ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/‘નલદવદંતી-પ્રબંધ’


‘નલદવદંતી-પ્રબંધ’ [ર.ઈ.૧૬૦૯/સં.૧૬૬૫, આસો વદ ૬, સોમવાર] : જયસોમશિષ્યવાચક ગુણવિનયની આ કૃતિ(મુ.) આરંભના દુહા-ચોપાઈ ઉપરાંત દેશીની ૧૬ ઢાળો અને કુલ ૩૫૩ કડીમાં રચાયેલી છે. આ નાનકડી કૃતિમાં કવિએ અન્ય ભવોની કથાઓ આપી નથી તેમ જ સ્વયંવરના પ્રસંગથી જ કથાનો આરંભ કરી મુખ્ય પ્રસંગો જ ટૂંકમાં આલેખ્યા છે. કવિ જૈન પરંપરાની નલકથાને અનુસર્યા છે તેથી અહીં હંસ અને કલિની તથા તેને અનુષંગે મત્સ્યસંજીવન આદિ પ્રસંગોની ગેરહાજરી છે, તે ઉપરાંત નલને દ્યુતનું વ્યસન પહેલેથી જ હતું તેવું આલેખાયું છે. કવિનો આશય શીલમહિમા ગાવાનો છે તેથી દવદંતીના શીલપ્રભાવને વર્ણવવા તરફ તેમણે વિશેષ લક્ષ આપ્યું છે. રચના ટૂંકી હોવા છતાં કવિએ ક્યાંક ક્યાંક સરસ પ્રસંગવર્ણન કરવાની તક લીધી છે. જેમ કે, આરંભમાં ૫૦થી વધુ કડીમાં સ્વયંવરનો પ્રસંગ વીગતે અને આલંકારિક શૈલીમાં વર્ણવાયો છે. લગ્ન પછી રથમાં જતી વખતે નલ દવદંતીની લજ્જા છોડાવે છે તે પ્રસંગનું કવિએ કરેલું વર્ણન પણ રસિક અને તાજગીભર્યું છે. આંતરયમક વગેરેથી ઓપતા વર્ણવિન્યાસ, અર્થપૂર્ણ અલંકારો, સંસ્કૃત પદાવલિ ને સમાસરચના તથા તળપદા કહેવતો-રૂઢિપ્રયોગો વગેરેમાં કવિની શૈલીની પ્રૌઢિ વરતાય છે. [ભા.વૈ.]