ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ચ/‘ચિત્તવિચાર-સંવાદ’


‘ચિત્તવિચાર-સંવાદ’ : અખાની ૪૧૩ ચાર-ચારણી ચોપાઈની આ રચના(મુ.)માં ચિત્ત અને વિચારને પિતાપુત્ર તરીકે કલ્પવામાં આવ્યાં છે અને ચિત્તમાંથી જન્મેલો વિચાર ચિત્તને પોતાના શુદ્ધ ચિન્મયસ્વરૂપનો બોધ કરાવે એવું ગોઠવાયું છે. આરંભમાં ચિત્તની મૂંઝવણને અનુલક્ષીને જીવ, ઈશ્વર અને બ્રહ્મની પૃથક્તા કેવી રીતે ઉદ્ભવેલી છે એ અનેક દૃષ્ટાંતોથી સમજાવવામાં આવ્યું છે અને એને અનુષંગે ષડ્દર્શનનો સૈદ્ધાન્તિક પરિચય કરાવી એમાં વેદાંતમાર્ગનો પુરસ્કાર થયો છે. કાવ્યના મુખ્ય મધ્યભાગમાં ચિત્ત મૂળભૂત રીતે ચિન્મયસ્વરૂપ - પરમચૈતન્યરૂપ છે તથા આ સઘળી સૃષ્ટિ પણ ચિત્તનું જ સ્ફુરણ છે એ વાત વીગતે સમજાવી છે અને ચિત્તને જ્ઞાનવિવેક દ્વારા મોહપ્રેરિત કામક્રોધાદિ દોષો અને વિષયોના દમનમાંથી મુક્ત થવાનો માર્ગ બતાવ્યો છે. છેલ્લા ભાગમાં કૈવલ્યના સંદર્ભમાં ગુરુસ્વરૂપની મીમાંસા કરી છે તથા ભક્તિનું સ્વરૂપ સ્ફુટ કરી પરમપદપ્રાપ્તિમાં ભક્તિ અને વિરહવૈરાગ્યની કાર્યસાધકતા દર્શાવી છે. કૃતિમાં કેટલાંક વિલક્ષણ વિચારબિંદુઓ અને ઉપમાવિધાનો આપણને સાંપડે છે. જેમ કે, દીપ-શશી-સૂર્ય આદિની ઓછીવત્તી તેજસ્વિતાના દૃષ્ટાંતથી અખાજી જીવમાં પ્રતીત થતા સાપેક્ષ ઐશ્વર્યને અને તદનુષંગે જીવ-ઈશ્વરની અલગતાને સ્થાને સલંગતાનું પ્રતિપાદન કરે છે; દર્પણમાંનાં કાચ અને સીસાના દૃષ્ટાંતથી અવતારરૂપી પ્રતિબિંબો કેમ જન્મે છે તે સમજાવે છે; વરસાદનું સંચેલું પાણી પર્વતમાંથી ઝરે તેની સાથે ચિત્તના બુદ્ધિવિલાસને સરખાવી એનું પરવર્તીપણું સ્ફુટ કરે છે અને “બિંબ જોવાણું પ્રતિબિંબ વડે, તેમ ગુરુ જોતાં ગોવિંદ નીવડે” એમ કહી ગુરુ-ગોવિંદના સંબંધનો મર્મ પ્રગટ કરે છે. વિચારનું અસ્તિત્વ ચિત્તને કારણે છે, છતાં વિચાર વિના ચિત્ત નપુંસક છે એમ કહીને અહીં ‘વિચાર’નો મહિમા થયો છે તે અખાના તત્ત્વવિચારને અનુરૂપ છે. અખાના તત્ત્વવિચારના મુખ્ય અંશોને વ્યાપી વળતો આ ગ્રંથ ચિત્ત અને વિચારની પિતા-પુત્ર તરીકેની કલ્પના, બંનેની સક્રિયતા દર્શાવતી પ્રશ્નોત્તરી તેમ જ દૃષ્ટાંતો અને સંતત ઉપમાઓ તથા ઉપમાચિત્રોના બહોળા ઉપયોગને કારણે અખાના કાવ્યસર્જનમાં ‘અખેગીતા’, ‘અનુભવબિંદુ’ અને છપ્પા પછીનું સ્થાન મેળવે છે [જ.કો.]