ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/‘કજોડાનો વેશ’


‘કજોડાનો વેશ’ : મધ્યકાલીન ગુજરાતી સમાજના એક અનિષ્ટ પર કટાક્ષ કરતો આ ભવાઈવેશ (મુ.) “અસાઈત મુખથી ઓચરે, કજોડો રમતો થયો” એ પંક્તિને કારણે અસાઈત નાયકે રચેલો અથવા ભજવેલો હોવાથી સંભાવના થઈ શકે છે. આ વેશમાંની કથા નાની વયના ઠાકોર અને મોટી વયનાં ઠકરાણાંના કજોડાની છે, પરંતુ એમાં ગૂંથાતાં ગોરમાના ગરબા જેવાં ગીતોમાં વૃદ્ધ પતિને પનારે પડેલી યુવાન સ્ત્રીની મનોવેદના પણ વ્યક્ત થઈ છે. વેશ ૩ વિભાગોમાં સ્વાભાવિક રીતે વહેંચાઈ જાય છે : ૧. ઠાકોર-રંગલાનો સંવાદ, ૨. ઠકરાણાં આવતાં, એમના મનોભાવોનું ગાન તથા ઠાકોર-ઠકરાણાં-રંગલાનો સંવાદ, ૩. ઠાકોર-ઠકરાણાંનાં ઉપરાણાં તરીકે બન્નેની માતાઓનું આગમન અને એમની વચ્ચેનો ઝઘડો. આ ઝઘડા સાથે વેશ પૂરો થાય છે. ઠકરાણાંની કેડે બેસતા કે એમને ચુંબન કરવા માટે પેંગડું કે નિસરણી માગતા ઠાકોર પતિનાં બાલિશ ગાંડાઈભર્યાં વર્તનો અને કજોડાની વિશિષ્ટ પરિસ્થિતિમાંથી નીપજતું હાસ્ય અહીં પ્રધાન સ્થાને છે. એ હાસ્ય સ્થૂળ કોટિનું છે, પણ એમાં કેટલાક રસપ્રદ અંશો છે - જેમ કે, “એક ઠકરાણાંનો બાપ ને એક અમારો સસરો; એક ઠકરાણાંનો ભાઈ એ એક અમારો સાળો” એમ ૪ મહેમાનો હોવાની ગણતરી, નગ્ન દશા માટે “જળપોતિયાં કર્યાં” કે “ધોતિયું કાઢીને માથે બાંધ્યું” જેવા ભાષાપ્રયોગો, વગેરે. આનાથી જુદી રીતે, કજોડાનો ભોગ બનેલી સ્ત્રીની કરુણ દશા, પ્રસંગો દ્વારા નહીં પણ ગીતો દ્વારા વર્ણવાયેલી છે. ઠકરાણાં કજોડાંનું ‘વગોણું’ ગાય છે, તે ઉપરાંત આ વેશમાં ઉપર નર્દેશેલો ગોરમાનો ગરબો તથા મામલિયા/સામલિયા-સુત(ભાણજી ?) કૃત, વડનગરની નાગર યુવતીએ કજોડાના દુ:ખે કરેલી મસ્તકપૂજાને વર્ણવતો ગરબો પણ ગાવામાં આવે છે. ઠકરાણાંની અતૃપ્ત પ્રેમભાવનાને વ્યક્ત કરતાં ગીત ‘સનેડા’ તરીકે ઓળખાવાયેલાં છે. એમાં નાના નાવલાને ગોળરોટલી વગેરે ખવડાવી વહેલો મોટો કરવાની તાલાવેલી પણ નિરૂપાયેલી છે, જે પરિસ્થિતિને અનુરૂપ છે. વેશના જૂના પાઠમાં ઠાકોર રંગલાને પોતાની આપવીતી વર્ણવે છે તેમાં સીધા કથનનો આશ્રય ઘણો લેવાયો છે. ભવાઈની આ એક માન્ય પદ્ધતિ હતી. પછીથી ઠાકોર-રંગલાના સંવાદને ઉઠાવ આપવામાં આવ્યો છે અને એનું વિસ્તરણ પણ થયું છે; તેમાં રજપૂતના ઘરની ઢાંકેલી દરિદ્રતાનું હાસ્યરસિક ચિત્રણ પણ થઈ ગયું છે. વેશના પાઠોમાં વિવિધ દુહા-સાખીઓ પણ ગૂંથાયેલાં જોવા મળે છે. એ સુભાષિતરૂપ છે ને યુવતીના ઓરતા દૃષ્ટાન્તોથી રજૂ કરે છે. એમાં “ઊંચે ટીંબે આંબો મોરિયો, કોને મેલું રખવાળ ? મેલું પાડોશી પાતળો, મારો પરણ્યો નાનેરું બાળ” જેવી માર્મિક પંક્તિઓ ધ્યાન ખેંચે છે. [કા.જા.]