ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મૂળદાસ-૧


મૂળદાસ-૧ [જ.ઈ.૧૬૫૫/ઈ.૧૬૭૫/સં.૧૭૧૧/સં.૧૭૩૧, કારતક સુદ ૧૧, સોમવાર-અવ. ઈ.૧૭૭૯/સં.૧૮૩૫, ચૈત્ર સુદ ૯] : જૂનાગઢ જિલ્લાના આમોદરામાં સોરઠિયા લુહાર જ્ઞાતિમાં જન્મ. પિતા કૃષ્ણજી. માતા ગંગાબાઈ.લગ્ન પછી સંસાર તરફ વૈરાગ્ય જન્મતાં ગૃહત્યાગ. ગોંડલમાં રામાનુજી સંપ્રદાયના કોઈ સાધુ જીવણદાસજી સાથે મેળાપ અને તેમના શિષ્ય. ગુરુના આદેશથી પત્નીને સાથે લઈ અમરેલીમાં વસવાટ અને ત્યાં જીવત્સમાધિ. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ મુક્તાનંદની માતાને આત્મહત્યા કરતાં એમણે બચાવેલાં એવું મનાય છે. મહાત્મા મૂળદાસને નામે જાણીતા આ સંતકવિની ગરબી, આરતી, ભજન, કીર્તન, બારમાસી જેવી પદપ્રકારની ગુજરાતી-હિંદી રચનાઓ અત્યારે મુદ્રિત સ્વરૂપે ઉપલબ્ધ થાય છે. ભક્તિ અને જ્ઞાનવૈરાગ્યના સમન્વયરૂપ એમનાં આ પદોમાં કૃષ્ણભક્તિ, વૈરાગ્યબોધ અને ગુરુમહિમા છે. ‘અનુપમચુંદડી’(મુ.) જેવાં એમનાં ઘણાં પદ લોકપ્રિય છે. આ સિવાય ગુરુ દત્તાત્રેયે ચોવીસ ગુરુ કર્યા તેના હિંદીમાં ૩૦ કવિત(મુ.), ‘મર્કટીનું આખ્યાન’, ‘હરિનામ-લીલા’, ‘સાસુવહુનો સંવાદ’, ભાગવતનો બીજો સ્કંધ તથા ભગવદ્ગીતાનો અનુવાદ (ર.ઈ.૧૭૬૧) વગેરે એમને નામે મળતી બીજી રચનાઓ છે. કૃતિ : ૧. ભક્તિવૈરાગ્યતત્ત્વ, પ્ર. શ્રી વૈષ્ણવ સાધુ ઓધવદાસજી, ઈ.૧૯૦૩;  ૨. અભમાલા; ૩. કાદોહન : ૨, ૩; ૪. ગુસાપઅહેવાલ : ૩-‘ગુજરાતી જૂનાં ગીતો’માંથી ઉદ્ધૃત (+સં.); ૫. ગુહિવાણી (+સં.); ૬. નકાસંગ્રહ; ૭. પ્રાકાસુધા : ૨; ૮. બૃકાદોહન : ૭; ૯. ભસાસિંધુ. સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસામધ્ય; ૪. પ્રાકકૃતિઓ; ૫. સતવાણી (પ્રસ્તાવના); ૬. સોરઠની વિભૂતિઓ, કાલિદાસ મહારાજ, ઈ.૧૯૬૧; ૭. સોસંવાણી;  ૮. આલિસ્ટઑઇ : ૨; ૯. ગૂહાયાદી; ૧૦. ફૉહનામાવલિ.[ર.સો.]