ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ચ/ચંદ્ર-૧


ચંદ્ર-૧ [ઈ.૧૬૭૬માં હયાત] : જૈન શ્રાવક. જ્ઞાતિએ ચોરાસી વીસા શ્રીમાળી વાણિયા. સુરતના નિવાસી. “લાધુ સુખ નિરધાર” એવી પંક્તિને લીધે ‘લઘુ’ અને ‘સુખ’ની મનાયેલી પણ ચંદ્ર અને ઉદે (=ઉદય) એ ૨ બંધુનામનો સ્પષ્ટ નિર્દેશ ધરાવતી દુહા, ચોપાઈ અને છપ્પાબદ્ધ ૧૧૫૪ ડીની ‘વિનેચટની વાર્તા’ (ર.ઈ.૧૬૭૬/સં. ૧૭૩૨, કારતક સુદ ૧૧) મળે છે, જોકે, કાવ્યના અંતભાગની કેટલીક પંક્તિઓ, જૈન અસરનો સદંતર અભાવ, ફલશ્રુતિમાં પણ “બોલો જે જે શ્રીહરિ” એવી પંક્તિ અને કાવ્યમાં “કવેસર કહે”, “કવિજન કહે”, “ગુરુદેવ કહે” એવા આવતા ઉલ્લેખો ઉપર્યુક્ત જૈન બંધુઓની વિનંતીથી કોઈ અજ્ઞાતનામા જૈનેતર કવિએ આ કૃતિ રચેલી હોય એવો વહેમ પણ જગાવે છે. આ કૃતિ સ્વલ્પ ફેરફારો સાથે શામળની ‘વિદ્યાવિલાસિનીની વાર્તા’ તરીકે મુદ્રિત થયેલી છે પણ શામળની નામછાપવાળી કોઈ હસ્તપ્રત મળતી નથી. કૃતિ : બૃકાદોહન:૩. સંદર્ભ : ૧. અક્ષરલોકની યાત્રા, તખ્તસિંહ પરમાર, ઈ.૧૯૮૦-‘વિનેચટની વાર્તાનું કર્તૃત્વ’;  ૨. બુદ્ધિપ્રકાશ, નવે. ૧૯૨૭ - ‘કવિ સામળકૃત વિદ્યાવિલાસિનીની વાર્તાનું મૂળ’;  ૩. કદહસૂચિ.[જ.કો.]