ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધીરા ભગત


ધીરા(ભગત) [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ -અવ. ઈ.૧૮૨૫/સં.૧૮૮૧, આસો સુદ ૧૫] : જ્ઞાનમાર્ગી કવિ. વડોદરા જિલ્લાના સાવલી પાસે આવેલા ગોઠડાના વતની. જ્ઞાતિએ બ્રહ્મભટ્ટ/બારોટ. પિતા પ્રતાપ બારોટ, માતા દેવબા. બહુધા અનુશ્રુતિઓ પર આધારિત કવિની અન્ય ઉપલબ્ધ ચરિત્રમાહિતી મુજબ એમનો કુળધર્મ વૈષ્ણવ હતો પણ એમણે રામાનંદી પંથ સ્વીકારેલો. કવિ માણેકઠારી કે કાર્તિકી પૂનમે મંડળી લઈને ડાકોર જતા. કવિને શાસ્ત્રપુરાણનું જ્ઞાન ગોઠડાના જીભાઈ શાસ્ત્રી પાસેથી મળેલું પરંતુ કવિત્વ તેમ જ આત્મજ્ઞાન તો કોઈ સિદ્ધ પુરુષની કૃપાથી પ્રાપ્ત થયેલાં. ગરાસની જમીનની ઊપજ તથા લાગાની આવક આજીવિકા માટે પર્યાપ્ત હોઈ ને કવિનાં પત્ની જતનબા સ્વભાવે કંકાસી હોઈ કવિને જ્ઞાનવૈરાગ્ય ને ભજનભક્તિ તરફ વળવામાં મદદ મળી હતી. કવિ પોતાનાં પદો કાગળમાં લખી નદીમાં વાંસની ભૂંગળીમાં વહેતાં મૂકી દેતાં તેનાથી કાંઠાનાં ગામોમાં એમનાં પદોનો પ્રચાર થયેલો. ધીરાભગતના શિષ્યવર્ગમાં બાપુસાહેબ ગાયકવાડ વગેરે ઘણાનો સમાવેશ થતો હતો. તેઓએ આશરે ૭૨ વર્ષનું આયુષ્ય ભોગવ્યું હતું. ધીરાભગતના તત્ત્વવિચારમાં શાંકરવેદાન્તનું અનુસરણ છે. ‘પ્રશ્નોત્તરમાલિકા’માં યોગાદિ માર્ગોના અસ્વીકારપૂર્વક જ્ઞાનમાર્ગનો પ્રબળ પુરસ્કાર થયેલો છે. પરંતુ બીજી બાજુથી કૃષ્ણલીલાનાં ને ડાકોરના રણછોડજી તથા વડોેદરાના નૃસિંહજીની ભક્તિનાં એમનાં પદો મળે છે. એમાં ક્વચિત નિર્ગુણ વિચારધારાનો દોર અનુસ્યૂત જણાય છે પરંતુ સામાન્ય રીતે એ સગુણભક્તિની કવિતા છે. એ જ રીતે એમનાં પદોમાં અધ્યાત્મ-અનુભવનું વર્ણન યોગમાર્ગી પરિભાષાથી ને અવળવાણીના આશ્રયથી થયેલું જોવા મળે છે. એનો અર્થ એ છે કે કવિની દાર્શનિક ભૂમિકા ચુસ્તપણે અદ્વૈતવેદાંતપુરસ્કૃત જ્ઞાનમાર્ગની રહી શકી નથી. એમની આધ્યાત્મસાધનામાં ભક્તિ અને યોગનાં તત્ત્વોને પણ સમાસ મળ્યો છે. ધીરાની કૃતિઓ બહુધા ‘કાફી’ નામે ઓળખાયેલાં છૂટક પદો રૂપે કે પદોના સમુચ્ચય