ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ત/ત્રિવિક્રમાનંદ


ત્રિવિક્રમાનંદ [અવ. ઈ.૧૮૧૦] : જ્ઞાતિએ ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ. જન્મ જંબુસરમાં. ૧૫ વર્ષની ઉંમરે લગ્નમંડપમાંથી જ સંસારત્યાગ કરી કાશી ગયેલા. ૨૦ વર્ષની ઉંમરે સુરતમાં આવ્યા. ત્યાં આનંદરામ શાસ્ત્રી પાસે કૌમુદીનો અભ્યાસ કર્યો. પાંત્રીસેક વર્ષની ઉંમરે સંન્યસ્ત લીધું. સાઠેક વર્ષની ઉંમરે સુરતમાં અવસાન. વેદાંતપારાયણ કરનાર ત્રિવિક્રમાનંદે ગ્વાલી, ઉર્દૂ, મરાઠી અને ગુજરાતીમાં વેદાંતવિષયક ગ્રંથો રચ્યા છે. સવૈયા, કવિત, ધોળ વગેરે પ્રકારોનો આશ્રય લેતાં તેમનાં પદો (મુ.) બહુધા ઉર્દુ-હિન્દીમાં છે. પરંતુ આઠેક પદો ગુજરાતીમાં પણ મળે છે. આ પદોમાં વેદાંતજ્ઞાન, યોગાનંદ, નામસ્મરણમહિમા, સંતમહિમા, ભક્તિવૈરાગ્યબોધ વગેરેનું નિરૂપણ થયેલું છે. કૃતિ : અભમાલા. સંદર્ભ : નર્મગદ્ય, નર્મદાશંકર લા. દવે, * ઈ.૧૮૬૫, ઈ.૧૯૭૫ (પુનર્મુદ્રણ)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી.[શ્ર.ત્રિ.]