ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગરબા


ગરબા : હરિ ભટ્ટના પુત્ર વલ્લભ મેવાડાના ગરબાઓ(મુ.)નાં વિપુલતા અને વૈવિધ્યે એમને ગરબાકવિ તરીકે અનન્ય સ્થાન અપાવ્યું છે. વલ્લભના ગરબાઓ શક્તિભક્તિ, કૃષ્ણભક્તિ અને સમાજચિત્રણ એમ વિવિધ વિષયોને આવરી લે છે. શક્તિભક્તિના ગુજરાતના ત્રણે મહત્ત્વનાં સ્થાનકોની દેવીઓ અંબા, બહુચરા ને મહાકાળીનું મહિમાગાન કરતા ને એમનું સ્વભાવોક્તિભર્યું કે આલંકારિક વર્ણન કરતા વલ્લભના અનેક સુગેય ગરબાઓમાંથી, દેવીના વસ્ત્રાલંકારની શોભા વર્ણવતો, એના ભાષામાધુર્ય ને અલંકારવૈભવને લીધે અનંતરાય રાવળે ગુજરાતીના ‘સૌંદર્યલહરી-સ્તોત્ર’ તરીકે ઓળખાવેલો ૬૨ કડીનો ‘અંબાજીના શણગારનો ગરબો’; બહુચરાનું ભક્તિપૂર્ણ ગુણસંકીર્તન કરતો ને આંતરપ્રાસની ગૂંથણીવાળો ૧૧૮ કડીનો ‘આનંદનો ગરબો’ (ર. સં. અસ્પષ્ટ); લલિત રાગની ૧૫૭ કડીઓમાં ધનુષધારી માતાનું આલેખન કરતો ‘ધનુષધારીનો ગરબો’ (ર.ઈ.૧૭૩૬/સં. ૧૭૯૨, અસાડ વદ ૧૧, મંગળવાર), પાવાગઢના રાજાના પતનપ્રસંગનું કથાગીત જેવું નિરૂપણ કરતો, નાટ્યાત્મક વિષયનિરૂપણથી, અલંકારયુક્ત આલેખનથી અને એના વાણીમાધુર્યથી લોકપ્રિય બનેલો ૭૩/૭૫ કડીનો ‘મહાકાળીનો ગરબો’ તથા દેવીના ભવ્ય રૂપનું આલેખન કરતો ‘ગાગરનો ગરબો’ વિશેષ નોંધપાત્ર છે. મહાકાળી વિશે કવિએ બીજો લાંબો ૨૩૦ કડીનો ‘કાલિકા-નવકલશ-સ્થાપનનો ગરબો’ (ર.સં. અસ્પષ્ટ) પણ રચ્યો છે. કેટલાક ગરબાઓમાં કવિની શાક્તસિદ્ધાંતની તથા તે અંગેના પોરાણિક ઇતિહાસની જાણકારી ગૂંથાયેલી છે તો કેટલાકમાં દેવીના પૂજનઅર્ચનની વિધિનું વર્ણન પણ થયેલું છે. ગરબાઓમાં કવિનો ભક્તિઉદ્રેક પણ ભળ્યો છે. કૃષ્ણભક્તિવિષયક ગરબાઓમાંથી રાધાનું વર્ણાનુપ્રાસી ને રૂઢ અલંકારવાળું ચિત્રણ કરતો ને રાધા-કૃષ્ણના મિલનાનંદને આલેખતો ૮૪ કડીનો ‘આંખમીંચામણાનો ગરબો/રાધિકાજીનો ગરબો’; વ્રજની ગોપીઓએ ઉદ્ધવને કરેલી અરજને અને કૃષ્ણ પરના ઉપાલંભને આલેખતો ૫૫ કડીનો ‘વ્રજવિયોગનો ગરબો/ઓધવને અરજ’ તથા મીરાંના કાવ્ય સાથે વસ્તુસામ્ય ધરાવતો ૪૩ કડીનો ‘સત્યભામાનો ગરબો’ વિશેષ નોંધપાત્ર છે. ઐતિહાસિક-સામાજિક વિષયના ગરબાઓમાંથી, વૃદ્ધ પતિની યુવાન પત્નીના હૃદયસંતાપના દેવી આગળ કરાતા નિવેદનની રીતે ચાલતો ને એમાં સમાજના વિચિત્ર રિવાજો પરના કટાક્ષના કાકુને ઉપસાવતો ૨૯ કડીનો ‘કજોડાનો/ગોરમાનો ગરબો’ તથા ઈ.૧૭૩૧ના દુકાળની કરુણભીષણ અસરોને વર્ણવતો અને આ કોપમાંથી ઉગારવા દેવીને વીનવતો ૫૮ કડીનો ‘કળિકાળનો ગરબો’ (ર.ઈ.૧૭૩૧) વિશેષ જાણીતા છે.