ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જિનોદય સૂરિ-૨


જિનોદય(સૂરિ)-૨ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. ભાવહર્ષસૂરિ-જિનતિલકસૂરિ અને જયતિલકસૂરિના શિષ્ય. કવિની બન્ને કૃતિઓ આ રીતે ૨ જુદા ગુરુનામ બતાવે છે ને એ નામો યથાર્થ હોવાનું સમર્થન અન્યત્રથી મળે છે તેથી બન્ને કૃતિઓના કર્તા જુદા હોવાનો પણ વહેમ જાય. અનુકંપાદાનવિષયક ૨૭ ઢાલની ‘ચંપકચરિત્ર/વૃદ્ધદંત-ચોપાઈ’ (ર.ઈ.૧૬૧૩/સં. ૧૬૬૯, કારતક સુદ ૧૩) તથા અસાઇતની ‘હંસાઉલી’ને અનુસરતી દુહાદેશીબદ્ધ ૪ ખંડ અને ૯૧૯ કડીની પ્રાસાદિક કથાકથનયુક્ત ‘હંસરાજવચ્છરાજ-ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૬૨૪/સં. ૧૬૮૦, આસો સુદ ૧૦, રવિવાર; મુ.) એ કૃતિઓના કર્તા. કૃતિ : હંસરાજવચ્છરાજનો રાસ, પ્ર. શ્રાવક ભીમસિંહ માણેક, ઈ.૧૯૨૫ (છઠ્ઠી આ.) સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧,૩(૧); ૨. જૈહાપ્રોસ્ટા; ૩. મુપુગૂહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ચ.શે.]