ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પદ અનુભવાનંદ


પદ (અનુભવાનંદ) : કવિએ પોતે જ વિષ્ણુપદ નામે ઓળખાવેલાં અને હિંદી ભાષામાં પણ મળતાં પદો પૈકી કેટલાંકમાં એમના સંન્યસ્ત પછીના અનુભવાનંદ એ નામની એમ ઉભય છાપ મળે છે. ક્યાંક કવિએ બંને નામ એક સાથે પણ મૂક્યાં છે; ‘નાથ ભવાન તે અનુભવાનંદ છે.’ હસ્તપ્રતોમાં મળતાં આવાં ૧૯૬ પદોમાંથી ૧૧૯ મુદ્રિત થયેલાં છે. રાગ-ઢાળોનું ભરપૂર વૈવિધ્ય ધરાવતાં આ પદોમાં મધ્યકાલીન જ્ઞાનમાર્ગી કવિતાધારાના સઘળા વિષયો આલેખાયા છે અને વેદાન્તી ફિલસૂફી જેવા અમૂર્ત વિષયનું તથા એનાં સંકુલ સ્થાનોનું પણ અલંકારાદિકની સહાયથી મૂર્ત રૂપે ને પ્રાસાદિક રીતે નિરૂપણ થયું છે. આ પદોમાં બ્રહ્મસ્વરૂપનું વર્ણન વધારે ધ્યાન ખેંચે એવું છે. કવિ બ્રહ્મનાં ‘સચ્ચિદાનંદ’ એ જાણીતા સંકેતમાંના ‘આનંદ’ પર વિશેષ ભાર મૂકે છે ને બ્રહ્મને ‘નિરાકાર’ને બદલે ‘સરવાકાર’ કહે છે. કવિએ કરેલું બ્રહ્મસ્વરૂપનું વર્ણન કેટલાંક નવાં અને સચોટ દૃષ્ટાંતો તથા રૂપકોથી મનોરમ બનેલું છે, જેમ કે બ્રહ્મસ્વરૂપની નિર્વિકારતા દર્શાવવા માટે યોજાયેલું અનેક રૂપો ધારણ કરતા પણ વસ્તુત: સ્વ-રૂપે રહેતા નટનું દૃષ્ટાંત તેમ જ સંસારનું મિથ્યાત્વ દર્શાવવા યોજાયેલી માયા નામની વંધ્યા સ્ત્રીના વણસરજ્યા સુતની રૂપકગ્રંથિ. બ્રહ્મ-આનંદના અનુભવનું આલેખન પણ આ પદોમાં વર્ષા એ વસંતના ઉપમાનોથી ને સ્ત્રીપુરુષ પ્રેમની પરિભાષામાં, અધિકૃતતાનો રણકો સંભળાય એટલી ઉત્કટતાથી થયું છે. ચિદાકાશથી વરસતા અનુભવજળથી કામાદિ અંગારા હોલવાઈ જાય છે ને જ્ઞાનની સરિતા વહેવા માંડે છે; એમાં અનુભવી તરવૈયાઓ તરે છે. રાધાકૃષ્ણના પ્રેમસંબંધને અધ્યાત્મના એક નવા જ અને સમૃદ્ધ સંકેતથી આલેખી આપવામાં પણ કવિની વિશેષતા જણાય છે. બ્રહ્મ-આનંદની મસ્તીમાં લીન સંતોની ચિત્તાવસ્થાનું અનુભવાનંદે કરેલું આલેખન ઘણું વિલક્ષણ છે. સદ્ગુરુના અનુભવીપણા પર ભાર મૂકી લાક્ષણિક રીતે એ કહે છે કે ગુરુની વાણી તે જ્ઞાનધારા નહીં પણ અનુભવધારા છે જે અમૃતની હેલીની જેમ શિષ્યની જડતાને હરી ચૈતન્યવંત બનાવે છે. દંભી અને આડંબરી ‘પરમહંસો’ વગેરે પ્રત્યેના કવિના ઉપાલંભોમાં કટાક્ષ કરતાં વિનોદ વિશેષ જણાય છે. આ વિનોદ માર્મિક ઉક્તિઓ અને સચોટ દૃષ્ટાંતોથી હૃદયંગમ બને છે. જેમ કે, શાસ્ત્રાર્થની વિતંડામાં પડનારાઓ માટે એ બે બહેરાની વાત સરવા કાને સાંભળતા અને ખૂબ રળિયાત થતા બહેરાનું દૃષ્ટાંત યોજે છે. [ર.સો.]