ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નાગમતી અને નાગવાળાના લોકકથાના દુહા


નાગમતી અને નાગવાળાના લોકકથાના દુહા : સવિયાણાના રજપૂત કુંવર નાગવાળા અને ત્યાં આવી ચડેલી આહીરકન્યા (કોઈ કાઠીકન્યા પણ કહે છે)ની કરુણાન્ત પ્રેમકથાના ૪૫ જેટલા દુહા (મુ.) પ્રાપ્ત થાય છે. બજારમાંથી પસાર થયેલા નાગને જોતાં વેપારીની હાટે બેઠેલી નાગમતીનું ઘી ઢોળાય છે તે વખતનો નાગમતીનો ઉદ્ગાર-“ધોળ્યાં જાવ રે ઘી, આજુનાં ઉતારનાં, ધન્ય વારો ધન્ય દિ, નીરખ્યો વાળા નાગને” - એના છલકાતા સ્નેહભાવને વ્યક્ત કરે છે, તો પરસ્ત્રીઓને કારણે પોતાના મુખ આડી ઢાલ ધરી દેતા નાગને એ “બાધી જોવે બજાર, પ્રીતમ ! તમણી પાઘને, અમણી કીં અભાગ ! ધમળના, ઢાલું દિયો” એવી વિનવણી કરે છે, તેમાં નાગના ચારિત્ર્યની ઉદાત્તતા સાથે નાગમતીની હતાશાની વેદનાને અસરકારક અભિવ્યક્તિ મળી છે. પોતે આપેલા વાયદામાં નાગમતી મોડી પડતાં એને નાગને આત્મહત્યા વહોરીને મૃત્યુ પામેલો જોવો પડે છે એ વખતે ‘નાગ’ નામનો લાભ લઈને પોતાને વાદણ કલ્પી પોતાના પ્રેમની મોરલીથી એને જગાડવાનો એ પ્રયાસ કરે છે તે ઉદ્ગારો પણ કલ્પનારસિક ને મર્મભર્યા છે - નવકુળનો નાગ તો સંગીત સાંભળીને ફેણ માંડે જ. હલકો જળસાપ નાસી જાય ! ઘનિષ્ઠ સ્નેહસંબંધથી આઠે પહોર અડકી રહેતાં પાણી અને પાળના સંબંધ સાથેની સરખામણી તળપદા જીવનમાંથી આવતી ને રોચક છે. કૃતિ : ૧. કાઠિયાવાડી સાહિત્ય : ૨. સં. કહાનજી ધર્મસિંહ, ઈ.૧૯૨૩; ૨. સોરઠી ગીત કથાઓ, સં. ઝવેરચંદ મેઘાણી, *ઈ.૧૯૩૧, ઈ.૧૯૭૯ (બીજી આ.)[જ.કો.]