ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મેઘરાજ વાચક-૩


મેઘરાજ(વાચક)-૩ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. પાર્શ્વચંદ્રસૂરિની પરંપરામાં શ્રવણ/સરવણ ઋષિના શિષ્ય. પાર્શ્વચંદ્રસૂરિથી પોતાની પરંપરા ગણાવતા હોવાથી પાર્શ્વગચ્છના હોવાની શક્યતા. ૫ ખંડનો ‘ઋષિદત્તામહાસતી-રાસ’ (ર.ઈ.૧૬૦૧); દુહા, ચોપાઈ અને જુદી જુદી દેશીઓના ઢાળમાં લખાયેલો, ૬ ખંડ અને લગભગ ૬૫૦ કડીનો, ઋષિવર્ધનના તદ્વિષયક કાવ્યની અસર ઝીલતો ‘નળદમયંતી-રાસ’ (ર.ઈ.૧૬૦૮; મુ.); ૩૫૦ કડીનો ‘સોળ-સતીનો રાસ’(મુ.) તેમની રાસકૃતિઓ છે. એ ઉપરાંત તેમની પાસેથી ‘ઠાણાંગની દીપિકા/સ્થાનાંગની દીપિકા’ (ર.ઈ.૧૬૦૩), ‘સમવાયાંગસૂત્ર-બાલાવબોધ’ (ર.ઈ.૧૬૦૩ આસપાસ), ‘ક્ષેત્રસમાસ-બાલાવબોધ’ (ર.ઈ.૧૬૧૪), મૂળ પ્રાકૃત ગ્રંથ ‘રાજપ્રશ્નીય ઉપાંગ-સૂત્ર’ પર ૩૨૮૧ કડીનો સ્તબક (ર.ઈ.૧૬૧૪ આસપાસ), ૯૦૦૦ ગ્રંથાગ્રનો ‘ઉત્તરાધ્યાયનસૂત્ર-બાલાવબોધ/સ્તબક’, ‘ઔપપાતિક-સૂત્ર-બાલાવબોધ’, ‘નવતત્ત્વપ્રકરણ-બાલાવબોધ’, રાયપસેણીનો બાલાવબોધ’, રત્નશેખરસૂરિના મૂળ પ્રાકૃત ગ્રંથ ‘લઘુક્ષેત્ર-સમાસ-પ્રકરણ’ પર ૨૬૬ કડીનો બાલાવબોધ, ૧૪૦ કડીનો ‘રાજચંદ્રસૂરિ-પ્રવહણ’ (ર.ઈ.૧૬૦૫), ‘સાધુ-સમાચારી’ (ર.ઈ.૧૬૧૩), ૧૦ કડીનું ‘અનુયોગદ્વારસૂત્રાર્થ-ગીત (શંખેશ્વર-સ્તવન-ગર્ભિત)’, ૯/૧૧ કડીનું ‘ગુરુ-ગીત/ભાસ’, ૨૫ કડીની ‘ચતુર્વિંશતિનામ-ગુંથિતરાગ-પચવીશી’, ૩ ઢાળમાં વહેંચાયેલ ‘જ્ઞાતધર્મ-કથાંગસૂત્ર-૧૯ અધ્યયન ૧૯-ભાસ/જ્ઞાતાસૂત્ર-સઝાયો’ (મુ.), ‘૧૩ કાઠિયાનો તેર-ભાસ’, ૨. ઢાળની ‘મેઘકુમાર-સઝાય’(મુ.) ૭ કડીની ‘સતી સુભદ્રાની સઝાય’(મુ.), ૭૫ કડીની ‘સુબાહુકુમાર-સંધિ’, ૧૧ કડીની ‘સતી અંજનાસુંદરીની સઝાય’(મુ.), ‘સત્તરભેદી-પૂજા’ (ર.ઈ.૧૬૯૩; અંશત: મુ.) અને પાર્શ્વચંદ્ર-વિષયક ગીત, શલોકો, સ્તુતિ આદિ તેમની પાસેથી મળ્યાં છે. કૃતિ : ૧. આકમહોદધિ : ૩; ૨. ષટદ્રવ્યનય વિચરાદિ પ્રકરણ-સંગ્રહ, પ્ર. શ્રાવક મંગળદાસ લલ્લુભાઈ, સં. ૧૯૬૯; ૩. સઝાય-સંગ્રહ : ૧, સં. સાગરચંદ્રજી, સં. ૧૯૭૮;  ૪. જૈન સત્યપ્રકાશ, સપ્ટે. ૧૯૪૨-‘કેટલાંક ઐતિહાસિક પદ્યો’, સં. કાંતિસાગરજી. સંદર્ભ : ૧. ઐરાસંગ્રહ : ૧ (પ્રસ્તા.); ૨. ગુસાપઅહેવાલ : ૨૦; ૩. ગુસારસ્વતો; ૪. જૈસાઇતિહાસ; ૫. દેસુરાસમાળા; ૬. નળદમયંતીની કથાનો વિકાસ, રમણલાલ ચી. શાહ, ૧૯૮૦; ૭. પ્રાકારૂપરંપરા;  ૮. જૈગૂકવિઓ : ૧, ૨, ૩(૧,૨); ૯. જૈહાપ્રોસ્ટા; ૧૦. ડિકૅટલૉગભાઈ : ૧૭(૧); ૧૧. મુપુગૂહસૂચી; ૧૨. લીંહસૂચી; ૧૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]