ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/‘નેમિનાથ-ચતુષ્પદિકા’


‘નેમિનાથ-ચતુષ્પદિકા’ : તપગચ્છના મુનિ રત્નસિંહસૂરિ શિષ્ય વિનયચંદ્રસૂરિરચિત ૪૦ કડીનું ચોપાઇબંધમાં રચાયેલું, ઉપલબ્ધ પહેલું બારમાસી કાવ્ય(મુ.). શ્રાવણથી આરંભાઈ અસાડમાં પૂરી થતી આ કૃતિમાં નેમિનાથના વિયોગમાં ઝૂરતી રાજલને તેની સખી નેમિનાથને ભૂલી જવા સમજાવે છે. પરંતુ સખીની એ વિનંતિને ન માની, વધતી જતી વિરહવ્યથા અસહ્ય બનતાં, આખરે રાજલ ગિરનાર જઈ નેમિનાથના હાથે દીક્ષા લઈ સિદ્ધિ પામે છે- એવી નેમિનાથ રાજિમતીની પ્રચલિત કથાને કવિ આમ તો અનુસરે છે, પરંતુ એક કડીમાં દરેક માસનું પ્રકૃતિવર્ણન, બીજી કડીમાં રાજલને તેની સખીએ કરેલ વિનંતિ અને ત્રીજી કડીમાં વિનંતિનો રાજલે આપેલો ઉત્તર એમ ૩-૩ કડીના ઝૂમખાને લીધે કૃતિનું સંયોજન વિશિષ્ટ બન્યું છે. ક્રમશ: કાવ્યનાયિકાની વધતી જતી વિરહવ્યથા અને કેટલાંક સુંદર વર્ણનોવાળું આ કાવ્ય અંતે વૈરાગ્યબોધમાં પરિણમતું હોવા છતાં એમાંના ભાવતત્ત્વના પ્રાધાન્યથી આકર્ષક બની રહે છે. [ર.ર.દ.]