ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કૃષ્ણાનંદ


કૃષ્ણાનંદ [ઈ.૧૯મી સદી] : સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ. પૂર્વાશ્રમનું નામ આદિત/આદિતરામ. પિતા પરમાનંદ. અવટંકે વ્યાસ. જ્ઞાતિએ ઔદીચ્ય બ્રાહ્મણ. જન્મ રાણપુર(સૌરાષ્ટ્ર)માં. એમના ‘હરિચરિત્રામૃત’ (૨.ઈ.૧૮૫૧/સં. ૧૯૦૭, ચૈત્ર સુદ ૯; મુ.)માંના ઉલ્લેખ ઉપરથી કવિ ઈ.૧૮૨૮ પહેલાં દીક્ષિત થયા હોવાનું નિશ્ચિત થાય છે. મુખ્યત્વે પૂર્વછાયા અને ચોપાઈમાં રચાયેલી ૮૮ અધ્યાયની આ કૃતિમાં બ્રહ્માનંદ સ્વામી અને ધમડકાના દરબાર રામસિંહજી વચ્ચેના સંવાદો રૂપે સહજાનંદસ્વામીની જીવનલીલા આલેખાયેલી છે. સહજાનંદવર્ણન અને સહજાનંદભક્તિને વિષય બનાવીને રચાયેલાં, અચિંત્યાનંદને નામે મુદ્રિત પણ ‘કૃષ્ણાનંદ’ની નામછાપવાળાં ૩૧૭ જેટલાં પદો મળે છે. સંપ્રદાયમાં કૃષ્ણાનંદ નામધારી ત્રણ સાધુઓ નોંધાયેલા છે. પરંતુ ઉપર્યુક્ત કૃષ્ણાનંદે સહજાનંદસ્વામી સમક્ષ પદો ગાયાના ઉલ્લેખો ‘હરિચરિત્રામૃત’માં મળે છે. એથી આ પદો એમની રચનાઓ હોવાનો સંભવ વિશેષ જણાય છે. અચિંત્યાનંદ કૃષ્ણાનંદનું અપરનામ હોવાનો એક મત છે, તો વડતાલમાં કૃષ્ણાનંદની સાથે રહેતા અચિંત્યાનંદને જૂનાગઢમાં રહેવા જવાનું થયું ત્યારે મિત્રવિયોગની સ્થિતિમાં, મિત્રઋણ ચૂકવવા માટે તેમ જ પદબંધમાં પોતાનું લાંબું નામ બંધ નહીં બેસતાં અચિંત્યાનંદે કૃષ્ણાનંદને નામે કીર્તનો રચ્યાં હોવાનો બીજો મત છે. આ બંને મતો માટે કશો આધાર જણાતો નથી. કૃષ્ણાનંદનાં પદોમાં સામાન્ય રીતે હિંદીની છાંટ છે અને ઘણાં પદો હિંદી-રાજસ્થાનીમાં છે. કૃતિ : ૧. કીરતનાવળી, પ્ર. દામોદર ગો. ઠક્કર, ઈ.૧૮૮૨; ૨. (શ્રી) હરિચરિત્રામૃત, પ્ર. પુરાણી હરિસ્વરૂપદાસજી, ઈ.૧૯૭૯ (+સં.).[હ.ત્રિ.]