતાં સંસ્કૃત, પ્રાકૃત અને હિન્દી ભાષાનાં સુભાષિતો કવિની બહુશ્રુતતા સૂચવે છે. હેમચંદ્રાચાર્ય તથા વિનયચંદ્રકૃત આદિનાથચરિત્રો, ધનેશ્વરસૂરિકૃત ‘શત્રુંજયમાહાત્મ્ય’ અને જયશેખરસૂરિકૃત ‘ઉપદેશચિંતામણિ-વૃત્તિ’ જેવા ગ્રંથોનું અભ્યાસપૂર્ણ આકલન કરી રચાયેલ આ રાસકૃતિ એના વિસ્તાર તથા વાચનક્ષમતાથી ધ્યાન ખેંચે છે.[ર.ર.દ.]