ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/‘મૃગાંકલેખા-રાસ’


‘મૃગાંકલેખા-રાસ’  : વડતપગચ્છના જ્ઞાનસૂરિના શિષ્ય જૈન કવિ વચ્છના ૪૦૧ કડીના આ રાસની ઈ.૧૪૮૮ની પ્રત મળે છે, એટલે એની રચના એ પૂર્વે થઈ હોવાનું માની શકાય. દુહા, રોળા, ચોપાઈની દેશીઓમાં રચાયેલા આ રાસમાં રામભક્ત હનુમાનની માતા અંજનાસુંદરીની જૈનકથાને અનુસરી મૃગાંકલેખાનું ચરિત્ર આલેખાયું છે. ઉજ્જૈની નગરીના શ્રેષ્ઠિ ધનસાગરની પુત્રી મૃગાંકલેખા સાગરચંદ્ર નામના શ્રેષ્ઠિપુત્ર સાથે પરણી કેટલીક ગેરસમજોનો ભોગ બની પતિ અને શ્વસુરગૃહથી તરછોડાઈ વિકટ પરિસ્થિતિઓમાં મુકાયા છતાં પોતાના શીલને કેવી રીતે પવિત્ર રાખે છે અને અંતે પતિના પ્રેમને પામે છે એ બતાવી કવિએ કેટલાક ચમત્કાર અંશોથી યુક્ત આ કથામાં ધૈર્ય અને શીલનું મહાત્મ્ય ગાયુ છે. પ્રારંભકાળના નાના અને બોધાત્મક અંશોના પ્રાધાન્યવાળા રાસાઓ ઈ.૧૫મી સદી આસપાસ વિશેષ પ્રસંગબહુલ અને વિસ્તારી બન્યા તે પરિવર્તનને સૂચવતો આ મહત્ત્વનો રાસ છે.[ભા.વૈ.]