ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મધુસૂદન-૧


મધુસૂદન-૧ [ઈ.૧૬મી સદી] : પદ્યવાર્તાકાર. જ્ઞાતિએ બ્રાહ્મણ. અવટંકે વ્યાસ. ખેડા જિલ્લાના સારસામાં એમણે પોતાની કૃતિની કથા કરેલી એવો નિર્દેશ કૃતિમાં જ મળતો હોવાથી સારસા એમનું વતન હોવાનું અનુમાન થયેલું છે. એમની કૃતિ ‘હંસાવતી વિક્રમકુમાર-ચરિત્ર/હંસાવતીવિક્રમચરિત્ર-ચોપાઈ/વિવાહ’(મુ.)ની વિવિધ હસ્તપ્રતો ઈ.૧૩૬૦/સં.૧૪૧૬, શ્રાવણ સુદ/વદ ૩, રવિવાર; ઈ.૧૫૫૦; ઈ.૧૫૬૦/સં.૧૬૧૬ રચનાવર્ષ તરીકે નભી શકે તેમ નથી. બાકીનામાંથી કૃતિમાંના કેટલાક ઐતિહાસિક સંદર્ભોને તેમ જ કૃતિની ભાષાને લક્ષમાં લઈ ઈ.૧૫૬૦નું રચનાવર્ષ વધુ આધારભૂત મનાયું છે. એટલે કવિને પણ ઈ.૧૬મી સદીમાં હયાત ગણી શકાય. ત્રંબાવતીની રાજકુંવરી હંસાવતી અને ઉજ્જયિનીના રાજા વિક્રમાદિત્યના પુત્ર વિક્રમચરિત્ર વચ્ચેના પ્રણય-પરિણયને આલેખતી કવિની આ પદ્યવાર્તા તેની રસાળ શૈલી અને અન્ય વિશિષ્ટતાઓને લીધે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની લોકપ્રિય કૃતિ હોવાનું દેખાય છે. ઈ.૧૫૬૦માં મધુસૂદને રચેલી ‘સિંહાસન-બત્રીશી’ મળે છે તે આ કવિની જ છે કે કેમ એ માટે અત્યારે આધારભૂત રીતે કંઈ કહી શકાય એમ નથી. કૃતિ : હંસાવતી વિક્રમચરિત્ર-વિવાહ, સં. શંકરપ્રસાદ છ. રાવલ, ઈ.સ.૧૯૩૫ (+સં.). સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ; ૩. ગુસામધ્ય; ૪. ગુસારસ્વતો; ૫. પ્રાકકૃતિઓ;  ૬. આલિસ્ટઑઇ : ૨; ૭. ગૂહાયાદી; ૮. ડિકૅટલૉગભાવિ; ૯. ફાહનામાવલી : ૨. [ર.સો.]