ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/‘કાદંબરી’


‘કાદંબરી’' : બાણ અને પુલિનની, સંસ્કૃત સાહિત્યની અત્યંત પ્રસિદ્ધ અને કલ્પનામંડિત રસાર્દ્ર કૃતિ ‘કાદંબરી’ના પૂર્વભાગ અને ઉત્તર-ભાગનો કુલ ૪૦ કડવાંમાં સારાનુવાદ આપતી ભાલણની આ કૃતિ (મુ.) મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં આગવું સ્થાન ધરાવે છે. આવી સાહિત્યિક કૃતિને ગુજરાતીમાં ઉતારવામાં ભાલણની રસિકતા ને સંસ્કૃતજ્ઞતા પ્રગટ થાય છે, તે ઉપરાંત સંસ્કૃત ભાષાની કઠિન સમાસપ્રચુર ગદ્યકથાને દેશીબંધમાં ઉતારવાનું ભાલણનું સાહસ પણ અત્યંત નોંધપાત્ર બને છે. ભાલણે આખ્યાનનો ઘાટ સ્વીકાર્યો છે પણ એમનાં કડવાંઓ વલણ કે ઊથલા વગરનાં છે, જે આખ્યાન-બંધની પ્રાથમિક દશા સૂચવે છે. અતિ-પંડિતો માટે નહીં પણ સંસ્કૃત ન જાણનાર ‘મુગધરસિક’ જનો માટે ‘કાદંબરી’ને ગુજરાતીમાં ઉતારવાનો હેતુ હોવાથી કવિએ અહીં મૂળ કૃતિના સમગ્ર અલંકારઠાઠને રજૂ કરવાનું નહીં પણ કથાસંબંધ વર્ણવવાનું લક્ષ્ય રાખ્યું છે. તેમ છતાં આરંભમાં બાણની શ્લેષયુક્ત ઉપમાઓ સુધ્ધાં, દુર્બોધતાનું જોખમ વહોરીને પણ, સાચવી રાખવાનું કવિનું વલણ રહ્યું છે. પછીથી એમણે મૂળનાં સઘન કલ્પનાચિત્રોને ગાળી નાખ્યાં છે, વર્ણનોને ટૂંકાવ્યાં છે અને કેટલુંક જતું પણ કર્યું છે. બીજી બાજુથી કોઈકોઈ ઠેકાણે ગાંઠનાં અલંકારો, ઉક્તિઓ, વર્ણનો અને ભાવનિરૂપણો ઉમેર્યાં પણ છે. એ બહુધા ભાલણની બહુશ્રુતતાના પરિણામરૂપ છે. તેમ છતાં વિલાસવતીની પુત્રઝંખના જેવાં કોઈક ઉમેરણમાં ભાલણની પોતાની સૂઝ અને કવિત્વશક્તિ પ્રગટ થાય છે. કવિએ જે સંક્ષેપ-ઉમેરણ કર્યાં છે તે સભાન બુદ્ધિથી અને સૂક્ષ્મ વિવેકથી કર્યા હશે એમ કહેવું મુશ્કેલ છે, તેમ જ એથી મૂળ કૃતિને એવું કાંઈ નવું રૂપ મળતું નથી કે આ કૃતિને આપણે એનું પ્રતિનિર્માણ લેખી શકીએ પરંતુ “બાણની ‘કાદંબરી’નો આત્મા ભાલણે પોતાના સમયની ગુજરાતી ભાષામાં જેટલો સમાઈ શકે તેટલો ઉતાર્યો છે” (દુર્ગાશંકર શાસ્ત્રી) અને ભાલણનું એ કાર્ય પણ ઓછો આદર જગવે એવું નથી. [શ્ર.ત્રિ.]