ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મતિસાર પંડિત-૧


મતિસાર(પંડિત)-૧ [ઈ.૧૫૪૯માં હયાત] : આ કવિ જૈન છે કે જૈનેતર તે સ્પષ્ટ થતું નથી. કૃતિમાંના નિર્દેશો બંને સંભવનું સમર્થન કરે એવા મળે છે. ચિમનલાલ દલાલ તેમને જૈનેતર તો ભોગીલાલ સાંડેસરા તેમને જૈન કવિ માને છે. વળી ‘જૈન ગૂર્જર કવિઓ’એ આ મતિસાર તે આગમગચ્છના પંડિત ગુણમેરુના શિષ્ય મતિસાગર હોવાનો તર્ક કર્યો છે. આ મતિસારની આશરે ૪૧૧ કડીની કૃતિ ‘કર્પૂરમંજરી-રાસ’ (ર.ઈ.૧૫૪૯/સં.૧૬૦૫, ચૈત્ર સુદ ૧૧, રવિવાર; મુ.) મળે છે. મુખ્યત્વે દુહા-ચોપાઈબંધની આ કૃતિમાં વાર્તારસ પ્રધાન છે અને કથાનકને ગુજરાતના પ્રતાપી રાજવી સિદ્ધરાજ જયસિંહ તથા રૂદ્રમહાલયની પૂતળી સાથે જોડવામાં આવ્યું છે તેથી ધ્યાને ખેંચે છે. કૃતિ : કર્પૂરમંજરી, ભોગીલાલ જ. સાંડેસરા, ઈ.૧૯૪૧. સંદર્ભ : ૧. ગુલિટરેચર; ૨.ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસાપઅહેવાલ : ૫-‘પાટણના ભંડારો અને ખાસ કરીને તેમાં રહેલું અપભ્રંશ તથા પ્રાચીન ગુજરાતી સાહિત્ય’, ચિમનલાલ ડાહ્યાભાઈ; ૪. ગુસામધ્ય; ૫. ગુસારસ્વતો; ૬. મધ્યકાલીન ગુજરાતી પ્રેમકથાઓ હસુ યાજ્ઞિક, ઈ.૧૯૭૪;  ૭. જૈગૂકવિઓ : ૩(૧); ૮. મુપુગૂહસૂચી. [ચ.શે.]