ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભીમ-૧


ભીમ-૧ [ઈ.૧૪૩૨ સુધીમાં] : એમની કૃતિમાં એમના જીવન વિશે કોઈ માહિતી ઉપલબ્ધ થતી નથી. પણ એમાંના કેટલાક ઉલ્લેખોને આધારે તેઓ જ્ઞાતિએ બ્રાહ્મણ અને પાટણના વતની હોવાનું અનુમાન થયું છે. એમની ‘સદયવત્સવીર-પ્રબંધ’(લે.ઈ.૧૪૩૨; મુ.) સદેવંત-સાવળિંગાની લોકખ્યાત કથાને ગુજરાતીમાં સૌ પ્રથમ નિરૂપતી, ૬૭૨ કે વધુ કડીઓમાં વિસ્તરતી ને વીર, અદ્ભુત અને શૃંગારરસવાળી પદ્યવાર્તા છે. ભાષાવૈભવ, વર્ણનકૌશલ અને રસનિરૂપણની શક્તિ; વચ્ચે વચ્ચે આવતાં-ક્યારેક છંદપંક્તિઓ સાથે ગૂંથાતાં-ગીતો, દુહા, પદ્ધડી, ચોપાઈ, વસ્તુ, છપ્પય, અડયલ વગેરે માત્રામેળ અને ક્યાંક અક્ષરમેળ છંદોનો થયેલો ઉપયોગ કૃતિને નોંધપાત્ર બનાવે છે. પ્રાકૃત-અપભ્રંશના અવશેષવાળી ભાષાના એક નમૂના લેખે ભાષાઇતિહાસની દૃષ્ટિએ પણ આ કૃતિ મહત્તવની ઠરે છે. કૃતિ : સદયવત્સવીર પ્રબંધ, સં. મંજુલાલ મજમુદાર, ઈ.૧૯૬૧ (+સં.).

સંદર્ભ : ૧. અનુસંધાન, હરિવલ્લભ ભાયાણી, ઈ.૧૯૭૨-‘સદેવંત-સાવળિંગા’; ૨. આકવિઓ : ૧; ૩. કવિચરિત : ૧-૨; ૪. ગુસાઇતિહાસ : ૧; ૫. ગુસાપઅહેવાલ : ૫ - ‘પાટણના ભંડારો અને ખાસ કરીને તેમાં રહેલું અપભ્રંશ તથા પ્રાચીન ગુજરાતી સાહિત્ય’, ચીમનલાલ ડાહ્યાભાઈ; ૬. ગુસાપઅહેવાલ : ૧૧-‘આપણું લોકવાર્તા વિષયક પ્રાચીન સાહિત્ય’, ભોગીલાલ સાંડેસરા. [ર.સો.]