રૂપે રચાયેલી છે. ટેકના પ્રાસ તથા અવાંતરપ્રાસનો ને કડીસંખ્યાનો સુનિશ્ચિત રચનાબંધ ધરાવતાં આ પદો કાફી રાગમાં ગવાતાં હોવાથી આ નામાભિધાન પામ્યાં જણાય છે. ધીરાની એમાં અસાધારણ ફાવટ છે, તેથી કાફી તો ધીરાની એમ કહેવાયું છે તે યથાર્થ છે. ધીરાની કૃતિઓ બહુધા તત્ત્વવિચારાત્મક, અધ્યાત્મઅનુભવવિષયક ને ઉપદેશાત્મક છે. એ પ્રકારની દીર્ઘ કૃતિઓમાં શિષ્યગુરુની પ્રશ્નોત્તરી રૂપે ૨૧૭ કાફીઓમાં રચાયેલી ‘પ્રશ્નોત્તરમાલિકા’ (મુ.) એમાં વ્યક્ત થયેલ અદ્વૈતવેદાંતની દાર્શનિક ભૂમિકા તથા એને અનુસરતા વૈરાગ્યબોધને કારણે તથા એની થોડી પ્રસ્તારી પણ સરળ, લોકભોગ્ય, જીવંતતાભરી રજૂઆતને કારણે નોંધપાત્ર છે. કવિત્વની દૃષ્ટિએ આનાથી ચડિયાતી કૃતિ ‘સ્વરૂપની કાફીઓ’ (મુ.)  છે. ગુરુ, માયા, મન, તૃષ્ણા, લક્ષ્મી, યૌવન અને કાયા - એ ૭ પદાર્થોનું ૩૦-૩૦ કાફીઓમાં સ્વરૂપ વર્ણન કરતો આ ૨૧૦ કાફીઓનો સમુચ્ચય છે. દૃષ્ટાંતચિત્રોથી આવતી સાક્ષાત્કારતા, આત્મકથન ને ઉદ્બોધનની શૈલી તથા ચોટદાર ઉક્તિઓથી આ કૃતિ ઘણી રસાવહ બની છે. ‘જ્ઞાનબત્રીસી’(મુ.) તથા અન્ય પ્રકીર્ણ કાફીઓ (મુ.)માં બ્રહ્માનુભવ, વૈરાગ્યભક્તિબોધ ઉપરાંત મિથ્યાચાર પરના પ્રહારોનું બળકટ વાણીમાં આલેખન થયું છે. એમાં ધીરાભક્તની અનુભવમસ્તી, રૂપક તથા અવળવાણીના સમર્થ વિનિયોગથી થયેલું એ અનુભવનું પ્રત્યક્ષીકરણ તથા ધીરાભગતની અખાના જેવી ચિકિત્સાવૃત્તિ સવિશેષ ધ્યાન ખેંચે છે. ‘આત્મજ્ઞાનવિશે’(મુ.)નાં ૧૦ પદો સ્વતંત્ર કૃતિ ન હોવાનું પ્રતીત થાય છે કેમ કે એમાંનાં કેટલાંક પદો અન્ય કૃતિઓ કે પદસમૂહોમાં પણ મળે છે. ૩૧ કાફીનો ‘જ્ઞાન-કક્કો’(મુ.) તથા ૩૦ પંક્તિનો અન્ય ‘કક્કો’(મુ.) બોધાત્મક પ્રકારની રચનાઓ છે. ૧૧ પદના ‘સુરતીબાઈનો વિવાહ’(મુ.)માં મનની સુરતા (=લગની)નું અલક્ષ્યપુરુષ એટલે કે આત્મા સાથેના લગ્નનું રૂપકાશ્રયી પ્રસંગકથન છે. ધીરાની આ પ્રકારની કૃતિઓમાં ગુરુ માટેનો આદરભાવ ને ઉમળકો વ્યક્ત થાય છે તે સંતરપરંપરાનું લક્ષણ હોવા છતાં એમાં ધીરાનો વિશેષ હૃદયસ્પર્શ વરતાય છે. મતાભિમાની સાંપ્રદાયિકો