ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ત/તમાચી


તમાચી [               ]: અવટંકે સુમરા. સૌરાષ્ટ્રના મુસલમાન સિંધી. સિંધી ભાષાના કોઈકોઈ શબ્દોનો ઉપયોગ બતાવતા એમના દોઢિયા દુહા (૩૦ મુ.)માં સાજણનાં માદક અંગો, એની સાથેની પ્રાણ જેવી પ્રીત, એ સાસરે વિદાય લેતાં ઘેરી વળેલી એકલતા વગેરેનું વર્ણન થયું છે. અલંકારો અને અન્ય વીગતોમાં તળપદા જીવનના સંદર્ભને ઉઠાવ આપતા ને “ગ્યા સજણ ને પ્રીત તે રહી” “ભાલાળાં સાજણ” “સાજણને એમ રાખિયે, જેમ સાયર રાખે વ્હાણ” “સાજણ ચાલ્યાં સાસરે અમને આડાં દઈ વંન” જેવી માર્મિક ઉક્તિઓ ધરાવતા આ દુહાઓનું ચૂડ વિજોગણના દુહાઓ સાથેનું સામ્ય ઘણું નોંધપાત્ર છે. જુઓ ચૂડ વિજોગણ. કૃતિ : કાઠિયાવાડી સાહિત્ય : ૨, કહાનજી ધર્મસિંહ, ઈ.૧૯૨૩ (+સં.). [જ.કો.]