ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કર્પૂરશેખર


કર્પૂરશેખર [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : અંચલગચ્છના જૈન સાધુ. અમરસાગરની પરંપરામાં વાચક રત્નશેખરના શિષ્ય. તેમણે રત્નશેખરે ઈ.૧૭૦૫માં રચેલ હિંદી કૃતિ ‘રત્નપરીક્ષા’ની પ્રથમ આદર્શ પ્રત લખી હતી. એમની રચેલી ૨૫ કડીની ‘નેમરાજુલ-બારમાસા’ (મુ.) તથા ૩૪ કડીની ’ગોડીપાર્શ્વનાથ-છંદ’ એ ૨ કૃતિઓ મળે છે. ‘નેમરાજુલ-બારમાસા’માં રાજુલની વિરહવેદનાનું ભાવપૂર્ણ આલેખન થયું છે. કૃતિ અસાડથી આરંભાય છે અને જેઠમાં નેમિનાથ સાથેના મિલન સાથે પૂરી થાય છે. દરેક કડીમાં પહેલી ૨ પંક્તિને તેમ જ પછીનાં ૪ ચરણને અંતે એક જ પ્રાસ રચ્યો છે તે પ્રાસવૈચિત્ર્ય ધ્યાન ખેંચે છે. કૃતિ : પ્રામબાસંગ્રહ : ૧. સંદર્ભ : ૧. અંચલગચ્છ દિગ્દર્શન, સં. ‘પાર્શ્વ, ઈ.૧૯૬૮;  ૨. મુપુગૂહસૂચી.[પા.માં.]