ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/‘નેમિનાથવરસ-ફાગુ રંગસાગર-નેમિફાગ’


‘નેમિનાથવરસ-ફાગુ/રંગસાગર-નેમિફાગ’ [ઈ.૧૫મી સદી] : જૈન સાધુ રત્નમંડનગણિનું આ ફાગુકાવ્ય (મુ.) ઘણો વખત પંદરમા શતકના જૈન કવિ સોમસુંદરસૂરિને નામે પ્રચલિત થયેલું. સંસ્કૃત-પ્રાકૃત શ્લોકોના મિશ્રણવાળી ૩ ખંડની આ કૃતિનું મુખ્યત્વે શાર્દૂલવિક્રીડિત, રાસક, આંદોલ અને યમકસાંકળીવાળો દુહો અને છંદોક્રમમાં થયેલું સંયોજન વિશિષ્ટ છે. ક્યાંક અનુષ્ટુપ ને અઢૈયા છંદનો પણ કવિએ આશ્રય લીધો છે.

નેમિનાથ ગર્ભમાં હતા ત્યારે શિવાદેવીને આવેલાં માંગલ્યસૂચક સ્વપ્નોથી પ્રારંભ કરી રાજિમતી સાથેના લગ્ન પૂર્વે નેમિનાથે કરેલા સંસારત્યાગ સુધીની કથા આલેખી કવિએ નેમિચરિત્ર અહીં આલેખ્યું છે એ રીતે આ ફાગુ થોડું જુદું છે. અલબત્ત એમ કરવા જતાં ફાગુનું હાર્દ બહુ જળવાયું નથી. કૃષ્ણની પટરાણીઓ નેમિનાથને લગ્ન માટે સમજાવવા ગિરનાર પર્વત પર લઈ જાય છે એ પ્રસંગ દ્વારા કવિએ વસંતવર્ણનની કેટલીક તક ઝડપી લીધી છે અને ત્યાં કાવ્ય ફાગુના વિષયને અનુરૂપ બને છે. કૃષ્ણનાં ગોકુળનાં પરાક્રમો અને દ્વારિકાવર્ણનથી કેટલુંક વિષયાંતર કાવ્યમાં થાય છે, તો પણ પદમાધુર્ય ને સુંદર વર્ણનોથી કાવ્ય ધ્યાનપાત્ર બને છે. [ર.ર.દ.]