પર પ્રહારો કરતી ૨૭ પદની ‘મતવાદી’, આત્મસ્વરૂપની લાક્ષણિકતાઓ વર્ણવતી ૨૭ પદની ‘આત્મબોધ’, ગુરુનાં લક્ષણની સાથે વિસ્તારથી ગુરુના જ્ઞાનોપદેશને વણી લેતી ૨૦ પદની ‘ગુરુધર્મ’ તથા શિષ્યને ગુરુસેવા વગેરેની શિખામણ આપતી ૩૦ પદની ‘શિષ્યધર્મ’ એ કૃતિઓ (બધી મુ.) કૃત્રિમ અતિરેકી પ્રાસરચના, પદ્યબંધની થોડીક વિલક્ષણતા અને સામાન્યતાને કારણે ધીરાની કૃતિઓ હોવા વિશે શંકા વ્યક્ત થયેલી છે. તેવું જ યોગવિષયક પ્રચુર માહિતી આપતી, જુદા જુદા રાગોના નિર્દેશ ધરાવતી ૫૭૯ કડીની ઢાળબદ્ધ, ‘યોગમાર્ગ’(મુ.)નું પણ છે. ‘પ્રાચીન કાવ્યમાળા : ૨૪’માં આ કૃતિઓની સાથે જ છપાયેલી, ઈશ્વરની નિસારતા અને વૈરાગ્યનો બોધ કરતી ૧૪ ગરબીઓમાં પણ કેટલીક કૃત્રિમતા નજરે પડે છે. આ સિવાય ધોળ, ગરબી, વસંત, ખ્યાલ, વાર, બારમાસ આદિ પ્રાકરો ધરાવતાં અન્ય પદો (ઘણાં મુ.) મળે છે, જે બહુધા ગુજરાતીમાં, તો થોડાંક હિંદીમાં ને કોઈક મરાઠીમાં પણ રચાયેલાં છે. પદો અધ્યાત્મ અને વૈરાગ્યવિષયક છે, તે ઉપરાંત એમનાં કૃષ્ણવિષયક શૃંગારલીલા, રાસલીલા ને ગોપીભાવનાં પણ ઘણાં પદો છે એ ખાસ નોંધપાત્ર છે. અન્યત્ર ઓજસ્વતી એવી કવિની વાણી અહીં મધુર, પ્રાસાદિક અને લાલિત્યભરી બની છે. હિંદીમાં ધીરાના ૩ કુંડળિયા મુદ્રિત મળે છે. સીધા પ્રસંગવર્ણનની ૭ પદની ‘દ્રૌપદીવસ્ત્રાહરણ’ (મુ.) તથા ૬૦ અધ્યાયે અપૂર્ણ પ્રાપ્ત ‘અશ્વમેઘ’ એ ધીરાની કથાત્મક રચનાઓ છે. કૃતિ : ૧. પ્રાકામાળા : ૨૩(+સં.), ૨૪, ૨૫;  ૨. અભમાલા; ૩. પદસંગ્રહ પ્રભાકર, પ્ર. સ્વામી પ્રેમપુરીજી, ઈ.૧૮૮૫; ૪. બૃકાદોહન : ૧, ૨, ૩; ૫. ભજનસાગર : ૧;  ૬. પ્રાકાત્રૈમાસિક, અં. ર. ઈ.૧૮૮૭; ૭. એજન, અં. ૩ ઈ.૧૮૮૮. સંદર્ભ : ૧. કેવલાદ્વૈત ઈન ગુજરાતી પોએટ્રી (અં.), યોગીન્દ્ર જે. ત્રિપાઠી, ઈ.૧૮૫૮; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસામધ્ય; ૪. ગુર્જર સાક્ષર જયંતીઓ, પ્ર. જીવનલાલ અ. મહેતા, ઈ.૧૯૨૧ - ‘ધીરો અને તેની કવિતા’, કૌશિકરામ વિ. મહેતા;  ૫. બુદ્ધિપ્રકાશ, જાન્યુ. ૧૯૨૪ - ‘નોંધ;  ૬. ગૂહાયાદી; ૭. ફૉહનામાવલિ. [ર.દ.]