ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/‘મડાપચીશી-વેતાલપચીશી’


‘મડાપચીશી/વેતાલપચીશી’ [ર.ઈ.૧૭૪૫] : જેનું પગેરું ક્ષેમેન્દ્રની ‘બૃહત્કથામંજરી’ તથા સોમદેવના ‘કથાસરિતસાગર’ સુધી અને કદાચ તેથીય આગળ સુધી જાય છે એવી, ભારતની અનેક ભાષાઓની પેઠે ગુજરાતીમાં પણ જ્ઞાનચંદ્ર, દેવશીલ, હેમાણંદ, સિંહપ્રમોદ અને હાલૂ જેવા પુરોગામીઓને હાથે ઉતારાયેલી આ વાર્તામાળા(મુ.)ને શામળે પોતાની ‘સિંહાસન-બત્રીશી’ સાથે તેની બત્રીસમી વાર્તા તરીકે જોડી દીધી છે. સંસ્કૃતકથા દક્ષિણના પ્રતિષ્ઠાના વિક્રમસેનના પુત્ર ત્રિવિક્રમસેનને વાર્તાનાયક બનાવતી હતી, પણ શામળે તેને ઉજેણીના પરદુ:ખભંજન વિક્રમ સાથે જોડી એ કારણે ‘પંચદંડ’ની માફક ‘સિંહાસન-બત્રીશી’ના વિક્રમચરિત્ર ભેગી ભેળવી દેવાની તક ઝડપી છે. જેમ આ બાબતમાં તેમ વાર્તાઓમાંનાં સ્થળો અને પાત્રોના નામ તથા વાર્તાઓના વસ્તુ અને ક્રમમાં તેમજ કથાપીઠ તરીકેની પ્રાસ્તાવિક વાર્તામાં સિદ્ધ (એને શામળે જૈન બનાવ્યો છે) અને તેના બ્રાહ્મણપુર ચેલા વચ્ચેની કાતિલ સ્પર્ધા યોજી અંતે વિક્રમના હાથે થતા બેઉ ઉપરના ઉપકારથી સાધેલા સુખાન્તમાં પોતાની સૂઝ પ્રમાણે ચાલી શામળે વાર્તાકાર તરીકે સ્વતંત્ર સર્જકતા દાખવી છે. સિદ્ધ માટે વડ પરના શબને નીચે ઉતારી પીઠ પાછળ ઊંચકી લઈ જવા જતા વિક્રમને તે શબ એક વાર્તા જેવો કિસ્સો કહે અને તેને અંગે તેનો નિર્ણયાત્મક જવાબ માગે અને મોં ન ખોલવાની સિદ્ધની સૂચના છતાં વિક્રમથી ઉત્તર અપાઈ જાય કે તરત શબ તેની પાસેથી છટકી પાછું વડ પર જઈ ચોંટી જાય, એમ ચોવીસ વાર બનવાની યોજનાથી આ વાર્તામાળા આપણને મળે છે. આ શબ તે પેલા સિદ્ધના ચેલાનું છે એમ શામળે ગોઠવ્યું છે. મૂળ કથામાં વેતાળ તેનો કબજો લઈ બેસી રોજ પેલા કિસ્સા વિક્રમને કહી તેમાંથી નિષ્પન્ન થતા કોયડા તેને પૂછતો હોય છે, જે કારણથી આ વાર્તામાળાને ‘વેતાલપચીશી’ નામ મળેલું છે. શામળની રચનામાં વેતાળ સિદ્ધને ઊકળતા તેલના કઢામાં ફેંકવામાં વિક્રમનું મિત્રકાર્ય કરે છે એ રીતે એનો ઉપયોગ થયો છે. બધી વાર્તાઓ એક રીતે સહેજ નિમ્ન સ્તરના લોકવ્યાવહારના સામાજિક ને વ્યક્તિગત કોયડા રજૂ કરતી હોઈ, આખી રચનામાં તે સમસ્યાનો રસ પૂરે છે, એ રીતે વિશિષ્ટ કહેવાય. ‘સિંહાસનબત્રીશી’ સાથે જોડી હોઈ શામળે એને અન્તે તે કૃતિનો અન્ત તે કૃતિનો અન્ત કે સમાપન યોજેલ છે. એ રચના ઈ.૧૭૪૫માં પૂરી થયાનો ઉલ્લેખ આને અન્તે આવતો હોઈ આ રચના તે અને તેની પહેલાંનાં ૨-૩ વર્ષની માની શકાય. શામળના કેટલાક જાણીતા છપ્પા આ રચનામાં જોવા મળે છે. [અ.રા.]