ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મેહમૂદ દરિયાઈ સાહેબ


મેહમૂદ દરિયાઈ(સાહેબ) [જ. ઈ.૧૪૬૮-અવ. ૧૫૩૪] : મુસ્લિમ કવિ. વતન બીરપુર. મશાયખોની પરંપરામાં શેખ ચાંદબિન શેખ મહમ્મદ ગુજરાતી/કાઝી હમીદ (ઉર્ફે આલંદા)ના પુત્ર. ગુજરાતના સુલતાન બહાદુરશાહના અમલ દરમ્યાન કાઝી. ઈ.૧૫૧૪માં સુલતાન નારાજ થતાં હોદ્દો છોડી વતન બીરપુરમાં સ્થાયી વસવાટ કર્યો. વફાત પહેલાં પિતાએ ખિલાફતનો ઝભ્ભો અર્પણ કરીને તેમના ઉત્તરાધિકારી બનાવ્યા હતા. હિંદીની છાંટવાળી ગુજરાતી ભાષામાં, માનવજીવનને ખેતરનું રૂપક આપી મનુષ્ય અવતારને ઉજાળવાનો ઉપદેશ આપતાં ૨ ભજનો(મુ.) ઉપરાંત ‘મકામાતે હિન્દીયા’(મુ.) નામના સંગ્રહમાં આ કર્તાની ‘જિકરી’ નામની લોકપ્રિય થયેલી હિન્દી કૃતિઓ સંગૃહીત થયેલી છે. કૃતિ : બુદ્ધિપ્રકાશ, જુલાઈ ૧૯૬૬ - ‘પંદરમા સૈકાના સૂફી સંતકવિ કાઝી મેહમૂદ દરિયાઈ સાહેબ’, સૈયદ ઇમામુદ્દીન દરગાહવાલા. (+સં.) [ર.ર.દ.]