ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધર્મ-૧


ધર્મ-૧ [ઈ.૧૨૧૦માં હયાત] : જૈન સાધુ. મહેન્દ્રસૂરિના શિષ્ય. આ મહેન્દ્રસૂરિ (જ.ઈ.૧૧૭૨-અવ. ઈ.૧૨૫૩) અંચલગચ્છના ધર્મઘોષસૂરિના શિષ્ય હોવાનું અનુમાન થયું છે. ૪૧ કડીના ૫ ઠવણિમાં મુખ્યત્વે રોળાબંધમાં રચાયેલા તેમના ‘જંબુસ્વામી-ચરિત્ર’ (ર.ઈ.૧૨૧૦; મુ.)માં જંબુસ્વામીના શિવકુમાર તથા જંબુસ્વામી તરીકેના ૨ ભવની કથા કહી સંયમદીક્ષાનો મહિમા ગાવામાં આવ્યો છે. ૪૭ કડીનો ‘સ્થૂલિભદ્ર-રાસ’ તથા ૪૨ કડીની ‘સુભદ્રાસતી-ચતુષ્પદિકા’ કાવ્યાંતે ‘ધમ્મુ’ શબ્દ ગૂંથે છે તેને શ્લેષથી કર્તાનામનો વાચક ગણીએ અને આ ત્રણેય કૃતિઓ એક જ પ્રતમાંથી મળે છે ને ભાષાસ્વરૂપની સમાનતા દર્શાવે છે તે લક્ષમાં લઈએ તો આ બંને કૃતિઓ ઉપર્યુક્ત કવિની જ રચનાઓ હોવાનો તર્ક કરી શકાય. કૃતિ : ૧. આર્યકલ્યાણ ગૌતમ સ્મૃતિ ગ્રંથ, સં. કલાપ્રભસાગરજી, સં. ૨૦૩૯ - ‘જંબુસ્વામીચરિય-એક અપભ્રંશકાવ્યની સમીક્ષા’; ૨. પ્રાગૂકાસંગ્રહ : ૧. સંદર્ભ : ૧. આકવિઓ : ૧; ૨. ગુસાઇતિહાસ : ૧; ૩. મરાસસાહિત્ય;  ૪. આલિસ્ટઑઇ : ૨; ૫. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૬. મુપુગૂહસૂચી. [ચ.શે.]